પહેલું સુખ તે:જ્યારે સ્ટ્રેસ વ્યક્તિને બનાવી દે છે અકરાંતિયું

સપના વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે કામથી, પરિવારના પ્રશ્નોથી અથવા તો સામાજિક જવાબદારીઓથી સ્ટ્રેસ અનુભવતા હો ત્યારે ફેવરિટ‌ ફૂડમાં રાહતનો સધિયારો શોધો છો? જો તમે આવું કરતા હો તો આવી વર્તણૂક કરનાર તમે એકલા નથી! ઇમોશનલ ઇટર્સ માટે સ્ટ્રેસ સૌથી સામાન્ય ટ્રિગર છે. રોજબરોજનાં જીવનમાં એવા અનેક પ્રસંગો ઊભા થાય છે જેના કારણે સ્ટ્રેસ તેમજ એગ્ઝાયટી જેવી લાગણીઓ અનુભવાય છે અને પરિણામે ક્રમશ: વ્યક્તિ ઓવરઇટિંગ કરવા તરફ દોરાય છે. સ્ટ્રેસ ઊભા કરતાં કેટલાંક પરિબળો વ્યક્તિત્વની અંદરથી આવે છે જેમકે તમે પર્ફેક્ટ બનવા માટે જાત પર વધારે પડતું દબાણ કરો છો ત્યારે અથવા તો કોઇ સમસ્યાનો સામનો કરતી વખતે એંગ્ઝાયટી થાય છે ત્યારે સ્ટ્રેસની લાગણી અનુભવાય છે. કેટલીક વખત રોજબરોજનાં જીવનની કેટલીક પરિસ્થિતિઓને કારણે તણાવભરી સ્થિતિ ઉભી થાય છે. જોબની ડિમાન્ડ, મેડિકલ સમસ્યાઓ, પારિવારિક જવાબદારીઓ અથવા તો મિત્રો તરફથી કરાતું સોશિયલ પ્રેશર…રોજબરોજનાં જીવનનાં આવાં અનેક પરિબળો જીવનમાં સ્ટ્રેસ લાવે છે. સ્ટ્રેસનો અનુભવ કરાવતાં આવાં આંતરિક અને બાહ્ય પરિબળોમાંથી કેટલાંક પરિબળો પર કાબૂ મેળવવો શક્ય છે અને કેટલાક પર કાબૂ મેળવવો શક્ય નથી હોતો. જીવનમાં હકારાત્મક અને નકારાત્મક બંને ઘટનાઓ સ્ટ્રેસની લાગણીનો અનુભવ કરાવે છે. નવું ઘર ખરીદવું, લગ્ન થવાં અથવા તો જીવનમાં બાળકનું આગમન થવું… આવી તમામ ઘટનાઓ જીવનમાં આનંદ લાવે છે પણ એના કારણે સ્ટ્રેસની લાગણી પણ અનુભવાય છે કારણ કે આ ઘટનાઓ સાથે પરિવર્તન સંકળાયેલું છે અને પરિવર્તન જીવનમાં નવો વળાંક લાવે છે જેની સાથે ક્યારેક એંગ્ઝાયટી જેવી લાગણી અનુભવાય છે. આ કારણે જ જીવનની હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની ઘટનાઓ વ્યક્તિને ઇમોશનલ ઓવરઇટિંગ તરફ ધકેલી શકે છે. વ્યક્તિ જ્યારે સ્ટ્રેસ અનુભવે છે ત્યારે કેવા પ્રકારનું ફૂડ ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે? આ સમયે વ્યક્તિ સામાન્ય રીતે એવું ફૂડ ખાવાનું પસંદ કરે છે જે તેમને બાળપણનાં ચિંતામુક્ત જીવનની યાદ અપાવે અને જે મોટાભાગે શુગર અને ફેટથી ભરપૂર હોય. ઇમોશનલ ઇટર વ્યક્તિ જ્યારે ટેન્શનવાળી પરિસ્થિતિનો અનુભવ કરે ત્યારે શુગર અને ફેટથી ભરપૂર આહારનું સેવન કરવાનું પસંદ કરતી હોય છે. સાયકોલોજિકલ સ્ટ્રેસ અને ‘રિવોર્ડ ઇટિંગ’ એવાં બે પરિબળો છે જેના કારણે વ્યક્તિનો આહારનાં પ્રકાર અને પ્રમાણ પર કાબૂ રહેતો નથી અને આના કારણે જ અનેક વ્યક્તિઓ વજન ઘટાડી શકતી નથી. કેટલીક વખત વ્યક્તિ સાચી ભૂખને સંતોષવા અને ટકી રહેવા માટે ભોજન કરતી હોય. આ સમયે એ પોતાની શારીરિક ક્ષુધાને સંતોષતી હોય છે. આ સિવાય કેટલીક વખત વ્યક્તિઓ ખાસ પ્રકારનું ભોજન કરવાની પોતાની ઇચ્છાને સંતોષતી હોય છે કારણ કે એને એમ લાગતું હોય છે કે આ ખાસ પ્રકારનું ફૂડ ખાવાથી તેમને રાહત મળશે. આ સાયકોલોજિલ અથવા તો ઇમોશનલ જરૂરિયાતનો સાચી ભૂખ સાથે કોઇ સંબંધ હોતો નથી. હકીકતમાં સ્ટ્રેસ અથવા તો ઇમોશનલ લાગણીને પ્રતિભાવ આપવા માટે ‘ઇમોશનલ ભૂખ’ની લાગણીનો અહેસાસ થતો હોય છે. જ્યારે વ્યક્તિ ભારે સ્ટ્રેસ અનુભવતી હોય છે ત્યારે એને ભૂખ લાગે છે એની પાછળ બાયોલોજિકલ કારણ પણ જવાબદાર છે. હકીકતમાં વ્યક્તિ જ્યારે સ્ટ્રેસની અનુભૂતિ કરતી હોય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોન રક્તમાં ભળે છે અને એના કારણે ભૂખ લાગી હોય એવો અહેસાસ થાય છે. કઇ રીતે જાણી શકાય કે ભૂખ સ્ટ્રેસના કારણે લાગી છે? જો… ભૂખ ન લાગી હોય તો પણ કંઇ ખાવાનું મન થાય જ્યારે ખુશ હો ત્યારે વધારે ભોજન કરી લો સાંત્વના જોઇતી હોય ત્યારે ફેવરિટ ફૂડ ખાવાનું મન થાય સ્ટ્રેસ લેવલ વધારે હોય ત્યારે પ્રયાસ પછી પણ ભોજનથી દૂર ન રહી શકો જો તમને પ્રસંગોપાત જ આવી ‘ઇમોશનલ ભૂખ’ લાગતી હોય તો એ બહુ ચિંતાનો વિષય નથી પણ જો તમે ફેવરિટ ભોજનમાં સધિયારો શોધતા હો તો એ આદત સ્વાસ્થ્ય માટે ચિંતાનું કારણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...