તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:પ્રેમ તૂટે એટલે તમે ચરિત્ર્હીન થઇ ગયા?

એષા દાદાવાળાmad3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી
  • પ્રેમમાં પડેલી સ્ત્રી બદચલન હોય શકે તો પ્રેમમાં પડેલા પુરુષને શું કહેવાય? પુરુષ પ્રેમમાં પડે તો એનો શોખ અને સ્ત્રી પ્રેમમાં પડે તો એનું ચરિત્ર ખરાબ?

बात निकलेगी तो फिर दूर तलक जायेगी लोग बेवजह उदासी का सबब पूछेंगे ये भी पूछेंगे के तुम इतनी परेशां क्यूं हो એક સંબંધ તૂટે છે અને પ્રેમી તેની પ્રેમિકાને કહે છે કે આપણા પ્રેમ વિશે ચૂપ રહેજે, દુનિયા તારા સુકાયેલા વાળ તરફ આંગળીઓ ચીંધશે, ચીંધાઇ રહેલી આંગળીઓ વીતી ગયેલાં વર્ષોને ફરી ફરીને સામે લઇ આવશે. લોકો બહુ જાલિમ છે. નાની નાની વાતોમાં તને ટોણાં મારશે. દરેક વાતમાં વચ્ચે મારું નામ લઇ આવવાની કોશિશો પણ કરશે પણ આંસુ લાવ્યાં વિના તું મક્કમ રહેજે, એમની સાથે કોઇ દલીલો કે સવાલો કરતી નહીં અને મારા વિશે તો વાત જ ના કરતી કારણ કે બાત નિકલેગી તો દૂર તલક જાયેગી… જેમનાં જેમનાં બ્રેકઅપ થયા હશે એમાંથી મોટાભાગનાં સૌએ જગજીત સિંહનાં અવાજમાં કફીલ આઝરની આ નઝમ સાંભળી જ હશે અને સાંભળ્યાં પછી રડ્યા પણ હશે. આ નઝમ સાંભળ્યાં પછી મને હંમેશાં એક સવાલ થયો છે કે સંબંધ તૂટે પછી આંગળીઓ સ્ત્રીના સુકાયેલા વાળ તરફ જ કેમ ઊઠે છે? પુરુષની વધી ગયેલી દાઢી કે ચોળાયેલાં અને અસ્ત્રી વિનાનાં શર્ટ તરફ કેમ નથી ઊઠતી? રડી ના શકેલી પુરુષની આંખો એ ખૂબ રડી ચૂકેલી સ્ત્રીની આંખો કરતાં વધુ નથી બોલતી હોતી? અને છતાં સવાલોનો ડર સ્ત્રીને કેમ બતાવવામાં આવે છે? બાત નિકલેગી તો દૂર તલક જાયેગી…પણ પ્રેમ તૂટી ગયાં પછી ટોણાં-મેણાં-ચરિત્ર પરની શંકાઓ આ બધું સ્ત્રીના હિસ્સે જ કેમ? પ્રેમમાં પડેલી સ્ત્રી બદચલન હોય શકે તો પ્રેમમાં પડેલા પુરુષને શું કહેવાય? પુરુષ પ્રેમમાં પડે તો એનો શોખ ગણાય અને સ્ત્રી પ્રેમમાં પડે તો એનું ચરિત્ર ખરાબ ગણાય? આવું કેમ? સ્ત્રી પાસે પ્રેમ કરવાનો પરવાનો નથી હોતો? સ્ત્રીનો પ્રેમ-પ્રેમ નથી હોતો? (પ્રેમ અને વાસનામાં ફરક છે. પ્રેમ તૂટ્યાં પછી વોટ્સએપનાં સ્ક્રીન શોટ્સ કે પૈસાથી બ્રેકઅપનો સોદો કરી લેનારી સ્ત્રીઓની અહીં વાત નથી.) આપણે ત્યાં મોટાભાગનાં બધાને ‘બાતને દૂર તલક’ લઇ જવાની આદત છે. પ્રેમમાં પડેલી સ્ત્રીનાં ચરિત્રનું ડિસેક્શન કોઇ પણ લલ્લુ-પંજુ કરી જઇ શકે છે. દીવારમાં અમિતાભ બચ્ચનનાં હાથ પર ‘મેરા બાપ ચોર હૈ’ લખી દેવાયું હતું એવી જ રીતે સ્ત્રીનાં હાથ પર ‘બદચલન’ લખવાનું જ બાકી રાખવામાં આવે છે પણ મારો સવાલ એ છે કે પ્રેમમાં પડેલી સ્ત્રી બદચલન કેવી રીતે થઇ જાય? પ્રેમમાં પડેલી સ્ત્રી પ્રેમી સાથે શારીરિક સંબંધથી જોડાય તો એનું ચરિત્ર બળીને રાખ થઇ જાય? બદચલન સ્ત્રી કેવી હોય? પહેલો સંબંધ તૂટી ગયા પછી બીજા સંબંધમાં અને બીજો સંબંધ તૂટી ગયા પછી ત્રીજા સંબંધમાં દાખલ થતી સ્ત્રીને તમને બદચલન કહેશો? કોઇ પુરુષ બેવફા થઇ ગયો એટલે સ્ત્રી બદચલન થઇ ગઇ? કોઇ પુરુષને એનાં કરતાં વધારે સારી સ્ત્રી મળી ગઇ એટલે એણે ‘જિક્ર’ નહીં કરવાનો? ચૂપ રહેવાનું? ધારો કે આવી સ્ત્રીઓ બદચલન છે...તો શું થાય? એ સ્ત્રીને બાળક ન થાય? બાળક થાય તો એને ધાવણ ન આવે? એની રોટલી ચોરસ વણાવા માંડે? એનું ઘરરખ્ખુંપણું જતું રહે? એનું માસિક આવતું બંધ થઇ જાય? એની બુદ્ધિ ખતમ થઇ જાય? એનાં આખા શરીરે કોઇ વરુની જેમ વાળ ઉગી આવે? એક્ઝેટલી, થાય શું? તૂટી ગયેલા પ્રેમવાળી બદચલન સ્ત્રી સાથે જો આવું બધું જ થતું હોય તો પુરુષો પણ એમનાં શુક્રાણુઓ ગુમાવી દે, પુરુષોનો પણ પરસેવો તેજાબ બની એમની જ ચામડીને દઝાડે…એવા પુરુષો પણ ન તો સફળ સી. ઇ. ઓ. થઇ શકે કે ન તો સફળ બિઝનેસમેન ! તૂટી ગયેલો પ્રેમ ન તો સ્ત્રીને બદચલન બનાવે છે અને ન તો પુરુષને. એક સ્ત્રી એક પુરુષનાં પ્રેમમાં હોય એ જ સમયે એ બીજા પુરુષને પણ ડેટ કરતી હોય તો એને વિશ્વાસઘાત કહેવાય. કમિટમેન્ટનું ખૂન કરેલું કહેવાય. પુરુષ પણ જો આવું કરે તો એને વિશ્વાસઘાત જ કહેવાય અને આવા વિશ્વાસઘાતને માફી ન જ હોઇ શકે પણ પ્રેમ એ બે વ્યક્તિનો અંગત નિર્ણય છે... પછી એ લગ્ન સુધી લઇ જનારો પ્રેમ હોય કે લગ્ન વચ્ચે રાહત આપતો પ્રેમ હોય. તમે અઢારનાં હો, આડત્રીસનાં હો કે અડતાળીસનાં હો...પ્રેમ તમને સાતમા આસમાને લઇ જઇ શકે છે. એક વ્યક્તિ ગમવા માંડે, એની સાથે બોલવું-ચાલવું-સૂવું-સમય પસાર કરવો ગમવા માંડે. એના દ્વારા કિક મળે, ઊર્જા મળે. બેઉ જણ એકમેકને ઉપર ઊઠવાની તાકાત આપતાં રહે એ પ્રેમ છે. આ પ્રેમ તૂટે ત્યારે સાથે જિવાયેલી પળોની, પ્રેમની ગરિમા સાચવવાની જવાબદારી સ્ત્રી અને પુરુષ બંનેની હોવી જોઇએ. કોઇ એકની નહીં. જો પ્રેમમાં પડતી વખતે તમને સમાજનો કે લોકોનો ડર નથી લાગ્યો તો પ્રેમ તૂટે ત્યારે પણ તમને સમાજનો કે લોકોનો ડર ન જ લાગવો જોઇએ. ડર વચ્ચે પાંગરેલો પ્રેમ સુકાઇને ગંધાઇ ગયેલા ઘાસ જેવો હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રેમ બે પરિપક્વ માણસો વચ્ચે જ સારો લાગે છે. નાદાનો જ્યારે પ્રેમની રમતમાં ઝંપલાવે છે ત્યારે મોટાભાગે ચૂપ રહેવાના સોદા થતા હોય છે. ડર પ્રેમમાં પડતા પહેલાં લાગવો જોઇએ, બાકી એકવાર પ્રેમમાં પડ્યાં તો પડ્યાં! જીવનમાં પ્રેમથી મોટું કમિટમેન્ટ બીજું કોઇ નથી હોતું. બાત નિકલેગી તો દૂર તલક જાયેગી… એક પુરુષની કલમથી લખાયેલી નઝમ છે પણ એક સ્ત્રી કલમે લખાયેલો પ્રેમ કદાચ થોડો વધારે બેબાક હોતો હશે...દીપ્તિ મિશ્રા લખે છે કે... वो नहीं मेरा मगर उस से मोहब्बत है तो है ये अगर रस्मों रिवाजों से बग़ावत है तो है सच को मैं ने सच कहा जब कह दिया तो कह दिया अब ज़माने की नज़र में ये हिमाक़त है तो है कब कहा मैं ने कि वो मिल जाए मुझ को मैं उसे ग़ैर ना हो जाए वो बस इतनी हसरत है तो है! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...