જોબન છલકે:સાગર અને કિનારાનું મિલન કેમ રહ્યું અધૂરું?

24 દિવસ પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક
  • કિનારાને અચાનક જ એક દિવસ સાગરનો ભેટો થઇ ગયો. સાગર એની જ કોલેજનો વિદ્યાર્થી. એ આર્ટ્સ ફેકલ્ટીમાં હતો, જ્યારે કિનારાએ સાયન્સ લીધું હતું

કિનારા એના નામની માફક દુનિયાના પ્રવાહથી થોડી અલગ રહેનારી યુવતી હતી. એની સાથે ફ્રેન્ડશિપ કરવી કે પ્રેમ પ્રપોઝ કરવાનું કોલેજના યુવાનો માટે અભિમન્યુના સાત કોઠા પાર કરવા જેવું કામ હતું. કારણ? કિનારા પોતે હતી સુંદર, પણ એ સાથે એનો સ્વભાવ તીખા મરચાં જેવો હતો. એટલું જ નહીં, એના પપ્પા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા. કિનારા કરાટેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયન હોવાથી બને ત્યાં સુધી યુવાનો એના માટે આડુંઅવળું વિચારતા અચકાતા. આવી કિનારાને અચાનક જ એક દિવસ સાગરનો ભેટો થઇ ગયો. સાગર એની જ કોલેજનો વિદ્યાર્થી. એ આર્ટ્સ ફેકલ્ટીમાં હતો, જ્યારે કિનારાએ સાયન્સ લીધું હતું. બન્યું એવું કે એક સાંજે કિનારા ઘરે જવા નીકળી, ત્યારે કોલેજ લગભગ ખાલી થઇ ગઇ હતી. ચોમાસું નજીકમાં હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ બીનજરૂરી રોકાતાં નહીં. હા, ચોમાસું જામે પછી કોલેજમાં હાજરી ભરપૂર રહેતી, પણ અત્યારે તો સૌને થતું કે ઘરે જઇને શાંતિથી બેસીએ. આ સંજોગોમાં કિનારાને કોઇની મદદ મળે એમ લાગતું નહોતું. જોકે કોલેજના ગેટ પાસે પાંચ-છ છોકરાઓનું ટોળું ઊભું હતું. જે બધા એમની મસ્તીમાં હતા. કિનારાએ પાર્કિંગમાં મૂકેલા એક્ટિવાને સેલ માર્યા પછી સારી એવી વાર સુધી કિક પણ મારી જોઇ. પરસેવે રેબઝેબ થઇ ગયેલી કિનારા, પણ એક્ટિવા સ્ટાર્ટ ન જ થયું. એ વિચારતી હતી કે એક્ટિવા ત્યાં જ રહેવા દઇને પોતે રિક્સા કરી ઘરે પહોંચી જાય. એટલામાં ગેટ પાસે ઊભેલા યુવાનોમાંથી એક ત્યાં આવ્યો અને બોલ્યો, ‘હલ્લો બ્યૂટીફુલ લેડી, તમારું એક્ટિવા પરેશાન કરે છે?’ કિનારા બોલી, ‘હા, જુઓ ને, ક્યારની કિક મારું છું, પણ સ્ટાર્ટ જ નથી થતું.’ એ યુવાને એક્ટિવાનું મશીન ખોલીને કંઇક જોયું અને પછી એકાદ-બે પાર્ટ્સને સહેજ હલાવ્યાં. થોડી વારમાં જ એક્ટિવા એક જ સેલ લગાવતાં ચાલુ થઇ ગયું. કિનારા બોલી, ‘થેન્ક્સ… સોરી, તમારું નામ….’ એ યુવાને હસીને કહ્યું, ‘સાગર…’ ‘અરે! મારા અને તમારા નામનો અર્થ એકબીજાને અનુરૂપ છે…’ કિનારા બોલી ઊઠી. ‘હા…. અને જો ધારીએ તો આપણે બંને એક પણ થઇ શકીએ…’ સાગરે કહ્યું. કિનારાએ પૂછ્યું, ‘કઇ રીતે?’ સાગર બોલ્યો, ‘મને તમે પહેલા જ દિવસથી ખૂબ પસંદ છો. મનોમન તમને પ્રેમ કરું છું. તમારા તીખા સ્વભાવ વિશે ઘણું સાંભળ્યું હોવાથી પ્રપોઝ કરવામાં થોડો અચકાતો હતો, પણ…’ ‘પણ… મારા એક્ટિવાએ તમારું કામ સરળ કરી દીધું, એમ જ ને?’ કિનારા વચ્ચે જ બોલી ઊઠી. ‘હા…’ સાગર આગળ કંઇ કહે ત્યાં કિનારાએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું, ‘મને ખાતરી જ હતી કે તમે અમસ્તા મારી મદદ કરવા તૈયાર ન થાવ. ચોક્કસ આની પાછળ તમારો કોઇ સ્વાર્થ રહેલો હોવો જોઇએ. મારું અનુમાન સાચું પડ્યું. એક્ટિવા ચાલુ કરવાની મદદ કરવાને બહાને તમે મને પ્રપોઝ કરવાનું વિચાર્યું. પણ મિ. સાગર, તમારી ભૂલ થાય છે. આ કિનારા છે, કોઇ બીજી છોકરીને આવી રીતે ઇમ્પ્રેસ કરવાનું વિચારજો. આ કિનારા તમારી વાતોમાં ભોળવાઇ જાય એવી યુવતી નથી. નાઉ પ્લીઝ… લેટ મી ગો…’ સાગર તો કિનારાનું આવું સ્વરૂપ જોઇ ડઘાઇ જ ગયો. એ કિનારાને મગરૂરીથી એક્ટિવા પર બેસીને જતી જોઇ રહ્યો અને સ્વગત બબડ્યો, ‘હશે કિનારા, તેં સાગરને એટલો છીછરો માની લીધો એ તારી માન્યતા છે. સાગરના ઊંડા પ્રેમને તું સમજી ન શકી એ મારી કમનસીબી છે. ઇચ્છું કે તને તું જે ઇચ્છે એ મળી રહે.’ અને સાગર પોતાના મિત્રો તરફ ચાલતો થયો. કોલેજ પૂરી થયા બાદ ઘણા સમયે એક વાર સાગર પોતાની ઓફિસના કામ અંગે સીજી રોડ પર આવેલી એક ઓફિસમાં ગયો. ત્યાં જઇને એ રિસેપ્શનિસ્ટને કંઇ કહે, તે પહેલાં એ ચોંકી ગયો. એ રિસેપ્શનિસ્ટ કિનારા હતી. એ જ સૌંદર્ય… પણ એ મગરૂરી ક્યાંય ગાયબ થઇ ગઇ હતી. બ્લેક બેલ્ટ ચેમ્પિયનને બદલે કોઇ ગરીબડી ગાય જેવી એ લાગતી હતી. ક્યાં ગયો એનો તરવરાટ, એનો ઉત્સાહ, એની મગરૂરી…. સાગર વિચારી રહ્યો. કિનારાનું ધ્યાન એના તરફ જતાં જ એ બોલી, ‘હલ્લો સાગર…. ઓહ સોરી, સર…., તમે અહીં ક્યાંથી?’ સાગરે કહ્યું, ‘સરનું ભારેખમ સંબોધન મારા માટે ન હોય, આપણે કોલેજ ફ્રેન્ડ્ઝ હતાં અને રહીશું. તમે મને સાગર જ કહો… પણ તમે અહીં આ પોસ્ટ પર….’ ‘લાંબી વાત છે, ફરી ક્યારેક કહીશ. અત્યારે તો એટલું જ કે સાગરને કિનારાને પામવાનો જેટલો તલસાટ હોય છે, એટલો જ તલસાટ કિનારાને પણ સાગર સાથે મિલનનો હોય છે…. પણ આ વાત મને સમજાઇ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. હવે તો…’ કહેતાં એ અટકી ગઇ. સાગર થોડામાં ઘણું સમજી ગયો. એને ખ્યાલ આવી ગયો કે પોતાના પ્રેમનો અસ્વીકાર કર્યા પછી હવે કિનારા પસ્તાઇ રહી છે, પણ હવે એનો કોઇ અર્થ નહોતો. સાગર તો ક્યારનોય સરિતા સાથે લગ્નબંધનથી બંધાઇ ગયો હતો. એના લગ્નજીવનમાં પ્રેમના પ્રવાહને ક્યાંય કિનારામાં બાંધી શકાય એમ નહોતો અને આ વાતનો અફસોસ પણ નહોતો.

સાગર થોડામાં ઘણું સમજી ગયો. એને ખ્યાલ આવી ગયો કે પોતાના પ્રેમનો અસ્વીકાર કર્યા પછી હવે કિનારા પસ્તાઇ રહી છે, પણ હવે એનો કોઇ અર્થ નહોતો

અન્ય સમાચારો પણ છે...