સેક્સ સેન્સ:ઓર્ગેઝમનો આનંદ ક્યારે અને કઇ રીતે?

એક મહિનો પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

શારીરિક સંબંધમાં સૌથી મોટી મુશ્કેલી અને ન સમજી શકાય તેવી બાબત સ્ત્રીને સંપૂર્ણ સંતોષ મળ્યો છે કે નહીં તે રહેલી છે. પુરુષોને સમાગમ ક્રિયા દરમિયાન જવલ્લેજ ખબર હોય છે કે સ્ત્રીને ચરમસુખ પ્રાપ્ત થયું છે. ઘણીવાર મૂંઝવણમાં રહેતા પુરુષ તેને પૂછી શકતો નથી. તો વળી, કેટલાક પુરુષો પૂછવાનું પસંદ કરતા હોય છે. જો સ્ત્રીને ચરમસુખ એટલે કે ઓર્ગેઝમ પ્રાપ્ત ન થયું હોય તો તેનો આનંદ આપવામાં પુરુષ મદદ કરે છે. જે પુરુષોને પૂછવામાં સંકોચ થતો હોય તે સ્ત્રીની સમાગમ ક્રિયા દરમિયાનની કેટલીક હરકતો પરથી તારણ કાઢી શકે છે અને સમજી શકે છે કે તે ચરમસુખ પ્રાપ્ત કરી ચૂકી છે. કેટલીકવાર સ્ત્રીઓને પોતે પણ તેમણે ચરમસુખ પ્રાપ્ત કર્યું છે કે નહીં તેનો ખ્યાલ આવતો નથી. ઓર્ગેઝમ થાય ત્યારે તેના માટે કોઇ ખાસ ક્રિયા દ્વારા જ તે થઇ શકે તેવું હોતું નથી. ક્યારેક ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક હોય તો ઓર્ગેઝમ પહેલાં કેટલાક સંકેતો મળતા હોય છે અને ક્યારેક ન પણ મળે તેવું બની શકે છે. તેથી સંકેતોની રાહ જોઇ જોઇને ઓર્ગેઝમ થશે તે વિચારીને ક્રિયા કરવી અને કરતા રહેવી તે મૂર્ખતાની નિશાની છે. સેક્સ દરમિયાન ફોરપ્લેમાં આલિંગન, ચુંબન સહિતની ઘણી વસ્તુઓ હોય છે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટૂંકમાં, તે ઉત્તેજનાનો મહત્ત્વનો તબક્કો છે. આ પછી તમે સેક્સમાં રસ લઈને જેટલું આગળ વધો છો, તેટલી જ તમારી ઉત્તેજના ચરમસીમાએ પહોંચવા લાગે છે. એક તબક્કો એવો આવે છે જ્યારે ઉત્તેજના તેની ચરમસીમા પર હોય છે અને તે સમયે ખૂબ જ સારી લાગણી શરીરમાં ઉત્પન્ન થતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ લાગણીને ઓર્ગેઝમ કહેવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ ઓર્ગેઝમનો અનુભવ અલગ રીતે કરે છે. તેને કેવી રીતે ઓળખવું તે અત્યંત જરૂરી છે. ઓર્ગેઝમનો અનુભવ તમારા તન-મનને અલગ જ અનુભૂતિ કરાવે છે. પુરુષોમાં ઓર્ગેઝમ ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. જ્યારે પુરુષોની ઉત્તેજના ચરમસીમા પર હોય છે, તે સમયે શિશ્નમાંથી ચીકણો સફેદ રંગનો પદાર્થ બહાર આવે છે. તેને વીર્ય અથવા સીમેન કહે છે. ક્યારેક તે વધુ પ્રમાણમાં બહાર નીકળે છે તો ક્યારેક ઓછો નીકળે છે. આ સ્ખલનને પુરુષોના ઓર્ગેઝમ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ તે પોતાને ખૂબ જ રીલેક્સ થયેલો અનુભવે છે. તેનું શરીર અને મન શાંત અને હળવુંફૂલ થઇ જાય છે. જો કે સ્ત્રીઓમાં પણ આવું જ થાય છે પરંતુ સ્ખલન કે ડિસ્ચાર્જ બહુ ઓછું થાય છે. તેના બદલે સ્ત્રીઓ વધુ ઉત્તેજના અને યોનીમાં ભીનાશ અનુભવે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સ્ત્રી અને પુરુષના ઓર્ગેઝમની બંનેની સરખામણી કરવી ખૂબ મુશ્કેલ છે. તેમાં સમજવું અગત્યનું છે કે પુરુષોનું શરીર સ્ત્રીઓ કરતાં ઘણું અલગ છે અને દરેક વ્યક્તિ સેક્સનો અનુભવ અલગ રીતે કરે છે! ત્યાં કોઈ નિયમ હોતો નથી! સાચું ઓર્ગેઝમ તો એ છે જે તમને સેક્સ દરમિયાન મળે છે. તેનો અહેસાસ ખૂબ જ રોમાંચક, આનંદદાયક અને થ્રિલથી ભરપૂર હોય છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ઓર્ગેઝમની લાગણીનું વર્ણન કરે છે. આ લાગણી દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. સેક્સ દરમિયાન દર વખતે ઓર્ગેઝમની લાગણી પણ અલગ અલગ હોઈ શકે છે. ઓર્ગેઝમનો અનુભવ થયો કે ન થયો તે વિશે વધારે ચિંતા ન કરો. ચરમસુખ સમાગમનું અંતિમ ચરણ છે પણ તે પાર ન કરવાથી સમાગમનું સુખ પ્રાપ્ત નથી થયું તેવું માનવું નહીં. ઓર્ગેઝમ થવું જરૂરી જ છે તે વિચાર સાથે સમાગમ ન કરો. માત્ર તે સમયની ક્રિયાને માણો અને તે ક્ષણ જીવો. ભરપૂર પ્રેમ અને લાગણી સાથે એકબીજાના શરીરને સ્પર્શ કરીને સેક્સ માણો. સેક્સ કરતી વખતે પરિણામ વિશે વિચારશો નહીં. પુરુષોએ પોતાના પાર્ટનરને સમાગમ ક્રિયા બાદ પૂછવું જોઈએ કે ‘તેને કેટલું સારું લાગ્યું'. એવું ક્યારેય સીધું ન પૂછવું કે 'તમને ઓર્ગેઝમ થયું કે નહીં?' પાર્ટનરનું શરીર કેવું પ્રતિભાવ આપી રહ્યું છે અને તે કેવું અનુભવી રહ્યું છે તેના શરીરના સંકેતો પર થોડું ધ્યાન આપો. તમને અથવા તેને શું ગમે છે અને શું નથી તે જાણવા માટે એકબીજા સાથે વાત કરવાનો પ્રયાસ કરો. આનાથી બંનેને સાથે ઓર્ગેઝમનો અનુભવ થાય તેવું પણ બની શકે છે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...