ફિટનેસ મંત્ર:વધારાનું વજન દૂર કરવામાં મદદ કરતાં યોગાસન

19 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

શરીરને ચુસ્ત રાખવા માટે વ્યાયામની સાથે સાથે આહાર પણ સંતુલિત હોવો જરૂરી છે. કેટલીક વ્યક્તિઓ નિયમિત રીતે વ્યાયામ તો કરે છે પણ સ્વાદિષ્ટ ભોજન કરવાની લાલચ રોકી નથી શકતી. જોકે એવા કેટલાક આસન છે જે નિયમિત રીતે કરવાથી વધારાનું વજન દૂર કરવામાં મદદ મ‌ળે છે

પવનમુક્તાસન
 પીઠના આધારે સીધા સુુઇ જાઓ.
 બંને ઘૂંટણ વાળીને છાતી પાસે લાવો. બંને હાથથી પગને પેટ પર દબાવો.
 હવે માથું ઊંચું કરીને ઘૂંટણ પાસે લાવો.
 થોડો સમય આ અવસ્થામાં રહો અને પછી વિશ્રામ કરો.
આસનના ફાયદા
દિનચર્યા બગડવાને લીધે પાચનતંત્ર પર નકારાત્મક અસર થાય છે અને એની અસર શારીરિક ને માનસિક સમસ્યાના લક્ષણ તરીકે દેખાય છે. આ લક્ષણમાં કબજિયાત, અપચો, આળસ, ચીડિયાપણું જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે અને એને નિયંત્રિત કરવામાં આ આસન મદદ કરે છે.

તાડાસન
 સીધા ઊભા રહી જાઓ અને બંને હાથને માથાની ઉપર લઇ જાઓ.
 બંને હાથ સીધા રાખો અને આંગળીઓને આસપાસમાં ગૂંથી લો.
 આ પછી એડીને ઉપર કરીને પંજાના આધારે શરીરને ઉપરની તરફ ખેંચો
 આ સ્થિતમાં થોડા સમય સુધી રહો અને પછી રિવર્સમાં સામાન્ય પરિસ્થિતિમાં આવો.
આસનના ફાયદા
તાડાસનથી શરીરમાંથી આળસ અને નિષ્ક્રિયતા દૂર થઇને રક્તનો પ્રવાહ સુધરે છે.

વક્રાસન
દંડાસનમાં સીધા બેસી જાઓ.
 જમણો પગ ઘૂંટણથી વાળો અને ડાબો પગ સીધો જ રાખો.
 જમણો હાથ કમરથી પાછ‌ળ લઇ જઇને જમીન પર રાખો અને શરીરને એની પર ટેકો આપો.
 આ પછી ડાબો હાથ પગની જમણી તરફ કાઢીને જમીન પર રાખો. હવે ડોકને જમણી તરફ ફેરવી (તસવીર પ્રમાણે) પાછળની તરફ જુઓ.
 થોડો સમય આ સ્થિતિમાં રહો અને પછી બીજી તરફ પણ આવી જ પ્રેક્ટિસ કરો.
આસનના ફાયદા
કરોડરજ્જૂની ફ્લેક્સિબિલિટી વધે છે અને હાડકાં તેમજ સ્નાયુઓને રાહત મળે છે.

ભુજંગાસન
 પેટના આધારે સુઇ જાઓ.
 હથેળીને ખભા પાસે અથવા તો અંદરની તરફ રાખો અને એક સાપની જેમ માથું ઉંચું કરો.
 આ કરતા શરીરનો ભાર હથેળી પર ન આવે એનું ધ્યાન રાખો.
 આ આસનમાં થોડો સમય રહો અને પછી વિશ્રામ કરો.
આસનના ફાયદા
ખભા, હાથ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. શરીર ફ્લેક્સિબલ બને છે અને થાક તેમજ તણાવ દૂર થાય છે. હૃદય સ્વસ્થ રહે છે.

વૃક્ષાસન
 સીધા ઊભા રહો અને જમણો પગ ઘૂંટણથી વાળીને ડાબા પગના સાથળ પર રાખો.
 જમણા પગથી શરીરનું સંતુલન જાળવીને ઊભા રહો.
 હવે બંને હાથને નમસ્કાર મુદ્રામાં છાતી પર રાખો.
 આંખ ખુલ્લી રાખીને દૃષ્ટિ સ્થિર કરો.
 આ સ્થિતિમાં થોડો સમય રહીને બીજા પગ સાથે પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
આસનના ફાયદા
આ આસનથી મળતું ભાવનાત્મક સંતુલન તમામ નકારાત્મક લાગણીઓને હટાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...