કવર સ્ટોરી:ડિવોર્સ વખતે છ મહિના સાથે રહેવાનો ઓપ્શન કેમ?

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન રજિસ્ટર્ડ કરતાં પહેલાં કોર્ટ દ્વારા કોમ્પિટિબિલિટી ચેક ન કરાતી હોય તો છૂટાછેડા લેતાં પહેલાં છ મહિના સાથે રહી કોમ્પિટિબિલિટીને તપાસવાનો કાયદો માથે ન મરાવો જોઇએ

વડીલોનાં કહેવાથી એમણે લગ્ન કર્યાં. બંને ડોક્ટર હતાં. પતિ ગાયનેકોલોજિસ્ટ અને પત્ની ઓપ્થેલ્મોલોજિસ્ટ. લગ્નનાં સાત જ દિવસમાં બેઉને ખબર પડી ગઇ કે સાથે જીવાય એમ નથી. બેઉએ મ્યુચ્યુઅલ ડિવોર્સ માટે અરજી કરી. કોર્ટને લાગ્યું કે લગ્નનાં સાત જ દિવસમાં છૂટા પડવાનો નિર્ણય વહેલો છે એટલે 1 વર્ષ સાથે રહેવા જણાવ્યું. કોર્ટને લાગ્યું કે બેઉ જણ એક વર્ષ એક છત નીચે સાથે રહેશે તો બેઉની વચ્ચે આકર્ષણ, પ્રેમ, કાળજી, વહાલ, ચિંતા વગેરે ફરી જીવતા થઇ જશે. કાયદા પ્રમાણે બેઉ જણ એક વર્ષ સાથે રહ્યાં. બેઉ જણ વચ્ચે ઘણું જીવતું થવાને બદલે બીજું ઘણું મરી ગયું. 1 વર્ષ બાદ બેઉએ ફરી કહ્યું અમારે સાથે નથી રહેવું! એક પરિવારને વેરવિખેર તો ના જ થવા દેવાયની ફિલસૂફી પર કામ કરતી ફેમિલી કોર્ટ બેઉને સાથે રાખવાનાં પ્રયાસો વચ્ચે તારીખો આપતી ગઇ અને દસ વર્ષ પસાર થઇ ગયા. હારી-થાકીને બેઉએ છૂટાં પડવા માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અને હાઇકોર્ટે ફેમિલી કોર્ટને ડિવોર્સ મંજૂર રાખવા જણાવ્યું. આ કિસ્સો અમદાવાદનો છે. મારો સવાલ એ છે કે બે જણ પરસ્પરની સહમતિથી છૂટાં થવા ઇચ્છતાં હોય ત્યારે છૂટાં પડવાની પ્રોસિજર આટલી ભયાવહ કેમ? અગ્નિની સાક્ષીએ સામાજિક રિવાજ મુજબ કરાયેલાં લગ્ન જો કાયદેસર ગણાતાં હોય તો એ જ અગ્નિની સાક્ષીએ ફરાયેલાં ઉલ્ટા ફેરાને કાયદેસર ડિવોર્સ કેમ નથી ગણવામાં આવતા? સંમતિથી છૂટાં પડવા ઇચ્છતી બે વ્યક્તિઓને થૂંકે ચોંટાડી રાખવાનાં પ્રયાસો કેમ કરવામાં આવે છે? આપણી સમાજ વ્યવસ્થાનો મૂળભૂત પાયો લગ્ન છે. લગ્ન પરિવાર બનાવે છે અને પરિવારને ટકાવી રાખે છે. વાત સાચી છે, પણ સમાધાનોથી ખદબદતાં-સડી ગયેલાં લગ્નોને ટકાવેલા રાખી આપણે જુઠ્ઠી-બોદી-હિપોક્રસીથી ભરપૂર સમાજ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ એ વાત પણ એટલી જ સાચી છે. લગ્નમાંથી બહાર નીકળવાનું સહેલું નથી હોતું. જેના માટે વહેલી સવારે ઉઠીને ચા મૂકી હોય, જેને ન ભાવતાં શાકની આખેઆખી યાદી કડકડાટ મોઢે હોય, જેની દુખતી કમર પર આયોડેક્સ ઘસી આપ્યો હોય, જેના ચહેરાને પ્યારથી ચૂમ્યા કર્યો હોય, જેની સાથે દિલ ફાડીને ઝગડા કર્યા હોય, જેને અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને ખૂબ પ્રેમ કર્યો હોય એ વ્યક્તિથી છૂટા પડવું સહેલું નથી જ હોતું, પણ છૂટા પડવાનો નિર્ણય લીધા બાદ એ નિર્ણયને પાક્કો કરી લીધા બાદ એ જ વ્યક્તિ સાથે રહેવું પણ સહેલું નથી હોતું. એટલા માટે જ્યારે બે વ્યક્તિ પરસ્પરની સમજૂતિથી છૂટા પડવાનો નિર્ણય લે તો સાથે રહી જોવાની છ મહિનાની ટ્રાયલ શું કામ હોવી જોઇએ? જો લગ્ન રજિસ્ટર્ડ કરતાં પહેલાં કાયદો એવું કહેતો નથી કે છ મહિના એકબીજા સાથે રહી જુઓ, એકબીજા સાથે ફાવે છે કે નહીં એ ચકાસી જુઓ….તો લગ્નમાંથી બહાર નીકળતી વખતે છ મહિના સાથે રહી જોવાની શર્ત પણ ન મૂકાવી જોઇએ. લગ્નમાંથી બહાર નીકળતી બે વ્યક્તિને એકમેક સાથે ન ફાવ્યું એટલે એ ગુનેગાર થઇ જતી નથી. એક તૂટી રહેલા સંબંધ માટે મૌન હોઇ શકે, અદાલતનાં કઠેડામાં ઊભા રાખી પૂછાતા સવાલો નહીં! 2014-15માં મેં મ્યુચ્યુઅલ કન્સર્નથી ડિવોર્સ ફાઇલ કરેલાં. એકમેક સાથે જીવવું અઘરું લાગ્યું એટલે લગભગ બધા જ પ્રયાસો કરી લીધા પછી છૂટાં પડી જવાનો ઓપ્શન પસંદ કરેલો. ડિવોર્સ લેવા હું ફેમિલી કોર્ટમાં જતી ત્યારે કોર્ટ રૂમમાં ઊભેલો એક માણસ મોટેથી મારું નામ બોલતો. કોર્ટ રૂમમાં બેઠેલા ચાળીસ-પચાસ જણની ભીડને ચીરી હું નામદાર જજની ડાબી બાજુનાં કઠેડામાં જઇને ઊભી રહેતી. જે લગ્નજીવન, એમાં જીવાયેલી પળો એ મારી સાવ અંગત વાત હતી એના વિશે મને એ જ ચાળીસ-પચાસ જણની ભીડ વચ્ચે સવાલો પૂછાતા. ગીતા પર હાથ મૂકી સાચું બોલવાનું વચન આપી ચાર દીવાલો વચ્ચેની સાવ જુઠ્ઠી જિંદગી મારે બયાન કરવી પડતી. ન તો મારે કોઇ ફરિયાદ હતી, ન તો મારે ભરણપોષણમાં એક રૂપિયો પણ જોઇતો હતો અને છતાં લગ્નમાંથી છૂટા પડવાની તીવ્ર ઇચ્છા વચ્ચે કોઇ મોટો ગુનો કર્યો હોય એવી ઉલટ-તપાસ થતી. લગભગ પોણા બે વર્ષ ફેમિલી કોર્ટમાં નિયમિત હાજરી આપ્યા બાદ મારા હાથમાં ડિક્રી આવી. જ્યારે મ્ચયુચ્યુઅલ કન્સર્નથી છૂટાં પડવાનું હોય ત્યારે આવી લાંબી-થકવી નાખનારી અને ડિપ્રેશન પેદા કરવાવાળી પ્રોસેસમાંથી હવે બહાર નીકળવું જોઇએ. લગ્ન પહેલાંની કોઇ પ્રોસેસમાં જો કાયદો આવતો ન હોય, લગ્ન રજિસ્ટર્ડ કરતાં પહેલાં કાયદા દ્વારા કોમ્પિટિબિલિટી ચેક ન કરાતી હોય તો છૂટાછેડા લેતાં પહેલાં છ મહિના સાથે રહી કોમ્પિટિબિલિટીને ફરી તપાસવાનો કાયદો માથે ન મરાવો જોઇએ. 18મા વર્ષે છોકરીઓ અને છોકરાઓ પુખ્તતાની કેટેગરીમાં આવી જાય છે. 18મા વર્ષે પુખ્ત થયેલાં છોકરા-છોકરીઓ જો પચ્ચીસમા વર્ષે, પાંત્રીસમા વર્ષે કે પિસ્તાળીસમા વર્ષે પરસ્પરની સંમતિથી છૂટાછેડા માગે તો કોર્ટને એવું કેમ લાગવું જોઇએ કે બે વ્યક્તિ દ્વારા લેવાયેલો આ નિર્ણય પુખ્ત નથી. ઉંમર વધે એમ પુખ્તતા વધતી હોય છે એ વાત ધ્યાનમાં લેવાવી જોઇએ. છૂટાં પડતાં પતિ-પત્નીએ બાળકોનાં ભવિષ્ય અંગે બિલ્કુલ વિચારવાનું હોય પણ પરાણે સાથે રહી બાળકોને જુઠ્ઠાં, બોદા, સમાધાનોથી ભરપૂર સંબંધો વેંઢારતા શીખવવાનું ન જ હોય. જ્યાં ભરણપોષણની સમસ્યા હોય, માનસિક કે શારીરિક ત્રાસનાં પ્રશ્નો હોય એવાં લગ્નો કોર્ટનાં દરવાજા સુધી ચોક્કસ પહોંચવા જોઇએ પણ જે લગ્નનો અંત પરસ્પર સંમતિથી આવી રહ્યો હોય એ લગ્નને અદાલતનાં કઠેડામાં ઊભા રાખવાની શું જરૂર છે? પરિવારોને તૂટતા બચાવવા જ જોઇએ પણ તૂટી ગયેલા પરિવારને પરાણે સાથે જીવવાની ફરજ પાડવાનો કોઇ અર્થ નથી. લગ્ન એ બે વ્યક્તિની અંગત મરજી છે અને લગ્નનો અંત પણ જો બે વ્યક્તિની અંગત મરજી હોય તો એને કઠેડામાં ઊભા કરીને થીગડાં મારવાનાં પ્રયાસો છોડી દેવા જોઇએ. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...