સેક્સ સેન્સ:તનનો મેળ મન સાથે છૂટે ત્યારે...

મેધા પંડ્યા ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રેમસંબંધમાં સ્પર્શનું મહત્ત્વ હંમેશાં અગત્યનું અને અનોખું રહ્યું છે. લોકો જ્યારે પોતાનાં પ્રિયપાત્રની નજીક જાય છે ત્યારે તે પળ તેમના માટે અકલ્પનીય હોય છે. જોકે સ્પર્શની સાથે મૂડ સૌથી વધારે જરૂરી છે. સંબંધ બાંધતા પહેલાં કે સંબંધ બાંધ્યા પછી તમારો મૂડ કેવો હોય છે, તે દરેક સેક્સ સંબંધમાં ખૂબ જ અગત્યનું પાસું છે. આપણે જાણીયે છીએ કે સ્ત્રીઓ માટે લાગણી વધારે મહત્ત્વની હોય છે. તે એવા જ પુરુષ સાથે સેક્સ સંબંધ બાંધવા તરફ આકર્ષાતી હોય છે, જેની સાથે તે લાગણીથી જોડાયેલી હોય છે. બીજી તરફ પુરુષો માટે એવી માનસિકતા છે કે તેમના માટે યૌન સુખ વધારે મહત્ત્વનું હોય છે અને ફક્ત તેના માટે જ પુરુષો પ્રેમમાં પડે છે. પુરુષ મોટાભાગે ચરમસીમાનો આનંદ મેળવવા જ સેક્સ કરતો હોય તેવું માનવામાં આવે છે. આ વાત ક્યાંક ને ક્યાંક કેટલાક અંશે ખોટી છે. જોકે આ વાત સ્ત્રી અને પુરુષ બંને માટે એકસરખી હોય છે. આમ છતાંય પુરુષને લાગણીવિહીન દર્શાવવામાં આવે છે અને ફક્ત શારીરિક જરૂરીયાત પૂરતો સંબંધ બાંધનાર કહેવામાં આવે છે. દર્શના અને ભરત બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં અને કેટલાક સમયથી લીવ ઇન રીલેશનશિપમાં રહેતાં હતાં. બંને એકબીજા સાથે શારીરિક અને માનસિક રીતે ખુશ હતાં. સંબંધની શરૂઆતમાં તો બંને એકબીજાથી ખૂબ ખુશ હતાં પણ ધીમે ધીમે ભરતને દર્શના સાથે સંબંધ બાંધ્યા બાદ ખુશી મળતી નહોતી. સંબંધ બાંધ્યા પછી તેને લાગતું હતું કે તેને કંટાળો આવી રહ્યો છે અને નિરસતા અનુભવી રહ્યો છે. ધીમે ધીમે તે દર્શના સાથેના વ્યવહારમાં ચિડાઇ જવા લાગ્યો. તેને દર્શના પર કારણ વિના ગુસ્સો આવતો અને ક્યારેક તે પોતાનાં કાર્યને લઇને પણ કંટાળો અનુભવવા લાગ્યો. દર્શના આ બધી વાત અને વ્યવહાર નોટિસ કરી રહી હતી. તેણે ભરત સાથે કોઇ ચર્ચા કરવાના બદલે કે તેને હવે તેનામાં રસ નથી કે ગમે તેમ કહેવાના બદલે શા માટે તેનું વર્તન બદલાયું છે, તે જાણવાનો પ્રયત્ન કર્યો. દર્શનાએ તેની એક સ્ત્રી મિત્ર અને મનોચિકિત્સક સાથે વાત કરી. ભરતની તકલીફ જણાવી. દર્શનાની ડોક્ટર મિત્રએ તેને જણાવ્યું કે, દરેક પુરુષ એકસરખો હોતો નથી. કેટલાકને સંબંધ બાંધ્યા પછી મૂડ ઓફ થયાનો અનુભવ પણ થતો હોય છે. આ તકલીફ મોટાભાગે મહિલાઓમાં વધારે જોવા મળે છે કારણકે ચરમસુખનો આનંદ પ્રાપ્ત ન થાય, યોનીમાર્ગમાં પીડા થાય, હોર્મોન્સમાં થતો ફેરફાર કે મનથી ઇચ્છા ન હોવાના કારણે સેક્સ પછી મૂડ ઓફ થઇ જવો તે સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે પણ આ જ લક્ષણો પુરુષોમાં પણ જોવા મળે છે. આ બદલાવ ક્યારેક જ નોટિસ કરવામાં આવતો હોય છે. પુરુષો પણ પોતાના સેક્સ સંબંધમાં સ્ત્રીઓની જેવા હોય શકે છે. આ પ્રકારના પુરુષો પોસ્ટ કોઇટલ ડિસ્ફોરીયા (પીસીડી) નામની બીમારીનો શિકાર થયેલા હોય છે. જેના કારણે તેમને સ્ત્રી મિત્ર સાથે ઇન્ટિમેટ થયા બાદ તેમના વ્યવહારમાં નિરસતા, કંટાળો, ગુસ્સો, ચિંતા અને વાતવાતમાં ચિડાઇ જવું જેવા લક્ષણો જોવા મળે છે. આ બીમારી સૌથી વધારે સ્ત્રીઓમાં જોવા મળે છે પણ તેનો શિકાર પુરુષો પણ બનતા હોય છે. પીસીડીની બીમારીનો ભોગ બનેલા પુરુષોમાં સેક્સ કર્યા બાદ અનેક લક્ષણો ઊભા થવા સ્વાભાવિક બાબત છે. દરેક પુરુષો સાથે આવું થતું નથી. દરેકમાં અલગ પ્રકારના લક્ષણો હોય છે. કેટલાકને ગુસ્સો આવે છે, કેટલાક ચિડાઇ જાય છે, તો ગમે તેમ બોલે છે. કેટલાક ઉદાસ થઇને પોતાની પાર્ટનરથી દૂર થઇ પીઠ ફેરવીને સૂઇ જાય છે. કેટલાક ચિંતામાં સ્મોકિંગ અથવા ડ્રિંક કરવા લાગે છે. આવી અનેક બાબતો આ બીમારીમાં જોવા મળે છે. જેને સેક્સ બાદ ખરેખરા અર્થમાં સુખ પ્રાપ્ત થયું હોય અને આનંદ પ્રાપ્ત થયો હોય તે પુરુષ પોતાની પાર્ટનરને વળગીને સૂવે છે અથવા પ્રેમ અને શારીરિક ચેષ્ટાઓ ચાલુ રાખે છે. જે પુરુષો આ બીમારીનો શિકાર હોય તેમની સાથે આવું થવાનું કારણ એ છે કે જ્યારે તેઓ સંભોગ ક્રિયા કરી રહ્યા હોય ત્યારે તેમનાં શરીરમાંથી નિકળતા ફીલ-ગુડ હોર્મોન્સનું સ્તર ચરમસુખ સુધી પહોંચતા સુધીમાં ડાઉન થઇ જાય છે. જેના કારણે આ તકલીફો ઊભી થાય છે. ક્યારેક નાનપણમાં કોઇ બાબતને લઇને થતી સતત રોકટોક પણ લાંબા ગાળે શારીરિક અને માનસિક રીતે અસર કરતી હોય છે. તેથી જો તકલીફ વધારે પ્રમાણમાં જોવા મળે તો મનોચિકિત્સકની સાથે સેક્સોલોજિસ્ટનો પણ સંપર્ક કરવો જરૂરી છે. દર્શનાએ તમામ વાતો જાણી અને આ બીમારી તેમજ તકલીફનું સમાધાન શું હોઇ શકે તે પણ પૂછ્યું, તો તેના જવાબમાં મનોચિકિત્સકે જણાવ્યું કે, આ કોઇ શારીરિક બીમારી નથી. તે માનસિકતા સાથે જોડાયેલી છે. તેને દૂર કરવા દિવસ દરમિયાન જ્યારે પણ કામમાંથી ફ્રી થાઓ ત્યારે મનગમતી પ્રવૃત્તિ કરવી જોઇએ. યોગ અને પ્રાણાયામ કરવા જોઇએ. પાર્ટનર સાથે હરવા ફરવા અને વધારે સમય પસાર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. મનથી પ્રફુલ્લિત રહી શકાય તેવા સતત પ્રયત્નો કરવા જોઇએ. શરીરની સમસ્યા લાગણીઓને સીધી અસર કરતી હોય છે. તેથી તેને સાચવી લેવું વધારે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...