કવર સ્ટોરી:સશક્તિકરણ કોનું, સ્ત્રીનું કે પુરુષનું!

16 દિવસ પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક
  • સમાજમાં બદલાવ લાવવો હોય તો સ્ત્રીએ સશક્તિકરણનો ઝંડો બાજુએ મૂકી દેવાની જરૂર છે અને પુરુષે સ્ત્રીની છાતીને બદલે એના દિમાગ તરફ નજર નાખવાની જરૂર છે

દ્રોપદી મુર્મુ સ્ત્રી છે એટલે એમને રાષ્ટ્રપતિ નહીં પણ રાષ્ટ્રપત્ની કહેવા જોઇએ. આપણે હજી પણ સ્ત્રી અને પુરુષ વચ્ચેની સરહદો પર ઘર-ઘરની રમત રમ્યા કરીએ છીએ. સ્ત્રી સશક્તિકરણની ધજા લઇને આમથીતેમ દોડાદોડી કરતી સ્ત્રીઓ હજી પણ એવું જ માની રહી છે કે આખો પુરુષ વર્ગ એમને કચડવા-દબાવવા અને એમનાં અસ્તિત્વને ગુલામ બનાવવા તૈયાર બેઠો છે. પોતે પુરુષ નથી પણ મર્દ છે એવું અભિમાન છાતીએ લઇને ફરતા શિયાળ જેવા પુરુષોનાં ટોળાં હજી પણ એવું માની રહ્યા છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએથી આગળ નથી વધી. આવી સ્ત્રીઓ અને આવા પુરુષો વચ્ચે સ્ત્રીત્વ અને પુરુષત્વની લડાઇઓ ચાલ્યા જ કરે છે અને આપણે સશક્તિકરણના ઝંઝાવાતમાં ઊંડે ને ઊંડે ફસાતા જઇએ છીએ. આપણે ભલે એવું માનતા હોઇએ કે આપણો દેશ જુદાં જુદાં ધર્મો વચ્ચે વિભાજીત છે પણ વાસ્તવિકતા એ છે કે આપણો દેશ હજી પણ સ્ત્રી-પુરુષ એમ બે જાતિ વચ્ચે અટવાયેલો છે. હું સાફપણે એવું માનું છું કે સ્ત્રીત્વ અને પુરુષત્વની આ લડાઇ હવે બંધ થવી જોઇએ. સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ છે. સ્ત્રી ચાહે તો પણ પુરુષની જગ્યા લઇ શકવાની નથી અને પુરુષ ઇચ્છે તો પણ સ્ત્રીનાં અસ્તિત્વને માઇનસ કરી શકવાનો નથી. મારા દાદાનાં દાદાએ તમારી દાદીની નાનીને એ સ્ત્રી હોવાને કારણે નુકસાન કરેલું એ માટે હું આજે ખૂબ દિલગીર છું પણ એનો અર્થ એવો નથી કે વર્ષો પહેલાં સ્ત્રીઓ પીડાતી હતી એ કારણે મારે અત્યારની સ્ત્રીઓને સપોર્ટ કરવો જોઇએ! હા, હું એવી સ્ત્રીની પડખે ચોક્કસ જ ઊભી રહીશ જે સાચા અર્થમાં પીડાઇ રહી છે, દુ:ખી થઇ રહી છે. વર્ષો પહેલાં સ્ત્રી પીડાતી હતી એટલા માટે વર્ષો પછી આજે સ્ત્રીસશક્તિકરણના ઝંડાને મારે હાથમાં ઉંચકીને ફરવું નથી. આપણે એલેક્સા વાપરીએ છીએ. આપણે સીરીને આદેશો આપીએ છીએ. એક વર્ગ એવો પણ છે કે જે એવું માને છે કે એલેક્સા કે સીરી એવું સ્ત્રીલિંગ નામ એટલા માટે પાડવામાં આવ્યું કારણ કે પડેલો બોલ તો સ્ત્રી જ ઝીલે. પૂછાયેલા સવાલોના જવાબો તો સ્ત્રી જ આપે! સ્ત્રી જવાબ આપે એટલે મહાન થઇ જાય? સ્ત્રી પડેલો બોલ ઝીલે એટલે મહાન થઇ જાય? પ્રત્યેક પરિવારોની જો અંગત રીતે જડતી લેવામાં આવે તો માલૂમ પડશે કે મોટાભાગનાં પરિવારોમાં સવાલ પૂછવાની ભૂમિકામાં સ્ત્રીઓ જ હોય છે. ક્યાં ગયેલા, ક્યારે આવશો, શું જમશો, કોની સાથે વાત કરતા હતા, પેલી તમારી કોણ થાય, આપણે પેલાને ત્યાં જમવા કેમ જવાનું વગેરે વગેરે સવાલો સ્ત્રીઓ પૂછી શકે છે, હિંમતભેર પૂછી શકે છે અને છાતી કાઢીને પૂછી શકે છે. પૂછાયેલા જવાબો નહીં આપવા અથવા તો જવાબ આપવાની ભૂમિકામાંથી હટી જવું એ સશક્તિકરણ નથી પણ પૂછાયેલા સવાલોનાં સાચા જવાબો આપવાની હિંમત રાખવી એ સશક્તિકરણ છે. પડ્યો બોલ ન ઝીલવો હોય ત્યારે ન ઝીલવાનું કારણ બેધડકપણે આપી શકવું એ સશક્તિકરણ છે. એલેકસા કે સીરી નામ સ્ત્રીનાં બિચારાપણાંની આગેવાની નથી કરતું. એ એવું સૂચવે છે કે હજી પણ પુરુષોનાં આકર્ષણ કરતાં સ્ત્રીનું આકર્ષણ વધારે છે. સ્ત્રીનો અવાજ પુરુષોનાં અવાજ કરતા સાંભળવામાં મીઠો લાગે છે! હમણાં-હમણાં એક કોન્સેપ્ટ ચાલી રહ્યો છે હાઉસ વાઇફ સ્ત્રીઓને સેલરી આપવાનો. જે સ્ત્રીને એનો પતિ બિલકુલ પૈસા નથી આપી રહ્યો, જે સ્ત્રીએ પોતાની ઇચ્છા પ્રમાણે જીવવા તરફડવું પડે છે એવી સ્ત્રીઓ માટે આ કોન્સેપ્ટ યોગ્ય છે પણ કિટ્ટી પાર્ટીઓ કરતી, મહિને બે-ત્રણ વખત બ્યૂટી પાર્લરમાં જઇ પોતાની સાફ-સફાઇ કરાવતી હાઉસ વાઇફ સ્ત્રીઓ જ્યારે સેલરીની ડિમાન્ડ કરે છે ત્યારે મૂર્ખ લાગે છે. આવી સ્ત્રીઓ એ ભૂલી જાય છે કે પરિવારનું મૂળ સ્ત્રી અને પુરુષ બંનેના ખભા પર રચાયેલું છે. જો પુરુષ નોકરી કરે છે, પૈસા કમાય છે તો સ્ત્રી ઘર સાચવે છે. સ્ત્રીને ઘર સાચવવું એ નોકરી લાગતી હોય અને એની સેલરી જોઇતી હોય તો નોકરી કરતા પુરુષે શેની ડિમાન્ડ કરવાની? સશક્ત હોવું અને સ્વચ્છંદ હોવું... આ બંને જુદી વાતો છે. સ્ત્રીની લિબર્ટી વિશે મારા ખ્યાલ બહુ જુદા છે. હું સાફપણે માનું છું કે હું ગમે એટલી સશક્ત હોઇશ પણ જે વિસ્તારમાંથી પુરુષો પાંચ લાખની બેગ લઇને પસાર થવાનું ટાળતા હોય એવા વિસ્તારમાં અડધી રાત્રે એકલા જવાનું દુ:સાહસ કરવાની વાતને હું સશક્તિકરણ ગણતી નથી. આવી જ વાત પુરુષોએ પણ સમજવાની જરૂર છે. જે સ્ત્રી સર્વોચ્ચ સ્થાને બેઠી હોય એવી પ્રત્યેક સ્ત્રી પોતાના સ્ત્રીપણાનું વિક્ટિમ કાર્ડ રમી જ હોય એવું જરૂરી નથી હોતું. તમારી સ્ત્રી જ્યારે બોસ હોય છે ત્યારે એ આત્મનિર્ભર મહિલા અભિયાનનાં ભાગરૂપે જ ત્યાં પહોંચી હોય એવું જરૂરી નથી. એની બુદ્ધિ તમારા કરતા વધારે છે, એનો અનુભવ તમારા કરતા વધારે છે એ વાતનો સ્વીકાર કરવો જોઇએ. દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધન કરવું જોઇએ એવી વાતો કરનારા તમામને મારે એક જ વાત કહેવી છે કે પતિ એ એક પ્રકારનું સંબોધન છે. પતિ એ છે જે અઘરા નિર્ણયો લઇ શકે છે, પતિ એ છે જે પરિવારને એકજૂટ રાખવાની કોશિશ કરે છે, પતિ એ છે જે અર્થ-ઉપાર્જનનું કાર્ય કરે છે, પતિ એ છે જે નિયમો ઘડે છે અને પતિ એ છે જે નિયમોનું પાલન થાય એનું ધ્યાન રાખે છે. આપણે પતિ શબ્દને પુરુષવાચક બનાવી દીધો છે. જે સ્ત્રી આ બધી જ ભૂમિકા નિભાવી શકતી હોય એને તમે પતિ તરીકે સંબોધિત કરી જ શકો! સ્ત્રી અને પુરુષ વચ્ચેની ભેદરેખા ત્યારે જ ભૂંસાશે જ્યારે સ્ત્રી કહેવાતા સશક્તિકરણનાં ઝંડાને હાથમાંથી નીચે ફેંકી દેશે અને પુરુષ સ્ત્રીની છાતીને બદલે સ્ત્રીનાં દિમાગ તરફ પણ નજર નાંખતો થશે ! dadawalaesha @gmail.com

અન્ય સમાચારો પણ છે...