ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ લોકો ટેરેસ ગાર્ડનને મહત્ત્વ આપવા લાગ્યા છે. આ ટેરેસ ગાર્ડન માત્ર ધાબા પર જ નહીં પણ નાની બાલકની કે કોઇ પણ ખુલ્લી જગ્યાએ બનાવી શકાય છે. ગાર્ડનિંગ માટે અલગ અલગ આઇડિયા પણ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી જોવા મળ્યું છે કે લોકો મકાન ખરીદતા સમયે ટેરેસ ગાર્ડન માટે જગ્યા છે કે નહીં તે જુએ છે. સાથે જ તેના ફાયદા જાણવાનો પણ પ્રયાસ કરતા હોય છે. આમ પણ ગ્રીન સ્પેસ દરેક વ્યક્તિને એક આરામદાયક અહેસાસ અને તાજગી આપે છે. લિવિંગ એરિયા, ઇન્ડોર કે આઉટડોરમાં તમે થોડી હરિયાળી લાવીને આમ કરી શકો છો. સરસ રીતે મેઈન્ટેઈન કરવામાં આવેલા ટેરેસ ગાર્ડનમાં તમે બર્થ ડે પાર્ટી અથવા તો ફેમિલી ગેટ ટુ ગેધર જેવાં ફંક્શનનું સારી રીતે આયોજન કરી શકો છો. Â સુંદરતામાં કરે વધારો બંગલો અને એપાર્ટમેન્ટ માટે ટેરેસ ગાર્ડન એક સુંદર કન્સેપ્ટ છે. કારણ કે તે વધુ જગ્યા રોકતો નથી અને કોઈ પણ નાની ખુલ્લી જગ્યામાં, બાલકનીમાં, વરંડામાં કે કોઈ મોટી વિલાની ગેલરીમાં બગીચો બનાવી શકાય છે. નિષ્ણાતોના મત પ્રમાણે ટેરેસ ગાર્ડન બનાવતાં પહેલાં સ્ટ્રકચરલ એન્જિનિયરની સલાહ લેવી જોઈએ. છત કે બાલકની હકીકતમાં ટેરેસ ગાર્ડનનું કેટલું વજન લેવા સક્ષમ છે તેની માહિતીની સાથે ભેજની સમસ્યા રોકવામાં પણ આ એન્જિનિયર તમારી મદદ કરી શકે. ટેરેસ ગાર્ડનને અનેક રીતે સજાવીને ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકાય છે. ફળ-શાકભાજી કે ફૂલ ઉગાડવાનો તમારો શોખ પણ પૂરો થઈ જશે. તમે ઘરની થીમને પણ ટેરેસ ગાર્ડન સાથે જોડી શકો છો. ઇચ્છો તો ઇન્ટિરિયરને ટેરેસ ગાર્ડન તરફ ફોકસ કરી દો. Â જગ્યાની પસંદગી છે મહત્ત્વની ટેરેસ ગાર્ડનને કોઈ પણ પ્રકારનાં બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ, કોમિર્શયલ-રહેણાકનાં બિલ્ડિંગ કે આઈટી પાર્કમાં બનાવી શકાય છે. આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવી જરૂરી છે. સૌથી પહેલા તો એ ધ્યાન રાખવું જોઇએ કે એ જગ્યા થોડી ઢોળાવવાળી હોય જેથી પાણી બહાર નીકળી શકે. અહીં સૂર્યપ્રકાશ આવે એ જરૂરી છે જેથી ફૂલ-છોડનો વિકાસ થઈ શકે. આ જગ્યા છોડ અને માટીનું વજન ઊંચકી શકે તેવી સક્ષમ અને મજબૂત પણ હોવી જોઈએ. ટેરેસ ગાર્ડનમાં છોડની સાચવણી અને માટીને ભીની રાખવા માટે એ જગ્યાનું સારી રીતે વોટર પ્રૂફિંગ કરાવવું જરૂરી છે. આથી તેને માટે યોગ્ય મટીરિયલ જ પસંદ કરવું જોઈએ. ટેરેસ ગાર્ડન બનાવ્યા બાદ તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે. છોડને દરરોજ પાણી નાખો. ઓછું વજન ધરાવતા છોડ ટેરેસ ગાર્ડન માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમના મૂળિયાં જમીનમાં ક્ષાર પેદા થવા દેતા નથી. Â ફૂલોથી વધારી શકાય છે શોભા આજકાલ મોટા મોટા શહેરોમાં તો બહુમાળી બિલ્ડિંગો જ જોવા મળે છે. ફ્લેટમાં રહેતા હોવા છતાં પણ પોતાના ઘર આંગણે હરિયાળી કોને ન ગમે. જોકે બહુમાળી બિલ્ડિંગોની ટેરેસ પર ઓછી જગ્યામાં સુંદર ફૂલો ઉગાડી શકાય છે. ગુલાબ અને રાતરાણી જેવા ફૂલના છોડ તમે તમારા ટેરેસ પર ઉગાડી શકો છો પરંતુ તેને માટે થોડાક પ્લાનિંગની જરૂર હોય છે. થોડું પ્લાનિંગ તમારા ઘરને સુંદર બનાવી દેશે. સૌ પ્રથમ તો તમારી પસંદનાં જે ચોક્કસ ફૂલના રોપા લગાવવાના હોય તે નક્કી કરી લો. હવે તેના પ્રમાણે માટીનાં અને પ્લાસ્ટિકનાં કુંડાં લાવી દો. આ સિવાય તમને ગમતી સુંદર ફૂલોવાળી વેલને કુંડામાં ઉગાડીને તેને નીચેની તરફ ઢળતી કરીને ઘરને બહારથી એક આકર્ષક લુક આપી શકાય છે. Â જાળવણી મહત્ત્વની ટેરેસ ગાર્ડનને ભેજ તથા ગંદકીથી બચાવવું જરૂરી છે. જેવા કોઈ છોડ પીળા પડવા લાગે અથવા તો અગાસીમાં ભેજ લાગવા માંડે ત્યારે તેને વ્યવસ્થિત રીતે મેઈન્ટેઈન કરવું જોઈએ. જો યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો જ એની સુંદરતા જળવાઇ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.