હળવાશ:ફોબિયા હોય કે પછી એલર્જી કે પછી વાયડાઈ...આ તૈણેય કાકા-બાપાના ભાઈ-બહેન જ છે

જિગીષા ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ....મનિસાબહેન ને તો કોઈ ચોઈસ જેવું જ નહીં અલા...એની થેલીમાં કોઈ બી વસ્તુનાં કલર-ડિઝાઇન સાવ ઠેકાણા વગરના જ હોય છે.’ હંસાકાકીએ મનીષાબહેનને હડફેટે લીધાં... ‘હાલાતુલી છે હાવે ય હાલાતુલી... જેને કપડાં હુકાવતા જ નંઇ આવડતું, એની આગળથી બીજી સું આશા રાખવાની!’(સવિતાકાકીએ એમને અલગ જ કાટલે તોળ્યાં.) ‘ખરેખર તો તડકા-છાંયાની ડિરેક્સન જોઈને હુકાવવાના હોય કપડાં... આમ તો તડકાનું જ મહત્ત્વ છે... બુદ્ધિની બારદાને વાયરો પર ટોવેલની કોઈ ફિક્સ જગ્યા જ નહીં રાખી... કોક દિવસ આ છેડે, તો કોક દિવસ ઓલે છેડે... કોક દિવસ ટોવેલ ડાબે, તો કોક દિવસ જમણે... કોઈ એક નિયમ તો રાખવો જોઈએ ને...!’ ‘હું તો કઉં છું, ડાબે-જમણેને મૂકો એક બાજુ... પણ ટોવેલ તો કંપલસરી તડકે જ હુકવવો જોઈએ...’ કંકુકાકીએ પોતાનો નિયમ જણાવ્યો. ‘તમે પણ સું બે ય જણ ટોવેલ-ટોવેલ મંડ્યા છો...? હરખું અને હાચું ગુજરાતી બોલોને...’ કલાકાકી ખિજાયાં... એટલે સવિતાકાકીએ ય જવાબ આપ્યો કે... ‘તે પણ હું ક્યાં જર્મન સિલ્વરમાં બોલું છું? હું તો સિરિયોલોમાં બોલે એ જ ભાષા બોલું છું.’ ‘સિરિયલોમાં તો એમણે મન ફાવે એમ બોલે, પણ આપડે તો હમજી વિચારીને બોલવું જોવે ને...! પણ ‘ટોવેલ’ એ બંગાળી શબ્દ છે... આપડે ગુજરાતીમાં તો ટુવાલ બોલાય ‘લા... ગુજરાતી થઈને બંગાળી શબ્દો વાપરવાનો લોકોને સું ક્રેજ છે એ જ મને તો નંઇ હમજાતું... હં!’કલાકાકીએ બેય ને ઝાટકી નાખ્યાં... એટલે સવિતાકાકીએ શરણાગતિ સ્વીકારી લીધી..., ‘તમે ય સું પાણીમાંથી પોરા કાઢો છો યાર... હવેથી તમારા દેખતા નંઇ બોલું બસ...!’ ‘એવું નથી યાર અમુક સબ્દો સાંભળુંને, પછી મારાં મગજમાં એટલી ઉથલ પાથલ થઈ જાય ને... કે માથું દુખવા આઈ જાય... ને પછી દવા લેવી પડે.’ કલાકાકીએ ખરી તકલીફ રજૂ કરી, એટલે લીનાબહેન તરત કહે, ‘તે ગમ્મે ત્યારે જરૂર પડે, દવા મારી પાંહેથી લઈ જવી તમારે... આપડે એલર્જીની દવા ઘરમાં જ રાખીએ છીએ... જો, કસુંક પેશીયલ હોય કે જેનાથી તમારા શરીરમાં કસુક લોચો પડે, તો એ વસ્તુની આપણને એલર્જી છે એમ કહેવાય.’ ‘મગજમાં લોચો થાય તો એને ફોબિયા પણ કહેવાય...’ હંસામાસીએ આવું કહ્યું એટલે લીનાબહેન કહે, ‘હવે એવું છે... એલર્જી ને ફોબિયા બંને એક જ... ફોબિયા મગજમાં થાય, અને એના થકી જ શરીરમાં એલર્જી થાય. એક હાવ હાચ્ચી વાત કહું, એલર્જી જેવું કસું હોય જ નંઇ... તમે જેની તેની દેખાતા એને જેની એલર્જી છે એ કરો ને... એટલે જ લોચો પડે... કારણ કે, મૂળ તો બંને થાય છે તો આંખથી જોવાને કારણે જ... એટલે આમ જોવા જાવ ને, તો જગતમાં તમે જે કરવું હોય એ કરો... પણ જે છે એ દીઠાનું જ ઝેર છે બહેન... અને જો, જગતમાં જાતભાતની એલર્જીઓ હોય બધાને... પછી આપડે કેટલું કરવું, ને કેટલું ના કરવું? હાચી વાત કે નંઇ સવિતાબહેન?’ ‘હાચું... હાચું... અમુક વસ્તુ અમુકનાં દેખતા ના જ કરાય... જેમ કે... મારે તો મારાં નણંદના દેખતાં ઢોકળામાં સોડા ના જ નખાય... એલર્જી...!’ સવિતાકાકીએ ઉદાહરણ આપ્યું, એટલે આટલા વખતથી વાર્તાલાપ સાંભળતા રેખાબહેન પણ બોલ્યાં..., ‘મારે તો એવું સોડા જેવી નાની નાની બાબતમાં ટેન્સન નઇ... પણ મારી જેઠાણી જમવા આઈ હોય તો એના દેખતાં દાળમાં આદું ના નખાય... આ ફોબિયા એક જાતનો... હવે એ આઘી પાછી થાય ત્યારે છીણીને નાખી દો, તો ચાલે પાછું.’ ‘એજજેટ એવું મારે મારી કાકી હાહુનું... એના દેખતાં ઓવનમાં કસું ગરમ જ ના કરાય... હવે આ તો એલર્જી ય નથી કે ફોબિયા ય નથી... વાયડાઈ એક જાતની... એટલે એ નહાવા ગયાં હોય ત્યારે હું ચા તો ઓવનમાં જ ગરમ કરી નાખું...’ કંકુકાકીએ તો વળી ત્રીજી જ વાત કરી... છેલ્લે લીનાબહેન સહેજ વોલ્યુમ વધારીને સભાને સંબોધતા કહે, ‘જો, જીવનમાં બીજા કોઈનું ગણકારવાનું જ નંઇ... મને જ જુઓ... આ તમાર ભાઇને ડાયાબિટીસ છે, એટલે એમના દેખતા ખાંડ ના નાખું કોઈ બી વસ્તુમાં... નહિતર નડે નડે કરીને ખાય નંઇ... પણ એં, કસું ના થાય... આ તમે નડસે નડસે કરીને ખાવ, તો જ વસ્તુ નડે... બાકી ખાંડને અને ડાયાબિટીસને કોઈ લેવા દેવા જ નથી. અને એં, આ શરીર ભગવાને ખાવા આલ્યું છે કે બધું નડાવવા? હેં ?’ (બધાએ આંખો મોટી કરીને સહમતિમાં ડોકું હલાવ્યું એટલે લીનાબહેને પ્રવચન પૂરું કરતાં છેલ્લે આટલું જ કીધું કે..., ‘એટલે આ ફોબિયા હોય કે એલર્જી કે પછી વાયડાઈ... આ તૈણેય કજીન કાકા બાપાનાં ભાઇ-બહેન જ છે. જો હખે જીવવું હોય તો આ બધા માત્ર શબ્દો જ ગણવા... અને કદી એને સિરિયસલી ના લેવા. આમ કરશું તો જ જીવન જીવી શકાશે.’

અન્ય સમાચારો પણ છે...