વુમનોલોજી:નવા વર્ષે જૂનું શું કાઢશો?

મેઘા જોશી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનોવિજ્ઞાનમાં અર્ધજાગૃત મન મહત્ત્વનું પરિબળ રહ્યું છે. રાત્રે જોયેલાં સપનાં અને અચાનક કરેલાં વર્તન માટે અર્ધજાગૃત મનને જવાબદાર ગણીએ છીએ

નવું વર્ષ 2022 શરૂ થયું એમાં કોઈ નવો અનુભવ થયો? હા, આમ તો કેલેન્ડરનાં પાનાં સાથે રાતોરાત જીવનમાં કશું બદલાતું નથી, પરંતુ નવાં વર્ષમાં દાખલ થતી વેળા આપણે જૂનું કેટલું સાથે લઈને જઈએ છીએ એ હિસાબ જોવો જરૂરી છે. નવાં વર્ષનાં આગમન સમયે નવા અનુભવ, નવું કામ, નવા પડકારો, નવી સફળતા, નવાં સપનાંની જગ્યા કરવા માટે જૂની નિષ્ફ્ળતાઓ, જૂના વસવસા, જૂની અધૂરપ, જૂના પસ્તાવા બાજુ ઉપર મૂકવા પડશે. જેના કદ, આકાર કે લંબાઈ વિશે કશો જ ખ્યાલ નથી તે મનને આપણે અસંખ્ય અનુભવોથી ભરી રાખીએ છીએ. મનની મુખ્ય ત્રણ કક્ષાઓ - અજાગૃત મન, અર્ધજાગૃત મન અને જાગૃત મન છે જેમાં આપણા રોજિંદા જીવનના બધા જ વ્યહવાર જાગૃત મન કરે છે તે સાથે એનું નિયમન અર્ધજાગૃત મન પણ કરે છે. અહીં અર્ધજાગૃત મન એટલે આપણું રિસાયકલ બિન... જેમાં બધું જ એકઠું થાય છે. મનોવિજ્ઞાનના અભ્યાસમાં અર્ધજાગૃત મન કાયમ રસપ્રદ અને મહત્ત્વનું પરિબળ રહ્યું છે. રાત્રે જોયેલાં સપનાં અને દિવસે સાવ અચાનક કરેલાં વર્તન માટે પણ અર્ધજાગૃત મનને જવાબદાર ગણીએ છીએ. મનને ખાલી કરવું એટલે કોઈ પણ પ્રકારની અણગમતી ઘટનાઓ, દુઃખદ અથવા નકારાત્મક લાગણીઓને બોલીને...ગાઈને...રડીને...બૂમ બરાડા પાડીને એની તીવ્રતા ઓછી કરી દેવી. નકારાત્મક વિચારો અને અનુભવો જીવનભર તે સાથે ના ચાલે અને નવા અનુભવને તક મળે તે જરૂરી છે. બાકી વ્યક્તિ નવા દિવસ માટે જાતને તૈયાર જ ના કરી શકે. આપણે સામાન્ય રીતે વર્ષોવર્ષ કયા વિચારો, કેવા અનુભવો અને કયા પ્રકારની લાગણી સાથે રાખીને ફરીએ છીએ? સારા કે નરસા...જે અનુભવ અથવા સંવેદનાની તીવ્રતા સૌથી વધુ હોય, જે જીવનમાં અને શરીરમાં પણ પરિવર્તન માટે જવાબદાર હોય, જે મગજની ઇલેક્ટ્રિક સર્કિટ અને કેમિકલની ઉથલપાથલ કરી શકે તેમ હોય એ વધુ સાથે રહે છે. આપણા હાથમાં શું છે? યાદ રાખવાનું અને ભૂલી જવાનું બંને જો શરીરના હાથમાં જ હોય તો આપણે શું કરી શકીએ? આપણે જરૂર પડે ત્યારે એને અવગણી શકીએ. આપણે ધારીએ તો જૂના અનુભવો અને ખાસ કરીને જે ઘટનાઓ માત્ર દુઃખનો જ હિસાબ આપે છે તેને લાગણીથી જોવાને બદલે બુદ્ધિથી જોતા શીખીએ. આપણે સાવ નાની-નાની બાબતમાં આપણી સાથે જોડાયેલ વ્યક્તિથી ખિન્ન થઇ જઈએ, એના વાંક-ગુનાનું લિસ્ટ તૈયાર કરીએ, આપણા કોઈ અપમાન માટે એને દોષિત ઠેરવીએ અને પછી જીવનભર એ બધા જ વિચારોને સાથે રાખીએ છીએ. સંભળાવી દેવું, પાછું આપવું, ચોપડાવી દેવું, કોઇ જૂના અપમાનનો બદલો લેવો, ગુસ્સો ઓછો ના થાય તે માટે મનમાં રહેલો ઘા ખોતરતા રહેવું...એ બીજા કરતા આપણી જાત માટે સૌથી વધુ ભયજનક છે. વૈજ્ઞાનિક રીતે કોઈ પણ ઈમોશનની ઉંમર ઓછી હોય છે. ગંભીર બીમારી, સ્વજનનું મૃત્યુ, અંગત વ્યક્તિ સાથે સંબંધ વિચ્છેદ જેવી દુઃખદ લાગણીઓ કે સહેજ પણ સ્વીકૃત ના હોય તેવા વર્તન સાથે આવેલો ગુસ્સો જે તે સમયે એટલો તીવ્ર હોય કે ક્યારેક સહનશક્તિથી બહાર લાગે. ક્યારેક એમ થાય કે આમાંથી ક્યારેય બહાર જ ના નીકળી શકાય, પણ આમ છતાં સમય પસાર થાય તેમ આંસુ સુકાતા જાય અને ગુસ્સો શાંત થતો જાય છે. એ જ રીતે કોઈ અનપેક્ષિત સફળતા કે સ્વજન સાથેનું મિલન જે ખુશી આપે તે હરખનો માહોલ મનમાં ચોવીસે કલાક એકધારો નથી રહી શકતો. ગુસ્સો, દુઃખ, અપમાન, આઘાત, પસ્તાવા, વસવસા આ બધું જ બધાનાં જીવનમાં આવતું જ હોય છે. વાસ્તવિકતા એ છે કે એને સતત સાથે રાખવાથી ના આપણું પેટ ભરાય છે કે ના જીવવા માટેનો ઓક્સિજન કે અર્થ મળે છે. પશ્ચિમના દેશોમાં ‘મૂવ ઓન’ શબ્દ અને વલણ બહુ પ્રખ્યાત છે. આ મૂવ ઓન થવું એટલે જે સ્વીકૃત નથી એને સહેજ બાજુ ઉપર મૂકીને આગળ ચાલવું. નવા વર્ષમાં એક કદમ આગળ વધવા માટે જૂનું શું છોડશો? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...