લેટ્સ ટોક:ઘરને જાળવતી મહિલાની મેન્ટલ હેલ્થને કોણ જાળવશે?

14 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક

ભારતીય સમાજમાં એક એવી સરેરાશ માન્યતા છે કે ગૃહિણી એટલે ઘરની રાણી. ઘરમાં ગૃહિણીનું જ રાજ હોય છે. જોકે હાલમાં જાહેર થયેલા કેટલાક આંકડાઓએ આ દાવો કેટલો પોકળ છે એ સાબિત કરી દીધું છે. તાજેતરમાં જાહેર કરાયેલા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં આત્મહત્યા કરનાર મહિલાઓમાંથી અડધોઅડધ મહિલાઓ ગૃહિણી હતી. 2021માં કુલ 1.6 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી જેમાં મહિલાઓની સંખ્યા 45,026 જેટલી હતી. આ મહિલાઓમાંથી 23,178 જેટલી તો ગૃહિણીઓ હતી. 2020માં ગૃહિણીઓની આત્મહત્યાનો દર 50.3% હતો જે 2021માં વધીને 51.5% જેટલો થઇ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે 2018માં 22,937 ગૃહિણીઓએ આત્મહત્યા કરી હતી જે 2017 (21,453) કરતા 6.9% વધારે હતી. વ‌ળી, મહત્ત્વની વાત તો એ છે કે આ તો નોંધાયેલા આંકડા છે. આવા તો કેટલાય કેસ ચોપડે નોંધાતા પણ નહીં હોય. શું કામ નથી થતી ચર્ચા? ગૃહિણીઓમાં આત્મહત્યાના વધી રહેલા પ્રમાણમાં તેમની બગડી રહેલી મેન્ટલ હેલ્થનો મોટો ફાળો છે. આ સંખ્યા વધી રહી હોવા છતાં ભાગ્યે જ તેની જાહેરમાં ચર્ચા થતી હોય છે. શું ગૃહિણીઓની કથળતી માનસિક સ્થિતિ માટે ‘તું તો હંમેશાં ઘરે જ હોય છે. તને શું માનસિક તકલીફ હોઇ શકે?’નો ખોટો માનસિક અભિગમ જવાબદાર છે? ભારતમાં ગૃહિણીઓની સ્થિતિ માનવામાં આવે છે કે ભારતમાં ગૃહિણીઓની સ્થિતિ સરેરાશ કરતાં ઘણી સારી છે પણ હકીકત એ છે કે ગૃહિણીઓનો બહુ મોટો વર્ગ ઘરની જવાબદારીમાં એવો અટવાઇ જાય છે કે પોતાની જાત વિશે વિચારવાનું ભૂલી જ જાય છે. આ ગૃહિણીઓ માટે 365 દિવસ સરખા હોય છે. તેમને તેમનાં કામનું નાણાકીય વળતર તો નથી મળતું પણ સાથે સાથે તેમને વિકએન્ડ જેવી કોઇ સુવિધા પણ નથી મળતી. આના કારણે લાંબા ગાળે ગૃહિણીના મનમાં અસંતોેષની લાગણી અનુભવાય છે અને આ લાગણી ક્રમશ: ભેગી થઇને તેમના માટે મેન્ટલ ટ્રોમાની સ્થિતિ સર્જે છે. ‘હેપી લાઇફ’ એટલે શું? આપણો સમાજ પિતૃસત્તાક સમાજ છે. આજે પણ સરેરાશ વ્યક્તિની માનસિકતા છે કે સારાં કપડાં, સારું ઘર, ભોજન અને પરિવાર મળે એટલે ગૃહિણીનું જીવન ખુશહાલ બની જાય છે. આટલું મળ્યા પછી તેને જીવનમાં બીજી કોઇ સમસ્યા જ નથી રહેતી અને તે ‘હેપી લાઇફ’ જીવે છે. જોકે હકીકત કંઇક અલગ છે. મનોચિકિત્સકોના મત પ્રમાણે લગ્ન પછી યુવતીએ નવા ઘરમાં સેટ થવા માટે અનેક કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે જેના કારણે એની માનસિક ક્ષમતા નબળી પડે છે કારણ કે આ કોમ્પ્રોમાઇઝ તેણે કોઇ ચોકઠાંમાં ફિટ થવા માટે કમને કરેલા હોય છે. એમાં પણ જો પરિવારનોે ટેકો ન હોય તો તેનાં સપનાં અને ઇચ્છાઓ જીવનમાં પાછલી પાટલીએ ધકેલાઇ જાય છે. લગ્નના બંધનમાં બંધાતા જ મહિલા તેની સ્વતંત્રતા ગુમાવી બેસે છે. વર્કિંગ મહિલા કરતાં ગૃહિણી આ લાગણી વધારે તીવ્રતાથી અનુભવતી હોય છે. આ સંજોગોમાં ગૃહિણી ખરેખર ‘હેપી લાઇફ’ જીવે એ માટે એનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે એ બહુ જરૂરી છે. સમજાવવું પડશે કે આત્મહત્યા નથી ઉપાય આત્મહત્યા કોઇ પણ સમસ્યાનો ઉકેલ નથી આ હકીકત દરેક મહિલાએ સમજવી પડશે પછી એ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન. હકીકતમાં લગ્ન પછી ગૃહિણીનું જીવન તેના પરિવારના નાના વતૃળમાં સમેટાઇ જતું હોય છે એટલે તેને બહારની દુનિયામાં ફૂંકાઇ રહેલી પરિવર્તનની હવા ભાગ્યે જ સ્પર્શે છે. ઘણી વખત પરિવારના અંકુશને લીધે ગૃહિણી તેના જીવનની યોગ્ય દિશાને સમજી નથી શકતી. આવું ન થાય એ માટે સમાજે હવે સંયુક્ત પ્રયાસ કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...