કવર સ્ટોરી:તમે લગ્ન કોના માટે કરો છો? મા-બાપ માટે, ઉંમર માટે કે સમાજ માટે?

3 મહિનો પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

પ્રત્યેક મા-બાપને મારે એક સવાલ પૂછવો છે, તમે તમારા સંતાનોનાં લગ્ન શું કામ કરાવો છો? એની ઉંમર થઇ ગઇ છે એટલે? તમારા દિયરનાં-જેઠનાં-નણંદનાં છોકરા-છોકરીઓ પરણીને સેટલ થઇ ગયા છે એટલે? લોકો પૂછી રહ્યા છે એટલે? કેમ? પ્રત્યેક સંતાનોને મારે એક સવાલ પૂછવો છે, કે તમે લગ્ન શું કામ કરો છો? ઉંમર થઇ ગઇ છે એટલે? નોકરી-ધંધામાં સેટલ થઇ ગયા છો એટલે? મિત્રો પરણી ગયા છે એટલે? સેક્સુઅલ ઇચ્છાઓ વધી રહી છે એટલે? ગ્રેજ્યુએશન પૂરું થઇ જાય, માસ્ટર્સ થઇ જાય, સારી નોકરી મળી જાય અથવા તો ધંધો સેટ થઇ જાય પછી પરણવાનું પણ એક કામ પૂરું કરી નાખવું જેથી મા-બાપની જવાબદારીઓ પૂરી થાય એટલે? આપણા ભારતીય પરિવારોમાં લગ્નોનું આયુષ્ય એટલા માટે લાંબું હોય છે કારણ કે આપણે ત્યાં લગ્ન માત્ર છોકરા-છોકરી વચ્ચે નહીં પણ બે પરિવારો વચ્ચે થાય છે અને આપણાં ભારતીય લગ્નો તૂટવાનું સૌથી મોટું કારણ પણ એ જ છે કે આપણે ત્યાં હજી પણ લગ્ન છોકરા-છોકરી વચ્ચે નહીં પણ બે પરિવારો વચ્ચે જ થાય છે! આ વાતને આપણે સમજવી પડશે, પ્રત્યેક મા-બાપે સમજવી પડશે અને લગ્ન કરનાર છોકરા-છોકરીએ પણ સમજવી પડશે. બે વ્યક્તિ અગ્નિની સાક્ષીએ એકમેક સાથે લગ્નનાં બંધનમાં કેમ બંધાય છે ત્યારે એની પાછળ કયાં કારણો જવાબદાર હોય છે? પ્રેમ? ઉંમર? સમાજ? જરૂરિયાત? આપણે ત્યાં ઉંમરલાયક થાય ત્યારે લગ્ન કરાવી દેવામાં આવે છે, લગ્ન કરવા માટે લગ્નલાયક થાય એની રાહ નથી જોવાતી. આપણે ત્યાં ઘણાં લોકો એટલે પરણી જાય છે કારણ કે સારી રીતે નોકરી કરી શકે, ઘણાં લોકો એટલે પરણી જાય છે કે મિત્રો સાથે સારો સમય પસાર કરી શકે અને ઘણાં લોકો એટલા માટે પરણી જાય છે કારણ કે જીવનની તમામ સમસ્યા માટે જવાબદાર ગણી શકાય એવી એકાદી વ્યક્તિની શોધમાં હોય છે... લગ્ન કરનાર છોકરા અને છોકરીઓએ એક વાત સાફ સમજવાની છે કે તમે જેની સાથે પરણી રહ્યા છો એની સાથે એક રૂમમાં, એક છત નીચે આજીવન તમારે જીવવાનું છે નહીં કે તમારા મા-બાપે. એટલે લગ્ન એવી વ્યક્તિ સાથે જ કરવા જોઇએ જે તમારી જરૂરિયાતોને સમજી શકે અને એની સાથે ડીલ કરી શકે. સંબંધ પ્રેમ પર ટકી શકે પણ લગ્ન માત્ર અને માત્ર પ્રેમ પર ટકી શકતા નથી. પ્રેમ સિવાય લોનના હપ્તાથી માંડીને બાળકની મોંઘીદાટ સ્કૂલોની ફીથી માંડીને બદલાતી જતી શારીરિક અને માનસિક જરૂરિયાતોની એક લાંબીલચક યાદી એમાં ઉમેરાતી હોય છે. લગ્નમાં પ્રેમ કરતા પણ વધારે મહત્ત્વનો રોલ બદલાતી જતી જરૂરિયાતો ભજવતી હોય છે. જો આ જરૂરિયાતો સાથે તમે ડીલ કરી શકતા હો તો તમારાં લગ્નજીવનનો સમાવેશ સુખી લગ્નજીવનની યાદીમાં થશે, નહીંતર દંભના આંચળા નીચે દબાયેલાં-કચડાયેલાં લગ્નજીવનની યાદીમાં તમારું નામ બોલાતું રહેશે. લોકો તમારાં લગ્નજીવનની ઇર્ષ્યા કરશે અને તમે એમની સામે સત્ય નહીં ઉચ્ચારી શકો. ‘મારો દીકરો વડોદરા એકલો રહીને કંટાળી ગયો છે અને સૌથી વધારે તકલીફ એને જમવાની પડી રહી છે એટલે મારે એને પરણાવી દેવો છે!’ આવું કહેતી મમ્મીઓએ સંતાનોનાં લગ્નનાં નિર્ણયોમાંથી તાત્કાલિકપણે બાકાત થઇ જવું જોઇએ. ‘લગ્ન પછી બધું ઠીક થઇ જશે...!’ અથવા તો ‘એક બાળક થઇ જવા દો પછી લગ્નજીવન પાટે ચડી જશે!’ આવી સલાહ આપનારા માણસો એકે-47 પકડીને દુશ્મન દેશની સરહદ પર ઊભેલા સૈનિકો જેવા હોય છે. લગ્નમાં સમાધાનો કરવાં જ પડે અને બેશક કરવાં જ જોઇએ પણ કયાં સમાધાનો કરી શકાશે એનું લિસ્ટ પરિવારે નહીં પણ પરણનારે જાતે નક્કી કરવું જોઇએ. અરેન્જ્ડ મેરેજ દરમિયાન એક છોકરાએ લગભગ પચાસેક છોકરીઓ જોઇ. એની મમ્મી ખૂબ ગુસ્સે થઇ ગઇ. પેલા છોકરાએ જવાબ આપ્યો કે મમ્મી, ક્લિક નથી થતું તો શું કરું? આ ‘ક્લિક’ થવું બહુ જ અગત્યનું છે. મમ્મીને ક્લિક નહીં થાય તો ચાલે, પપ્પાને ક્લિક નહીં થાય તો ચાલે પણ પરણનારને ક્લિક થવું જોઇએ. આખી દુનિયામાં શ્વાસ લેતા બધા જ છોકરા કે છોકરી આપણને નથી ગમતાં. એમાંથી કોઇ એક જ જણની હાજરી-ગેરહાજરીની આપણાં પર અસર પડે છે. કોઇ એકના ફોન કે મેસેજની આપણે રાહ જોઇએ છીએ કારણ કે આપણને ‘ક્લિક’ થાય છે. લગ્ન કરનાર છોકરા-છોકરીઓએ લગ્નનો નિર્ણય લેતી વખતે ઇમોશન્સની સાથે-સાથે દિમાગનો પણ એટલો જ ઉપયોગ કરવો જોઇએ. જે છોકરી કે છોકરો 28 વર્ષની ઉંમરે રૂપાળી કે હેન્ડસમ લાગે છે એ 38ની ઉંમરે રૂપાળી કે હેન્ડસમ ના રહે તો પણ તમને એટલા જ ગમશે? એના માટેનું શારીરિક આકર્ષણ પણ એટલું જ રહેશે? તમારી સાથે એ માનસિક રીતે અપગ્રેડ થશે? તમારી બદલાતી જરૂરિયાતોને એ સમજશે? આ બધા સવાલો પણ બહુ અગત્યનાં છે. લગ્ન એ કોઇ રીત-રિવાજ કે રસમ નથી, લગ્ન એ જિંદગીનો એક હિસ્સો છે અને એટલે જ એનો નિર્ણય ખૂબ અગત્યનો છે. હવે સમય બદલાયો છે. હવે જરૂરિયાતો પણ બદલાઇ છે અને એટલે લગ્નની રીતો પણ બદલાવી જોઇએ. લગ્ન ન તો મા-બાપ માટે કરવાં જોઇએ, ન તો પરિવાર માટે કરવાં જોઇએ, ન તો સમાજ માટે કરવાં જોઇએ કે ન તો ઉંમર માટે કરવાં જોઇએ. લગ્ન માત્ર અને માત્ર લગ્ન માટે જ કરવાં જોઇએ. આપણે ત્યાં હજી પણ લગ્નની એક ચોક્કસ ફ્રેમ ફિક્સ છે. લગ્ન કરતી બે વ્યક્તિઓમાંથી કોઇપણ એક વ્યક્તિ અથવા તો એક પરિવાર આ ફ્રેમની બહાર પગ મૂકવા જાય છે કે તરત જ લગ્ન ઝૂલતા પુલની માફક તૂટી જાય છે કારણ કે આપણે લગ્નને લગ્નની જેમ ટ્રીટ કરવાને બદલે રિવાજો-રસમોની માફક જ ટ્રીટ કરીએ છીએ. મારે તમામ મમ્મી-પપ્પાઓને એક અપીલ કરવી છે, જ્યારે તમારો દીકરો કે દીકરી લગ્નનો નિર્ણય લેતા હોય ત્યારે પસંદગીમાં એમને મદદ ચોક્કસ કરજો પણ એમનાં નિર્ણય પર હાવી નહીં થઇ જતા કારણ કે જે છોકરીમાં તમને તમારી સંસ્કારી વહુ દેખાતી હોય એ જ છોકરીમાં તમારો દીકરો એની પત્ની ન જોઇ શકતો હોય એવું બની શકે! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...