તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:પત્નીને પતિ કમાતોધમાતો હોય ત્યાં સુધી જ વહાલો લાગતો હશે?

કિન્નરી શ્રોફ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દામિનીએ તુચ્છકાર ઉછાળ્યો, ‘એમાં હરખાવા જેવું કંઇ નહોતું. આ વખતે મારે નિરાશ નહીં થવું પડે એનો બંદોબસ્ત કરીને જાઉં છું.’

પ્રકરણ -4 આખરે અક્ષયને થયું છે શું? એ નાઇટ ડ્રાઇવને અઠવાડિયું થવા છતાં અદિતીનાં ચિત્તમાંથી અક્ષયની પ્રતિક્રિયા નથી હટતી. કેટલી જલદ પ્રતિક્રિયા. હી વોઝ જોયફુલ અનટિલ વી વેર એટ ધ સિગ્નલ. જરૂર ત્યાં જ કશુંક બન્યું. સાઇડ કે રીઅર વ્યૂ મિરરમાં એમણે કંઇક ન જોવા જેવું જોઇ પાડ્યું હોય...પણ એવું તે શું હોય! કોઇ પાસે ઉછીના પૈસા લીધા નથી કે લેણદારને જોઇ ભાગવું પડે ને ક્રાઇમ જેવું કંઇક હોત તો અક્ષય પોલીસને તેડાવી મદદરૂપ થાત, એટલા તો જાણું છું હું એમને. ઓહ, હું વળી પેલા કિન્નરમાં બિઝી રહી એમાં... અને અદિતીની વિચારગાડીને બ્રેક લાગી જતી: કિન્નર! અક્ષય કિન્નરને કારણે ગભરાયા? પણ શું કામ! કિન્નરથી ભાગી છૂટવા જેવું શું હોય? ક્રોસિંગ આગળ તાબોટા પાડી ગુજરબસર કરતા જોડે અક્ષયની ઓળખાણ, દોસ્તી કે દુશ્મની કશું જ ન હોય. અને છતાં અક્ષય એટલા અપસેટ થયા કે સિગ્નલ તોડીને ગાડી ભગાવી! પછી એમનો લોંગ ડ્રાઇવનો મૂડ પણ ન રહ્યો. તરત ઘરે રિટર્ન. કારણ પૂછ્યું તો બીજા દિવસની મીટિંગની તૈયારી માટે વહેલાં ઉઠવાનું બહાનું બનાવી દીધું...પણ હું જાણું છું કે ક્યાંય સુધી તેઓ સૂઇ શક્યા નહોતા... શા માટે અક્ષય મને જે હોય એ કહેતા નથી? હું પૂછી નથી શકતી કારણ કે પૂછપરછથી વાત ફંટાઇને એમની દુખતી રગ દબાઇ ન જાય એની ધાસ્તી રહે છે મને. કિન્નરથી ભાગવામાં કોઇ ભેદ છુપાયો છે? અગાઉ પણ આવું બન્યું હોય તો મારા ધ્યાનમાં નથી. માનાં ધ્યાનમાં હશે ખરું? ન જ રહેવાતા અદિતીએ સાસુને ફોન જોડી આડકતરી રીતે વાત મૂકી: મા, મુંબઇની મારી એક ફ્રેન્ડની સાસરાંમાં લગ્ન ગયાં...એણે વળી નવો જ રિવાજ કહ્યો. એનાં ગામમાં લગ્નમાં કિન્નરોને ખાસ તેડાવે, શુકન તરીકે. હેં મા, અમારાં લગ્નમાં કિન્નરો આવેલા ખરા? બસ, આના જવાબમાં મા દીકરાની ભીતિ જરૂર ઉખેળી દેવાનાં... પણ માએ જુદું જ કહ્યું, ‘વરસો પહેલાં અક્ષુ નાનો હતો ને વેકેશનમાં હું એને લઇ પિયર જતી ત્યારે ટ્રેનમાં માસીબા દેખાય તો અક્ષુ પર ઓવારી બે-પાંચ રૂપિયા જરૂર આપતી. તારે પણ દાન-ધરમ કરતાં રહેવું, હોં વહુ!’ મતલબ, બાળપણમાં અક્ષય બીતા નહોતા અને મોટા થયા પછી આમાં બદલાવ આવ્યાની માને જાણ નથી લાગતી. પણ મોટા થયા પછી એવું તો શું બન્યું હોય? અત્યારે પણ આ પ્રશ્ને અદિતીની તર્કશક્તિ જવાબ દઇ ગઇ. નિશ્વાસ નાખી વિચારમેળો સમેટતી હતી કે નજર ડ્રેસિંગ મિરર પર પડી એવો જ ઝબકારો થયો કે ક્યાંક એવું નથીને કે કિન્નરમાં અક્ષયને પોતાનું પ્રતિબિંબ દેખાયું હોય! તનમેળ યોજવામાં આજ સુધી નિષ્ફળ રહેલા પુરુષની આવી મનોદશા હોય પણ ખરી! અદિતીએ સ્વીકારી લીધું: ચોક્ક્સ આવું જ હોય! અને એટલે જ, અક્ષયને ઉલટતપાસની નહીં, હૂંફની જરૂર છે, તારે એમાં ચૂકવાનું નથી. અક્ષયનું ધ્યાન સિમલા પ્રવાસ પર છે, તું બસ...અક્ષય ઇચ્છે છે એવો યાદગાર બનાવી દે એ પ્રવાસને! સિમલામાં શું થવાનું હતું એની અદિતીને કલ્પના પણ ક્યાં હતી? Â Â Â એણે સિગારેટ સળગાવી, ઊંડો કશ લઇ ધુમાડો ફંગોળ્યો. ‘હવામાં નાચતી ધુમ્રસેર પણ તને ઔરતનાં બદન જેવી લાગતી હશે, અનિરુદ્ધ, રાઇટ?’ ડ્રેસિંગ ટેબલ સામે ગોઠવાઇ ટચ અપ કરતી સુહાનીએ મિરરમાં નજર ટેકવી ઉમેર્યું, ‘મનમાં કામ છલોછલ હોય ત્યારે જ કોઇ તનનો વ્યવસાય અપનાવતુ હશે ને!’ બીજા શબ્દોમાં બાઇસાહેબ મારા ‘ધંધા’નું મૂળ જાણવા માંગે છે! અનિરુદ્ધને આની નવાઇ નહોતી. એસ્કોર્ટ તરીકે ચારેક વરસનો અનુભવ તો એવું જ કહેતો હતો કે ગ્રાહક તરીકે આવતી સ્ત્રી યુવાન હોય કે પ્રૌઢ, કુંવારી યા પરણેલી હોય કે પછી ડિવોર્સી યા વિધવા હોય; લાજ મૂકીને ભલે આવે, પંચાતિયો સ્વભાવ ભૂલતી નથી! જોકે પોતે તો કોઇની પણ સાથે પર્સનલ થવાનું ટાળતો, શી જરૂર? ક્યારેક ચીડ પણ થતી: પરસ્ત્રીને ભોગવનાર પુરુષ તો નાલાયક છે જ, પણ સ્ત્રીઓમાં આ નાલાયકી પગપેસારો કરી ચૂકી છે, એ કેવું! જેમકે આ સુહાની. મુંબઇની મોડર્ન એજ વુમન છે. પરણેલી છે, પણ પોતે પણ જોબ કરે છે એટલે આર્થિક રીતે સ્વતંત્ર છે. પાછી હસબન્ડથી અસંતુષ્ટ છે એટલે બપોરના સમયે અડધી રજા મૂકી મારા જેવાને નજીકની કોઇ હોટલમાં તેડાવી ઘરે અધૂરું રહેતું સુખ પૂરેપૂરું માણી ઓફિસ છૂટવાના ટાઇમે ઠાવકી થઇ ઘરે પહોંચી જાય! ‘લિવિંગ’ પોતાની ટિપ્પણી પર અનિરુદ્ધ કંઇ ન બોલ્યો એટલે તૈયાર થઇ સુહાની ઊભી થઇ, ‘તારું કવર ટેબલ પર મૂક્યુ છે, રૂમનું ભાડુ પે કરી દીધું છે...બાય!’ એ નીકળી અને સિગારેટ કચડતા અનિરુદ્ધે દાઝ કાઢી કે હવે ઘરે જઇ વરને વહાલી થશે...ઔરત, તારા તો લોહીમાં જ બેવફાઇ! અને કોઇ એકની બેવફાઇએ જ મને આ ધંધા તરફ વાળ્યો છે એ હું કદી ભૂલી શકવાનો નહીં! Â Â Â ‘વોટ ઇઝ ધીસ શેખર!’ દામિનીનાં તીણા ઉદ્્ગારે શેખરની તંદ્રા તૂટી. વળી, પાછું શું થયું આ બાઇને! ના, બોસને ખુશ કરી શ્રીમંતાઇની સીડી ચડવામાં શેખરને છોછ નહોતો. અલબત્ત, પ્રૌઢ વયની દામિનીના સેક્રેટરી તરીકે નિમણૂક પામતી વેળા એવી કલ્પના નહોતી કે મેડમ પ્રત્યેની વફાદારી બિસ્તર સુધી દોરી જશે...વાંધો એનો પણ નહોતો, ને પોતાની એ ફેવર એનકેશ પણ થઇ છે અને મારો ટાર્ગેટ તો બીજા પાંચેક વરસમાં મેડમના વ્યાપાર પર કબજો જમાવાનો છે, પછી દામિનીને ચૂસાયેલા ગોટલાની જેમ ફેંકતા કેટલી વાર! એમ્પાયરનો રાજા બની સુંદર એક રાણી લઇ આવીશ... ત્યાં સુધી પોતે દામિનીની ગુડબુકમાં રહેવાનુ છે એની સમજ હોવા છતાં ક્યારેક અકળાઇ જવાતું. એનું કારણ હતું. દામિનીના સત્તાશીલ સ્વભાવે ઘણીવાર પોતાને રૂપજીવિની જેવું મહેસૂસ થતું. અને દામિનીની ઉંમર તો જુઓ! એનું તન ક્યારેક મનના ઉછાળા સામે હારી જતું ત્યારે શેખરની સ્થિતિ કફોડી થઇ જતી. પોતાનો અસંતોષ પાછો દામિનીને દર્શાવાય પણ નહીં. એ ક્ષણે ભીતર ધમધમાટ થતો કે મારી પાસે હવે તો મારી પાસે આટલો વૈભવ, તો પણ પથારીમાં ત્રેપન વરસની બુઢ્ઢીને જ ભોગવવાની મારે? પણ શું થાય, આ મામલે દામિનીની સ્ટ્રિક્ટ વોર્નિંગ હતી: મારા સિવાય કોઇ જોડે તારે સંબંધ રાખવાનો નથી... લગ્નની ઇચ્છા થાય ત્યારે નોકરી છોડી દેજે! પોતે આ માટે તૈયાર નથી. અત્યારે તો નહીં જ. આનો એક બીજો ઉપાય છે...બહુ વિચારતા એને વિચાર આવ્યો હતો: બે-ચાર મહિને, શહેરથી દૂર જઇ રાજાની જેમ રહેવું, હસીનાઓ સાથે મનગમતી મૌજ માણી તાજામાજા થઇ મેડમની સેવામાં ફરી હાજર થઇ જવંુ! પોતાના ગુજરાતના પરિવારમાં કોઇ રહ્યુ નથી એટલે ફ્રેન્ડનાં ડેસ્ટિનેશન વેડિંગનાં બહાને હિલસ્ટેશન જવાનો પ્લાન બનાવ્યો છે, મેડમનો મૂડ જોઇ રજા મંજૂર કરાવવી પડશે... ત્યાં અત્યારે, બાઇને શું વાંકુ પડ્યું? ‘તેં સિમલાનું બુકિંગ કરાવ્યું છે?’ હેં. શેખર આખેઆખો જાગૃત થઇ ગયો. ઓહ, બાઇએ મારો કબાટ ખોલી હોટલ બુકિંગના કાગળ જોઇ લીધાં? ‘મને થયું કે વોર્ડરોબ ઠીક કરી દઉં, એમાં આ સરપ્રાઇઝ મળી.’ દામિનીની કીકીમાં શંકાનાં કુંડાળાં ઘેરાવા લાગ્યાં. શેખર સચેત થઇ ગયો, ‘તમારા માટે સરપ્રાઇઝ જ હતી, મેડમ...’ શેખરે દામિનીને બહુ ગમતું મીઠું સ્મિત ઉપજાવ્યુ, ‘જુઓ, બુકિંગ બે જણાનું છે.’ ખરેખર તો બીજો રૂમ એસ્કોર્ટ માટે હતો, પણ હવે બીજો ઉપાય નહોતો. ‘ઇટ્સ લોંગ ટાઇમ... ઘણા સમયથી આપણે મુંબઇ બહાર નથી ગયાં.’ આપણે! દામિની ખીલી ઊઠી ને શેખરે બચ્યાનો હાશકારો અનુભવ્યો. Â Â Â ‘તું સિમલા જાય છે?’ બીજી સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર પત્નીની શેખર સાથેની ફોન પર થયેલી વાતચીતના કાને પડેલાં વાક્યો પરથી ધીરજરાયે અનુમાન બાંધ્યું. ‘હા, કેમ?’ દામિનીનો પ્રશ્ન પણ જમાદાર જેવો લાગે છે. પત્નીને પતિ કમાતોધમાતો હોય ત્યાં સુધી જ વહાલો લાગતો હશે? મેં તો એને સર્વ કંઇ ધરી દીધું, દામિનીને એનો પણ ગણ નહીં? બીમાર પતિને હવાફેર માટે લઇ જવાનું સૂઝતું નથી, ને પરાયા મર્દ સાથે...ઓહ, બુદ્ધિની જેમ ચારિત્ર પણ ભ્રષ્ટ થતું હશે? આમને આમ તો સમાજમાં વાતો થવા માંડશે, ખાનદાનની આબરૂ ધોવશે. કાનાફૂસી થતી પણ હોય, તો કોણે જાણ્યું? ધીરજરાયને થયું કે એકના એક વિચારો કરી પોતે વધુને વધુ નિઃસહાય થતા જાય છે.‘બોલો, કેમ?’ દામિનીની ઉઘરાણીએ એમણે કહેવુ પડ્યું, ‘નહીં, એમ જ...મને જૂના દિવસો સાંભરી ગયા. યાદ છે, આપણી થર્ડ એનિવર્સરી પર આપણે સિમલા ગયેલા...’ ‘યાદ છે.’ દામિનીએ તુચ્છકાર ઉછાળ્યો, ‘એમાં હરખાવા જેવું કંઇ નહોતું...પણ આ વખતે મારે નિરાશ નહીં થવું પડે એનો બંદોબસ્ત કરીને જાઉં છું.’ ‘એ બંદોબસ્તનું નામ શેખર છે એ પણ કહી દે.’ મોઘમ આજે ઉઘડી ગયું. ધીરજ કેવુ ખુલ્લેઆમ બોલી ગયા! પતિ-પત્ની વચ્ચેનો અંચળો એમણે રહેવા જ ન દીધો તો ભલે.‘જી. ખરું કહું તો શેખર મને લઇ જાય છે. એણે કેવી સરપ્રાઇઝ પ્લાન કરી મારા માટે.’ ‘હાસ્તો. બદલામાં બીજો ફલેટ મળવાનો હોય તો કુબ્જાને પણ પ્રાણપ્યારી કહેવામાં શું વાંધો!’ ‘ધીરજ! તમે મારું અપમાન કરો છો.’ દામિની હાંફી ગઇ, ‘તમે વાત છેડી જ છે તો સાંભળી લો, આ વખતે શેખરને ફલેટ નહીં, કંપનીનું ડિરેક્ટર પદ આપવાની છું!’ ફટકો મારીને દામિની ત્યાંથી નીકળી ગઇ, ધીરજરાય ક્યાંય સુધી વિચારમાં રહ્યા. પછી એક નિર્ણય લીધો. Â Â Â અનિરુદ્ધનો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. મે બી, કોઇ કસ્ટમર! ‘હલો, ઇઝ ઇટ મિ. અનિરુદ્ધ?’ અનિરુદ્ધની ભ્રમર જરા તંગ થઇ. સામા છેડે કોઇ પુરુષ હતો ને એણે મૂકેલો પ્રસ્તાવ પણ સાવ અણધાર્યો હતો! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...