તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકબીજાને ગમતાં રહીએ:સ્ત્રી: બ્રોકન બટ બ્યૂટીફુલ

કાજલ ઓઝા વૈદ્ય15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ પહેલાંં છોકરીના એન્ગેજમેન્ટ તૂટવા કે ડિવોર્સ થવા એ મોટી ઘટના માનવામાં આવતી હતી. સમાજમાં ‘વાતો’ કરવા માટેનું કારણ...ચર્ચા થતી કે છોકરીમાં કંઈ પ્રોબ્લેમ હશે! છોકરો કે પતિ ખોટો હોઈ શકે એવું સમાજ વિચારવા પણ તૈયાર નહોતો

ઓટીટી પ્લેટફોર્મ પર એક સિરીઝ ખૂબ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. એની ત્રીજી સિઝન હમણાં જ રજૂ થઈ છે, ‘બ્રોકન બટ બ્યૂટીફુલ’. આ સિરીઝની વાર્તાઓ તૂટેલા સંબંધ છતાં વ્યક્તિત્વ અને આત્મસન્માનને જાળવીને માણસ કઈ રીતે આગળ વધી શકે એની કથા કહે છે. સંબંધ તૂટવો એ વ્યક્તિની પીડા હોઈ શકે, પરંતુ તૂટેલો સંબંધ એ માણસની નિષ્ફળતા સાથે જોડવાનો વિષય નથી. ખાસ કરીને સ્ત્રીનાં વ્યક્તિત્વને એનાં તૂટેલા સંબંધોથી માપવામાં આવે છે. એક સ્ત્રી કેટલીવાર પ્રેમમાં પડે, કેટલીવાર એન્ગેજમેન્ટ કે લગ્ન થયાં એના ઉપરથી એનાં ચારિત્ર્નું માપદંડ કાઢનાર લોકો આપણા સમાજમાં મોટી સંખ્યામાં છે. ‘ક્યાંય ટકતી નથી’ અથવા ‘કોણ સંગ્રહે’ અથવા ‘લફરાંબાજ છે’ કહીને ફટાફટ લેબલ ચોડી દેનારા લોકોને ખબર નથી કે એક સ્ત્રીનાં જીવનમાં એનો પ્રણયસંબંધ તૂટે ત્યારે દરેક વખતે સ્ત્રી પોતે પણ થોડી-થોડી તૂટે છે. એનું ચારિત્ર ખંડન થાય કે નહીં પણ એનું આત્મસન્માન, એની ગરિમા અને આત્મવિશ્વાસ દર વખતે તૂટતાં જાય છે. મોટાભાગની સ્ત્રીઓ આવું સાંભળીને અપરાધભાવ અથવા ગિલ્ટમાં ધકેલાય છે. એના તૂટતાં સંબંધો માટે પોતે જ જવાબદાર છે એવું માનીને આવી સ્ત્રીઓ જાતભાતનાં વ્યક્તિત્વ ઘડતરના કાર્યક્રમો અથવા સાયકોલોજિસ્ટ કે સાઈકિયાટ્રીસ્ટને આશરે પહોંચે છે. ‘મેં તો બધું જ કર્યું તેમ છતાં મારી સાથે આવું કેમ થયું?’ અથવા ‘મારી જ સાથે આવું કેમ થાય છે?’ના જવાબો શોધતાં શોધતાં આવી સ્ત્રીઓ પોતાની અડધી જિંદગી પૂરી કરી નાંખે છે. કાયદો સ્ત્રીને ગમે તેટલી સ્વતંત્રતા કે આઝાદી આપે. ડિવોર્સ, ગર્ભપાત, 498A કે બળાત્કાર વિરોધી ગમે તેટલાં કાયદા બને પણ જ્યાં સુધી એક સ્ત્રી પોતાના અધિકારો વિશે નહીં જાણે ત્યાં સુધી આ સમાજ તૂટેલાં સંબંધ માટે સ્ત્રીને જ જવાબદાર ઠેરવતો રહેશે અને સ્ત્રી પણ એ જવાબદારીનો બોજ પોતાના ખભા પર ઉપાડીને પોતાને જ જડી દેવા વધસ્તંભ લઈને ચાલતી રહેશે. આજથી 10 વર્ષ પહેલાંં એક છોકરીના એન્ગેજમેન્ટ તૂટવા કે ડિવોર્સ થવા એ બહુ મોટી ઘટના માનવામાં આવતી હતી. સમાજમાં ‘વાતો’ કરવા માટેનું એક કારણ... સામાન્ય રીતે એવી ચર્ચા થતી કે છોકરીમાં જ કંઈ પ્રોબ્લેમ હશે! છોકરો કે પતિ ખોટો હોઈ શકે એવું આપણો સમાજ વિચારવા પણ તૈયાર નહોતો. એ જ છોકરો ફરી વખત લગ્ન કરવાની જાહેરાત આપે ત્યારે ‘નિર્દોષ ડિવોર્સી’નું મથાળું બાંધીને મેટ્રિમોનિયલ જાહેરાત આપવામાં આવતી. સામાન્ય રીતે માતા-પિતા કુંવારી છોકરીનો આગ્રહ રાખતા ને લગ્ન થઈ જાય પછી ડિવોર્સી છોકરાને કુંવારી છોકરી મળ્યાનો ઈગો પંપાળવા સગા-સમાજ અને પોતે પણ તૈયાર થઈ જતાં. સમય બદલાયો છે... એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે એન્ગેજમેન્ટ કે લગ્ન તોડવાનો અધિકાર હવે માત્ર પુરુષ પાસે નથી રહ્યો. તૂટેલાં લગ્ન કે બ્રોકન એન્ગેજમેન્ટ પછી પણ છોકરીને પરણવા માટે સારો, સમજદાર અને સ્નેહાળ જીવનસાથી મળી જ જાય છે. હવે તો સ્ત્રીનાં બાળકને પણ પોતાનું માનીને ઉછેરનાર પુરુષો આપણા સમાજમાં તૈયાર થવા લાગ્યા છે. જરૂર છે તો એક સ્ત્રીએ પોતાના અધિકારો જાણવાની. શહેરોમાં ભણેલી કે બહારની દુનિયા સાથે જોડાયેલી સ્ત્રીઓ તો પોતાના અધિકારો વિશે જાણે જ છે. બલ્કે હવે તો એવી સ્થિતિ છે કે સ્ત્રીની રક્ષા અને સન્માન માટે બનાવવામાં આવેલા કાયદાનો ઉપયોગ સ્ત્રી પોતાના ફાયદા માટે અથવા સામેના પુરુષને ડરાવવા, ફસાવવા કે બ્લેકમેઈલ કરવા માટે કરવા લાગી છે. આનાથી તદ્દન વિરુદ્ધ નાના શહેરો, ગામડાં કે અંતરિયાળ જિલ્લા મથકોમાં સ્ત્રીઓ પોતાના અધિકારો અને કાયદા વિશે કશું જ જાણતી નથી. એને ખબર હોય તો પણ આવા કોઈપણ કાયદા કે અધિકારનો ઉપયોગ કરતાં એ ડરે છે. એકાદ વાર પોલીસની મદદ કે સમાજસેવા કરતી સંસ્થા એમની વહારે થાય છે પરંતુ અંતે તો એણે એ ગામ કે શહેરમાં જ રહેવાનું છે, પતિ કે સાસરિયાંની સાથે જ જીવવાનું છે. પોલીસ ફરિયાદ કે અધિકારનો ઉપયોગ કરીને આવી સ્ત્રીઓ એકાદવાર બચી શકે. પરંતુ એ પછીની મુશ્કેલી અનેકગણી વધી જતી હોય છે. ખાસ કરીને જ્યારે નાનકડા ગામમાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ માથાભારે તત્ત્વો સાથે મળેલા હોય ત્યારે ફરિયાદ કરવાનો કે અવાજ ઊઠાવવાનો કોઈ અર્થ રહેતો નથી. એક સ્ત્રીને સજા કરવાનો સૌથી ભયાનક અને ત્રાસદાયક રસ્તો બળાત્કાર છે. આજે દેશનાં કેટલાય ગામડાંઓમાં ભણવા માગતી અમુક જાતિની છોકરી કે આગળ વધવા માંગતી કોઈ સ્ત્રીને નાહિંમત કરવાનો કે પછાડી દેવાનો સીધો રસ્તો બળાત્કાર છે. મોટાભાગની સ્ત્રીઓ પર બળાત્કાર કરીને એમને ભયાનક રીતે મારી નાખવામાં આવે છે. એમનાં શબને ગામના ચોરા પર કે વૃક્ષની ડાળે ટીંગાડવામાં આવે છે જેનાથી ગામની કે વિસ્તારની બાકીની સ્ત્રીઓને પાઠ ભણાવી શકાય. નવાઈની વાત એ છે કે આપણે બધાં 2021માં જીવી રહ્યાં છીએ. ઈલેક્ટ્રોનિક સાધનો અનેક એરલાઈન્સ અને સગવડભરી એક ઉત્તમ જીવનશૈલી શહેરોમાં ઉપલબ્ધ છે. આ જ અને આવા જ શહેરોમાં એક બીજો વર્ગ જીવે છે જેમની સ્ત્રીઓને હજી પણ પીધેલા પતિનો માર ખાવો પડે છે. એની મહેનતની કમાઈ એનો પતિ ઝૂંટવી લે છે. એ એની દીકરીને ભણાવી શકતી નથી અને પતિ કહે ત્યારે અને ત્યાં પરણાવી દેવી પડે છે... પછી એ દીકરી પણ ફરી એ જ વિષચક્રમાં, એ જ રીતે જીવે છે! કાયદો અને વ્યવસ્થા, જ્યૂડિશિયરી સિસ્ટમ, પોલીસ, સરકાર...બધા સાથે મળીને એક સ્ત્રીને આત્મવિશ્વાસ કે આત્મસન્માન જાળવવાનો પ્રયાસ કરી શકે પરંતુ એ ત્યારે જ બને જ્યારે એક સમાજ કે પરિવાર, પતિ કે પુરુષ એમની આસપાસની સ્ત્રીઓનાં ચારિત્ર્ને ચીતરવાનું બંધ કરે.kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...