તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:જેના પ્રેમમાં પડ્યાં છો એ તમારી ડિગ્નિટી જાળવશે?

એષા દાદાવાળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણી ડિગ્નિટી આપણે જાતે જ મેઇન્ટેઇન કરવાની હોય. કોઇ બીજું એને જાળવે એની રાહ જોઇને બેસી ન રહેવાય એવું દીકરીઓને સમજાવવું પડશે. જો તમે મા-બાપ છો તો સંતાનોને બ્રેકઅપનો અર્થ સમજાવો

તમે કોઇના ગાઢ પ્રેમમાં છો. એ પુરુષ કે એ સ્ત્રીએ તમને લાગણીઓથી લઇને સલામતી સુધીનું બધું જ આપવાની કોશિશ કરી છે. જમીન સાથે જોડાયેલા રાખી તમને સાતમા આસમાન સુધીની સફર કરાવી છે. તમારા માટે ક્યારેક દીવાલ, ક્યારેક પહાડ, ક્યારેક દરવાજો, ક્યારેક બારી તો ક્યારેક આકાશ પણ બની ગયા છે. એણે તમારા માટે એ બધું જ કર્યું છે જે એક પ્રેમી-પ્રેમિકા, પતિ અથવા તો પત્નીની ફરજ હતી. હા, બની શકે તમારી થોડી ઇચ્છાઓ, થોડાં સુખ એમની નજરમાંથી બહાર જતાં રહ્યાં હોય. એવું પણ બની શકે કે એમનાં કોઇ વર્તનથી એમણે તમારાં હૃદયને ઠેસ પહોંચાડી હોય પણ તમને પેમ્પર કરવાની, તમે દ:ુખી ન થાઓ એ માટેની બધી જ કોશિશો એમણે તહે-દિલથી કરી છે. તમારી કરિયર, તમારી સોશિયલ લાઇફનો ગ્રાફ ઉપર ગયો એમાં એમનો હિસ્સો પણ છે. ટૂંકમાં તમારા સંબંધની એવી ઘણી પળોમાં એમણે તમને એવો અનુભવ કરાવ્યો છે કે તમે દુનિયાની સૌથી સુખી અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છો. હવે ધારો કે ન કરે નારાયણ પણ તમારા સંબંધમાં કમિટમેન્ટ બ્રેક થાય છે. તમારો સંબંધ ડચકિયાં ખાવા માંડે છે અને એક્ઝિટનાં દરવાજે આવીને ઊભો રહી જાય છે, તો તમે શું કરશો? ‘આપ હમારે નહીં તો કિસી ઔર કે ભી નહીં…!’ એવું નક્કી કરી એમની સાથે ક્લિક કરેલા બેડરૂમ ફોટોગ્રાફ્સને વાઇરલ કરી દેશો? સેકસ્યૂઅલ પ્લેઝર માટે ઉતારેલા વિડીયો એમના ફેમિલી મેમ્બર્સને મોકલી આપશો? સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એને ફરતા કરી દેશો? તમારા પર ખૂબ વિશ્વાસ રાખી લાગણીના આવેશમાં તણાઇને તમને કરેલા વોટ્સએપના સ્ક્રીન શોટની હરાજી કરશો? કે ચૂપચાપ એક્ઝિટનાં દરવાજામાંથી બહાર નીકળી જશો? છેલ્લા થોડા સમયથી સંબંધ તૂટ્યા બાદ ન્યૂડ ફોટોગ્રાફ્સ અને સેક્સ્યૂઅલ એક્ટનાં વિડીયો વાઇરલ કરી દેવાની ઘટના વધી રહી છે. એક સોળ વર્ષની છોકરી એની સાથે ભણતા છોકરાના પ્રેમમાં પડી. છોકરીએ છોકરાને એની છાતીના ફોટોગ્રાફ્સ ક્લિક કરીને મોકલ્યા. થોડો સમય રહીને છોકરીએ રિલેશનમાંથી બહાર નીકળવાની વાત કરી તો છોકરાએ છોકરીનાં નામ સાથે એના ચહેરા સાથેનાં બ્રેસ્ટના ફોટોગ્રાફ્સ વાઇરલ કરી દીધા. સત્તરમું વર્ષ હોય કે સાડત્રીસમું વર્ષ, તૂટી ગયેલા સંબંધનો બદલો લેવા કોઇ પણ હદે જઇ શકે છે. સૌથી પહેલી વાત તો એ જ છે કે આવા ન્યૂડ ફોટોગ્રાફ મોકલવા જ ન જોઇએ. ધારો કે પ્રેમના આવેશમાં અથવા તો વિશ્વાસના અતિરેક વચ્ચે ન્યૂડ ફોટોગ્રાફ મોકલો પણ છો તો એ ફોટોગ્રાફમાંથી ચહેરો ક્રોપ કરી લેવાની સામાન્ય સમજણ કેમ દાખવતા નથી? તમે એવું કહેશો કે જેને પ્રેમ કરતા હોઇએ એનાં પર જાતથી પણ વધુ વિશ્વાસ હોય. બિલકુલ હોય પણ જેના પર વિશ્વાસ મૂક્યો છે એ વ્યક્તિ તમારા વિશ્વાસને લાયક છે કે નહીં એ તપાસી લીધું છે ખરું? જે વ્યક્તિને તમે પ્રેમ કરવાનું નક્કી કર્યું છે એ વ્યક્તિ તમારી ડિગ્નિટી જાળવી શકે એટલી કાબેલ છે કે નહીં એની તમને જાણ છે ખરી? એ વ્યક્તિ અત્યારે જેટલું સન્માન આપે છે એટલું જ સન્માન તમે એમની જિંદગીમાં ન હો ત્યારે આપશે? સામાન્ય રીતે આપણે આપણાં આધાર કાર્ડનો નંબર કોઇને આપતા નથી. ડેબિટ કાર્ડનો પાસવર્ડ કે મોબાઇલનો પાસવર્ડ પણ કોઇ સાથે શેર કરતા નથી. તો ન્યૂડ ફોટોગ્રાફ શેર કરતા પહેલાં કેમ વિચારતા નથી? પ્રેમમાં પડેલો માણસ શું કરી શકે છે એના કરતા પણ પ્રેમ તૂટી જાય ત્યારે એ કઇ નીચી હદ સુધી જઇ શકે છે એના વિશે જાણવું જોઇએ. તમે જેના પર વિશ્વાસ મૂક્યો છે એ માણસ પ્રેમ તૂટ્યા પછી તમારા ફોટોગ્રાફ વાઇરલ કરવાની હદ સુધી જતો રહે છે તો એને તમારા માટે પ્રેમ હતો જ નહીં. દીકરીઓએ એક વાત સમજવાની ખાસ જરૂર છે કે જે માણસને માત્ર તમારા શરીરમાં રસ છે એને તમારા માટે વાસના છે, પ્રેમ નહીં! ઘણી છોકરીઓ એવું માનતી હોય છે કે મારો પ્રેમ એને બદલી નાખશે, પ્રેમ એનામાં મારા માટે ડિગ્નિટી જન્માવશે...આ નરી મૂર્ખતા છે. પ્રેમ કશું જ બદલી શકતો નથી. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવત અહીંયા પણ એટલી જ સાચી પડે છે. પોતાનાં શરીરનાં, પોતાનાં અંગઉપાંગોનાં વખાણ સાંભળવા તલપાપડ થયેલી છોકરીઓ ન્યૂડ ફોટોગ્રાફ મોકલી દે છે. પ્રશંસાનાં સુવર્ણ મૃગને મેળવવા માટે દરેક સીતા લક્ષ્મણરેખા ઓળંગવા તૈયાર થઇ જાય છે અને રાવણોને ફાવતું મળી જાય છે. દરેક સ્ત્રીને પોતાનાં શરીરનાં, પોતાનાં ફિગરનાં, પોતાનાં કર્વ્ઝનાં વખાણ સાંભળવા ગમે જ... પણ આ વખાણ પોતાની ડિગ્નિટીના ભોગે તો નહીં જ એનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. ટીનએજર્સ વચ્ચે હવે વિડીયો સેક્સ સામાન્ય બની ગયું છે. વિડીયો સેક્સ દરમિયાન લઇ લેવાતા સ્ક્રીન શોટ્સ ટાઇમ બોમ્બ બનીને મોબાઇલમાં સચવાયેલા રહે છે અને કમિટમેન્ટ તૂટે કે તરત ફટાક દઇને ફાટે છે. મને લાગે છે કે હવે આપણે પેરેન્ટિંગને બદલવાની પણ જરૂર છે. જો જો હંમ્મ્મ, પ્રેમ-બેમમાં પડતા નહીં... આવું કહેવાને બદલે પ્રેમમાં પડે તો કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ હવે એની ચર્ચાઓ કરવાની જરૂર છે. આપણી ડિગ્નિટી આપણે જાતે જ મેઇન્ટેઇન કરવાની હોય. કોઇ બીજું એને જાળવે એની રાહ જોઇને બેસી ન રહેવાય એવું દીકરીઓને સમજાવવું પડશે. જો તમે મા-બાપ છો તો તમારા સંતાનોને બાજુમાં બેસાડી બ્રેકઅપનો અર્થ સમજાવો. એમને સમજાવો કે એકમેકને પ્રેમ કરતી બે વ્યક્તિ છૂટી પડી શકે છે. એમને એવું પણ સમજાવો કે એ વ્યક્તિ અત્યારે તમારી સાથે જીવવા નથી માગતી એનો અર્થ બિલકુલ એવો નથી કે તમારી સાથેનો એનો ભૂતકાળ નકામો હતો. આપણો કાનૂન ખૂનની સજા ફટકારે છે પણ સંબંધમાં થયેલા વિશ્વાસનાં ખૂનની સજા હજી સુધી મુકરર કરવામાં આવી નથી! એટલે આવા વિશ્વાસઘાતો જાતે જ અટકાવી દઇએ એ સારું છે! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...