ઘણા સબંધો આજકાલ આપણા સમક્ષ જોવા મળે છે જેમાં એક પાત્ર બીજા પાત્ર ઉપર માનસિક રીતે એટલું હાવી થઇ જતું હોય છે કે એ કિસ્સાની વાત સાંભળીને અરેરાટી થઇ જાય. સમાચાર વાંચીને દયા આવે અને સાથે ગુસ્સો પણ આવે કે સંબંધોમાં એક વ્યક્તિ બધું ભૂલીને એટલો જુલમ સહન કેમ કરતું હશે? સંબંધોમાં કડવાશ પેદા કરતી આ સ્થિતિને ‘ગેસલાઇટિંગ’ કહેવામાં આવે છે. જેમાં પુરુષ સ્ત્રીને શરૂઆતમાં તો પ્રેમનું ઉત્કૃષ્ટ સ્વરૂપ બતાવે છે. સંબંધોની શરૂઆત ખૂબ જ સારા વ્યવહારથી થાય છે. એક ડ્રીમ-લાઈફ હોય તેવી દુનિયામાં તેને ગમતી બધી જ ઈચ્છઓ પૂરી પણ કરવામાં આવે છે. તેની જાણ બહાર તેનું એ પ્રકારનું બ્રેઈનવોશ કરાય છે કે એક જ વ્યક્તિ તેના જીવનમાં મહત્ત્વનો ભાગ ધરાવે છે. બાકી બધા માત્ર નામના છે. જ્યારે તે વ્યક્તિ બાકીની દુનિયાથી સંપર્ક ઓછો કરવા લાગે છે અને પોતાની બધી એનર્જી એક વ્યક્તિને આપવા લાગે છે ત્યારે તેનો મૂળભૂત સ્વભાવ બતાવવાનું ચાલુ કરી દે છે. ક્યાંક એવી સાયકોલોજીનો જન્મ અપાય છે કે જો કોઈ ભૂલ થાય તો તેના માટે તું જ જવાબદાર છે. તારે હંમેશાં બેકફૂટ ઉપર રહેવાનું છે અને હું તને છોડી દઈશ તો કોઈ નથી જે તારી મદદ કે કેર કરશે. આ પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે નાની-મોટી ભૂલો માટે વ્યક્તિ પોતે જ ગિલ્ટ અનુભવવા લાગે છે, જેથી તે હંમેશાં પોતાની ભૂલ જે ભૂલ ગણી જ ન શકાય તેને સુધારવાનો હંમેશાં પ્રયત્ન કરવા લાગે છે. ગેસલાઇટિંગનો ભોગ બનેલી વ્યક્તિ પોતાના સ્વાભિમાન અને વ્યક્તિત્વથી એટલી દૂર થઇ જાય છે કે સામનો કરવાની કોઈ શક્તિ તેનામાં રહેતી નથી. તેના ઉપર કરવામાં આવેલા દર્દનાક જુલમોને તે પોતાની લાઇફનો ભાગ માનવા લાગે છે અને આ ભાગ જ એક ભોગ છે જેના થકી તે રિલેશનને ચાલુ રાખવા કંઈ પણ સહન કરતી રહે છે. ગેસલાઇટિંગ કરનાર વ્યક્તિ પણ નાર્સિસ્ટિક સ્વભાવવાળી હોય છે. જ્યારે તેને લાગે કે હવે મારો વિરોધ થશે, તો પ્રેમભર્યું વર્તન કરવા લાગે છે. જેના લીધે સામેવાળું પાત્ર ફરી તેની વાતોમાં આવી જાય. તે બીજાને દુઃખ આપીને તેમાંથી વિકૃત આનંદ લઈને પોતાને બીજાથી વધુ શક્તિશાળી માને છે. જે વ્યક્તિ આવા સંબંધોમાં સપડાય છે, ત્યારે અંગત વ્યક્તિ સાથે પેટછૂટી વાત કરવામાં આવે, તો તેને બહાર નીકળવામાં ઘણી મદદ મળી શકે છે. તે જ તેનો એકમાત્ર ઉપાય છે. મૂડ મંત્ર - સંબંધો હંમેશાં બે વ્યક્તિના સહકારથી મજબૂત બને છે. ત્રાજવું એક તરફ ઝૂકતું જાય ત્યારે બીજી બાજુથી બેલેન્સ કરવાના પ્રયત્નો ચાલુ થઇ જવા જોઈએ. drspandanthaker@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.