"વસ્ત્રની શી જરૂર છે? તમે મને નગ્ન કરી શકો છો, પરંતુ તમે ફરી મને કઈ રીતે કપડાં પહેરાવશો? તમે પુરુષ છો?’ એક દલિત અને આદિવાસી સ્ત્રી તેના પર થયેલા દમન અને બળાત્કાર બાદ વસ્ત્ર પરિધાનને નકારે છે. આ રોષ એક આદિવાસી સ્ત્રીનો છે, જેનું નામ દોપદી છે... હા,એટલે સારી ભાષામાં દ્રૌપદી છે. આ દોપદી બંગાળની એક ગરીબ, શોષિત, આદિવાસી સ્ત્રી છે જે ઇન્ડિયન આર્મીના અમલદાર દ્વારા બળાત્કારનો ભોગ બની છે. એની વ્યથા-કથા આમ તો પુસ્તકના અમુક પાનામાં સમાઇ ગઈ છતાં એની પીડા સમગ્ર વિશ્વમાં અનુભવાઈ. વિખ્યાત બંગાળી લેખિકા અને સમાજ સંવેદનશીલ મહિલા મહાશ્વેતાદેવીની એક વાર્તાની નાયિકા એવી દ્રૌપદીના આ શબ્દો છે. મહાદેવી વર્મા, અમૃતા પ્રીતમ કે કમલા દાસ જેવા મહિલા સર્જનકારોએ ક્યારેક પોતીકા ઉદાહરણ સાથે તો ક્યારેક એમના વાતાવરણની સ્ત્રીઓના પ્રત્યેક ભાવ અને જીવનને લઈને સર્જન કર્યું. સ્ત્રી લેખકો દ્વારા પ્રકાશિત થયેલ મોટાભાગના કવન અને કથન સામાજિક વ્યવસ્થાનું પ્રતિબિંબ દર્શાવે છે. નવલકથાનું પાત્ર બનેલ સ્ત્રી વાસ્તવિક જીવનમાં કદાચ આપણા પરિવારમાં જીવતી હોય એવું પણ બને. સ્ત્રી વિશે, સ્ત્રીના મૂળભૂત અધિકાર વિશે અને ખાસ કરીને સ્ત્રીને થતા અન્યાય વિશે જયારે કોઈ સક્ષમ સ્ત્રીએ પોતાના વિચારો વિવિધ સ્તરે અભિવ્યક્ત કર્યા છે ત્યારે જે તે સમયે સમાજ માટે અસ્વીકૃત રહ્યા છે. અમુક સમયગાળા એવા પણ આવ્યા કે સ્ત્રીએ પોતાની જાતને માણસ સમજવાનું પણ બંધ કરી દીધું હતું. ત્રણ વર્ષની ઉંમરે જે દીકરીના વિવાહ થયા હોય, અગિયારમા વર્ષે જેને પૂર્ણ ગૃહસ્થી પણ નિભાવવાની હોય, સંત તુકારામના ભજનો તથા ભક્તિમાર્ગમાં ઊંડા ઉતરીને જયારે જીવનપથમાં આગળ વધવાનું નક્કી કર્યું હોય ત્યારે તેનો પતિ વાળ ખેંચીને ગાયની ગમાણમાં બાંધીને મારઝૂડ કરે અને તે છતાં અંતિમ શ્વાસ સુધી એ સ્ત્રીના મુખે કવિતા વહે એ ભારતની સ્ત્રી બહીનાબાઈના સર્જનનો ઉલ્લેખ આજે પણ થાય છે કારણકે તે દુઃખથી ડગી નહીં અને સ્વ સાથે સર્વની મુસાફરી ચાલુ રાખી. ‘સ્ત્રીઓ કુદરતી રીતે પુરુષથી ઉતરતી નથી, પરંતુ એવું દેખાય છે કારણકે એમનામાં શિક્ષણનો અભાવ છે. સ્ત્રી અને પુરુષ બંને સાથે આગવું વર્તન થવું જોઈએ. પ્રમાણમાં ઓછો કહી શકાય તેવો વ્યવસાયિક સમયગાળો એમની પાસે રહ્યો.’ આવું કહેનાર બ્રિટિશ લેખક અને પત્રકાર મેરી વોલસ્ટોનક્રાફટ માત્ર એમના શબ્દો અને નવલકથા માટે નહીં પરંતુ મુક્ત જીવનશૈલીથી તત્કાલીન સમાજમાં વગોવાયા હતા. સ્ત્રીઓની સમાનતાના હિમાયતી મેરીએ પરંપરાગત સ્ત્રી સાથે વણાઈ ગયેલી અપેક્ષાની ટીકા પણ કરી હતી. આજે જયારે ભારતમાં શિક્ષણની સમાન તક સૌને મળે છે ત્યારે મેરીના શબ્દો અપ્રસ્તુત લાગે છે. આ એ સમય હતો જયારે દરેક બાબતે બૌદ્ધિક અને નીડર સ્ત્રીએ માથું ઊંચું કરીને અભિવ્યક્ત થવું પડતું હતું. અઢારમી સદીમાં લંડનમાં જન્મેલ મેરીના પુસ્તક ‘અ વિન્ડિકેશન ઓફ રાઈટ્સ ઓફ વુમન’માં સ્ત્રીની પરવશતા અને પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે. અલબત્ત દરેક સમયગાળામાં અને દરેક રાષ્ટ્રમાં વિવિધ ભાષામાં નારીવાદ વિશેનું તેમનું લખાણ પ્રકાશિત થયું. સમાજની માનસિકતા બદલવા માટે અને વૈચારિક ક્રાંતિ માટે જે તે સમયના લેખકોએ પોતાનું યોગદાન આપ્યું, પરંતુ સ્ત્રીના અધિકારની વાત આવે ત્યારે સમાજમાં પૂરો પાવર ભોગવતી પચીસ ટકા મહિલાના ઉદાહરણ લઇ સંતોષ મેળવી લઈએ છીએ. આજે પણ પતિ દ્વારા થતી મારઝૂડને પુરુષનો અધિકાર અને સ્ત્રીનું નસીબ ગણતી તમામ સ્ત્રીઓ માટે માત્ર સાહિત્ય સર્જન, કાયદા કે સ્ત્રી સશક્તિકરણના પ્રોજેક્ટ પૂરતા નથી. જ્યારે સાચી સમજનું વિસ્તરણ થશે તો ખરા અર્થમાં વુમન ડે ઉજવાશે.meghanajoshi74@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.