વુમનોલોજી:યોગ : ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને આપેલ અમૂલ્ય બક્ષિસ

15 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

21 જૂન એટલે કે યોગ દિવસ હવે વિશ્વવ્યાપી છે, વિશ્વ પ્રસિદ્ધ છે. યોગ ભારતની પરંપરા, ભારતનું ગૌરવ અને વિશ્વને આપેલ અનમોલ ભેટ છે. યોગ માનવ શરીર ,માનવ સ્વભાવ અને માનવ ચેતનાનું નિયમન કરે છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં મોક્ષ માર્ગે જવા માટે તન, મન, ચિત્ત અને આત્માને ચેતના આપતી વિદુષીના નામ અને તેમના પ્રદાન આપણે વાંચીએ છીએ. પિતૃસત્તાક માનસિકતા અને સામાજિક અસંતુલન પૂર્વેનો એ સમય હતો જ્યાં સ્ત્રીઓ શાસ્ત્ર, જ્ઞાન અને ચેતનાના પ્રસાર અને સાધનામાં અગ્રેસર હતી. જે સમયગાળામાં સંત અથવા ઋષિ અથવા ઈશ્વરીય અંશને જન્મ આપનાર માતાને માત્ર માતા હોવાની જ ક્ષમતા અને માતા તરીકેની જ મહાનતાને નવાજવામાં આવતી હતી એ જ સમયગાળામાં લક્ષ્મીકરા, ગંગાધરા, સિદ્ધરાજની, કોન્ખલા જેવી યોગિનીઓનો જન્મ પણ થયો અને યોગના પથ પર અનુગામી માટે એમણે પ્રકાશ પણ પાથર્યો. સ્ત્રી એ માત્ર તેના મહાન યોગી પતિની અર્ધાંગિની કે સહધર્મચારિણી જ નહીં પરંતુ પોતાની આગવી ઓળખ રૂપે, પોતાની સાધનાના પંથે ચાલીને યોગિની બની શકી. સ્ત્રી ધર્મ માત્ર પતિ અને પારિવારિક દાયિત્વ પૂરતો મર્યાદિત માનવામાં આવતો હતો ત્યારે કેટલીક એવી સ્ત્રીઓ હતી જેે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી અને ઇતિહાસ સર્જાયો. ઋગ્વેદમાં સત્યાવીસ રિષિકાઓનો ઉલ્લેખ છે. મેવાડની મીરાંના ભક્તિગીતો, યોગ અને વેદાંતના ગીત રચી ગલી ગલીએ ગાતા કાશ્મીરની લાલ દેદનાં સર્જનોની નોંધ પણ છે. મહારાષ્ટ્રની જાના બાઈ કે બહીના બાઈની ધાર્મિક ઊંચાઈ તથા ક્રાંતિકારી કૃતિ આજે પણ વંચાય છે, પરંતુ જયારે યોગ પ્રેક્ટિસની વાત આવે છે ત્યારે સ્ત્રીઓના નામ આપણી પાસે નથી . યોગ માટે ભારતીય તરીકે હંમેશા ગૌરવ લઈએ છીએ. એ વાતનો પણ આનંદ થાય કે સ્વાસ્થ્ય - એક સંપૂર્ણ તંદુરસ્ત જીવનનું મૂળ યોગ એ આપણી ધરોહર આજે વૈશ્વિક સ્તરે વિસ્તરેલી છે. સદીઓ પૂર્વ યોગની શરૂઆત થઇ હોય તેમ મનાય છે અને સૈકાઓ સુધી પુરુષોએ આ વિદ્યાનો પ્રસાર કર્યો અને લગભગ વીસમી સદીની શરૂઆતમાં આ પ્રથાનો વિધિવત ભંગ થયો.ઈન્દ્રા દેવી નામની મહિલાએ યોગ ક્ષેત્રે શિક્ષણ માટે પહેલ કરી. યુજીન નામની રશિયન યુવતી થિયોસોફિકલ સોસાયટી અને જિદ્દુ કૃષ્ણમૂર્તિના સ્પંપર્કમાં આવી. ભારતના પ્રવાસે આવેલી એ યુવતી આમ તો નૃત્યાંગના હતી,પરંતુ કેટલીક શારીરિક સમસ્યાને કારણે મૈસુરના મહારાજાએ યોગ શીખવા અંગે ભલામણ કરી. યોગગુરુ ક્રિષ્નમાચાર્ય પાસે શિસ્તબદ્ધ તાલીમ લીધી. અથાક મહેનત અને યોગ શિક્ષણના માર્ગે આગળ વધતી એ સ્ત્રી ઇન્દ્રા દેવી અને માતાજી તરીકે સન્માનિત થઇ ત્યારે તે ભારતીય મૂળની હતી કે નહીં તે ગૌણ બની ગયું. સંસ્કૃતમાં લખાયેલ શાસ્ત્ર, ઇતિહાસમાં વાંચેલ યોગી-યોગિનીનાં ઉદાહરણ, વર્તમાન સમયમાં વિવિધ સ્વામી અને ફિટનેસ એક્સપર્ટ ઉપરાંત આધુનિક મેડિકલ સાયન્સ પણ યોગ અને પ્રાણાયામને સંપૂર્ણ સન્માન સાથે સ્વીકારે છે, ત્યારે હવે આપણા ભાગે શું આવે? માત્ર અને માત્ર સ્વ સાથેની શિસ્ત, એક નિર્ણય. જાતને હાંસિયામાં મૂકતી અને ખાસ કરીને પોતાના આરોગ્યને પ્રાધાન્ય ના આપી શકનારી દરેક મહિલાએ આજે ઊંડા શ્વાસ લઈને એક આરંભ કરવાનો છે. આપણે ઇતિહાસનું ઘણું પુનરાવર્તન કર્યું છે તો યોગ કેમ નહીં? meghanajoshi74 @gmail.com

અન્ય સમાચારો પણ છે...