તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:અંડરઆર્મ્સની ટેન ત્વચા નોર્મલ કરવા શું કરવું?

કાવ્યા વ્યાસ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા ગાલ અને કપાળના ભાગ પર ખૂબ જ રુવાંટી છે. આનાથી મારો ચહેરો ખરાબ લાગે છે. આ રુવાંટી દૂર કરવા માટે બ્લીચ ઉપરાંત કોઇ અન્ય ઉપાય હોય તો જણાવશો? એક યુવતી (મહેમદાવાદ) ઉત્તર : બ્લીચ કરવાથી લાંબા સમયે ત્વચા શ્યામ થઇ જવાની સમસ્યા નડે છે. જોકે તમે આ રુવાંટી દૂર કરવા માટે ચણાના લોટમાં થોડું દૂધ ભેળવી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. એને થોડી વાર સુકાવા દો. તે સુકાઇ જવા આવે એટલે તેને હથેળીથી હળવા હાથે ગોળાકાર ઘસતાં ઘસતાં દૂર કરો. તે પછી નવશેકા પાણીથી ચહેરો સારી રીતે ધોઇ લો. આમ કરવાથી તમારા ચહેરાની ત્વચા સારી બનશે અને વધારાની રુવાંટી પણ દૂર થઇ જશે. પ્રશ્ન : મેં થોડા સમય પહેલાં વાળમાં મેંદી લગાવી હતી, પણ તેના લીધે મારા વાળ એકદમ લાલાશ પડતા અને ખરાબ લાગે છે. મારે શું કરવું? એક યુવતી (વડોદરા) ઉત્તર : તમે આંબળા અને ત્રિફળાનો પાઉડર મિક્સ કરી લોખંડના વાસણમાં આખી રાત પલાળી દો. તેને સવારે વાળમાં પાંથીએ પાંથીએ નાખી પછી તે સુકાવા દો. બરાબર સુકાઇ જાય એટલે સાદા પાણીથી સારી રીતે વાળ ધોઇ નાખો અને સુકાવા દો. આ પ્રયોગ દર બે દિવસે કરો. થોડા જ સમયમાં તમારા વાળ કુદરતી રીતે કાળા થઇ જશે અને મેંદીને કારણે જે લાલાશ લાગતી હતી તે પણ નહીં દેખાય. પ્રશ્ન : મારા વાળમાં ખૂબ જ ખોડો થઇ જાય છે. મેં અનેક એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂ વાપરી જોયાં પણ કંઇ ફેર નથી પડતો. ખોડો દૂર કરવા માટે મારે શું કરવું? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમારા માથાની ત્વચા ઓઇલી હોવી જોઇએ. આના કારણે તમારા વાળમાં ખોડો થઇ જતો હોવો જોઇએ. તમે એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂ વાપરવાની સાથે થોડા થોડા સમયે વાળને ખુલ્લા રાખતાં રહો. બહાર જાવ ત્યારે માથું દુપટ્ટા કે સ્કાર્ફથી ઢાંકી દો જેથી વાળને પ્રદૂષણની અસર ન થાય. ઘરે આવ્યા પછી વાળ થોડી વાર માટે ખુલ્લા રાખો જેથી જો વાળમાં પરસેવો થયો હોત તો સુકાઇ જાય. આ રીતે થોડી કાળજી રાખવાથી ખોડો દૂર થઇ જશે.

પ્રશ્ન : મારા અંડરઆર્મ્સની ત્વચા શ્યામ થઇ ગઇ છે અને હાથની ત્વચા પણ ટેન થઇ ગઇ છે. આના લીધે મારે કોઇ વાર સ્લીવલેસ ડ્રેસ પહેરવા હોય તો પહેરી નથી શકાતા. મારે શું કરવું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : અંડરઆર્મ્સની ટેન થઇ ગયેલી ત્વચાનો રંગ એકસરખો બને તે માટે તમે બટાકાનો રસ લગાવી શકો છો. એ લગાવ્યા પછી સુકાઇ જાય એટલે સાદા પાણીથી ધોઇ નાખો. આ ઉપરાંત, સ્નાન કરતી વખતે ચણાના લોટમાં થોડું દૂધ અને હળદર ભેળવી આ પેસ્ટ હાથ પર ઘસો. આમ કરવાથી પણ તમારી ત્વચાનો રંગ ધીમે ધીમે એકસરખો થઇ જશે. અંડરઆર્મ્સની ત્વચાની કાળાશ દૂર કરવા માટે ત્યાં કાકડીનો રસ અથવા બટાકાનો રસ લગાવો અને તે સુકાઇ જાય એટલે ધોઇ નાખો.

અન્ય સમાચારો પણ છે...