વુમનોલોજી:શું પહેરું? મને ફાવે એ કે તમને ગમે એ?

મેઘા જોશીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

"એ વખતે હાથમાં જે રકમ હતી,એ લઈને શોપિંગ કરવા ગયેલી. પોલિયેસ્ટરનું પેન્ટ, શર્ટ અને બ્લેઝર લીધા પછી હાથમાં કંઇ વધ્યું નહોતું. 1978માં યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં સમર જોબ માટે ઇન્ટરવ્યૂ માટે ગઈ ત્યારે કોર્પોરેટ લુક માટે આ બધું પહેર્યું અને હું સતત એમાં ફિટ થવાનો પ્રયત્ન કરતી રહી. ઇન્ટરવ્યુ બહુ સરસ ગયો પણ હું જેન મેરીસન સામે રીતસર રડી પડી ત્યારે મને પૂછવામાં આવ્યું કે તું જો ભારતમાં હોત તો શું પહેરવાનું પસંદ કરત? ત્યારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મેં કહ્યું કે...સાડી. એ વખતે મને સામે જવાબ મળ્યો કે હવે જયારે મીટિંગ કે ઇન્ટરવ્યૂમાં જાય તો સાડી અથવા જેમાં કમ્ફર્ટેબલ હોય તે પહેરજે. ‘ પેન્ટ પહેરું તો ફાવે નહિ અને સાડી પહેરું તો દેશી મણીબેન લાગીશ?’ આ અને આવી મૂંઝવણ માત્ર મારી અને તમારી નથી, પરંતુ વિશ્વ જેને સફળ સ્ત્રી તરીકે ઓળખે છે તેવાં ઇન્દ્રા નુઈની પણ છે. અમેરિકાની પ્રસિદ્ધ અને મોટી કંપની પેપ્સિકોના ભૂતપૂર્વ ચેર પર્સન ઇન્દ્રા નુઈની આત્મકથા ‘માય લાઈફ ઈન ફુલ’માં નુઈનાં જીવનના અલગ અલગ અનુભવો રસપ્રદ પણ છે અને સમજવા જેવા પણ છે. ‘જસ્ટ બી યોરસેલ્ફ’, ‘તમે જે છો એ જ રહો’...ઇન્દ્રા નુઈને જેન મોરિસનના આ ત્રણ શબ્દો પાક્કા થઇ ગયાં હતા. ત્યાર પછી ઇન્ટરવ્યૂ હોય કે હાઈ પ્રોફાઈલ મીટિંગ હોય... સાડી ક્યારેય નડી નહીં અને ટ્રાઉઝર, બ્લાઉઝ, જેકેટ ક્યારેય બોજારૂપ ના લાગ્યાં. પ્રસંગ અને પરિસ્થિતિ મુજબ કપડાંની પસંદગી થાય અને સમગ્ર ડ્રેસિંગ પણ એ મુજબનું હોય તે બરાબર છે પરંતુ આપણી મહેનત, ક્ષમતા, કૌશલ્ય અને રસ-રુચિ પર માત્ર પહેરવેશ હાવી થઇ જતો હોય તો વિચારોમાં ક્યાંક કરેક્શનની જરૂર છે એમ માનવું. આભૂષણના શો રૂમ હોય કે મોટી કોર્પોરેટ ઓફિસ હોય, એ યુનિફોર્મ નિયત કરવામાં આવે છે જે કંપનીની પોલિસીને અનુરૂપ હોય છે નહિ કે ભૌગોલિક વિસ્તાર અને આબોહવાને અનુરૂપ. વેસ્ટર્ન ફોર્મલ એક છાપ ઉભી કરે છે. ટાઈટ સ્કર્ટ કે પેન્ટ સાથે શર્ટ અને બ્લેઝર જેવો પહેરવેશ ‘સારો’ લાગે અથવા કાર્યક્ષેત્ર સાથે કદાચ વધુ યોગ્ય દેખાય પણ ખરા પરંતુ કર્મચારી સ્ત્રી માટે અનુકૂળ ના પણ હોઈ શકે. તો એનો વિકલ્પ સાડી છે? પરંતુ સાડીમાં ઓળખ ના બદલાઈ જાય? શું બધી જ મથામણ જોનારની નજર માટે જ છે? પહેરનાર સ્ત્રીના મન અને શરીરને અનુકૂળ છે કે નહિ તે અંગે ભાગ્યે જ વિચાર થાય છે. આપણે ગુજરાતીમાં એક જૂની કહેવત હતી, ‘એક નૂર આદમી અને હજાર નૂર કપડાં’ પરંતુ પોતીકી ઓળખના ભોગે પહેરવેશનું મહત્ત્વ લાંબા ગાળે કંઈ કામ નહીં લાગે. સરોજિની નાયડુ હોય કે સુષ્મા સ્વરાજ વિશે વાત કરવાનું થાય તો કોઈ એમની સાડીની ચર્ચા કરે કે એમના કામની વાત કરે? બ્રાન્ડેડ કપડાં, ફેશન પ્રમાણેની ડિઝાઇન, પ્રસંગ પ્રમાણેના આઉટફિટ કે ગ્રુપમાં બીજા પહેરતાં હોય એવાંં કપડાં પર સામાન્ય રીતે પસંદગીનો કળશ ઢોળાય છે. કપડાંની પસંદગી અંગત બાબત છે પરંતુ માત્ર બીજાની આંખ માટે અને બીજાએ આપેલી ઇમેજ માટે જો કપડાંની પસંદગી કરતા હોય તો વેઇટ...એક વિચાર તમારી ઓળખ અને તમારી વાસ્તવિકતા માટે પણ કરજો. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...