મૂડ એન્ડ માઇન્ડ:જીભ લપસી જાય ત્યારે..

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડો. સ્પંદન ઠાકર

રીટા અને આકાશ ડ્રીમ ડેટ પર હતાં. અમદાવાદથી થોડે દૂર સરસ મજાની કોફી શોપમાં બંને હાથ પર હાથ મૂકીને બેઠાં હતાં. બંનેની કેમિસ્ટ્રી હવે બાયોલોજી તરફ જઈ રહી હતી. આકાશે આજે રીટાને પ્રપોઝ કરવાનંુ નક્કી કર્યું હતું એટલે એ થોડો નર્વસ હતો. કોફીનો ઓર્ડર આપીને તેણે તરત જ કહ્યું, ‘મને તું ખૂબ જ ગમે છે રિચા...’ અને બધું અચાનક બદલાઈ ગયું. રીટા ઊભી થઈને જતી રહી. આ શું? રિચા? રીટાને આકાશના પાસ્ટ વિશે ખ્યાલ હતો. આકાશે ઘણું સમજાવ્યું કે ભૂલથી રિચા બોલાઈ જવાયું, તેના મનમાં પણ ક્યાંય રિચાના વિચાર નહોતા પણ ‘ઇટ વોઝ સ્લિપ ઓફ ટંગ’. તે દિવસે બંનેનો મૂડ ઓફ થઈ ગયો. આકાશની અને રિચાની લાસ્ટ ડેટ પર રિચા જોડે થયેલો ઝગડો બ્રેક-અપનું કારણ હતું. તે બાબતની ભૂલ રીપિટ ના થાય તેની એંગ્ઝાયટીમાં આકાશની જીભ લપસી ગઈ. એ મેમરી તેના માટે જરાય સારી ન હતી તેથી આનો જ ડર ‘સ્લિપ ઓફ ટંગ’ માટે જવાબદાર બન્યો અને એના લીધે વાતનું વતેસર થઈ ગયું. ફ્રોઇડિયન સ્લિપ એટલે કે જીભ લપસી જવી...દરેક 7000 શબ્દોમાં એક કે બે વાર થઈ શકતી ભૂલ. આમ જોવા જઈએ તો ખૂબ સામાન્ય છે પણ ઘણી પરિસ્થિતિમાં તે ગંભીર સાબિત થઈ શકે. શું સ્લિપ ઓફ ટંગ મનના કોઈ વિચારોની અભિવ્યક્તિ હોય? હા, સાયકોલોજી કહે છે કે જ્યારે વ્યક્તિ મનની કોઈ વાતને વધારે દબાવવાની કોશિશ કરતું હોય ત્યારે જાગૃત મન તો તેને દબાવી શકે છે પણ અર્ધજાગૃત મનમાંથી તે શબ્દો દ્વારા બહાર નીકળી શકે છે. ખાસ કરીને ગુસ્સામાં બોલાઈ જતા શબ્દો ન કહેવા હોય તો પણ નીકળી જતા હોય છે અને કારણ વગર મુદ્દો મોટો બની જાય છે. ઘણીવાર મનમાં આ વાત ફરતી રહે છે પણ તે કહી શકાતી નથી પણ ઊંઘમાં, સપનામાં, નશામાં કે ગુસ્સામાં બોલાઈ જતું હોય છે. માનસશાસ્ત્રી સિગ્મંડ ફ્રોઈડના કહેવા મુજબ છૂપાયેલી સેક્સ્યુઅલ અરજ આ પ્રકારે પ્રી-ફ્રન્ટલ કોર્ટેકસની અંદર દબાય છે અને ભૂલથી બોલાઈ જઈ શકે છે. ક્યારેક લખવામાં કે હાવભાવમાં પણ અંદર છુપાયેલી ભાવનાઓ નીકળી જાય છે. મનને દબાવવાન પ્રયત્નો જેટલા વધે જીભ સ્લિપ થવાની શક્યતા પણ એટલી જ વધી જતી હોય છે. મૂડ મંત્ર : તમે તમારા શબ્દોના ગુલામ છો તેવું કહેવાય છે. આ કારણે જ બે વ્યકિત વચ્ચે વધુ સ્થિરતા ત્યારે જળવાય છે જ્યારે તે તમારા ન બોલાયેલા શબ્દો પણ સમજી શકે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...