મીઠી મૂંઝવણ:પતિ લગ્નબાહ્ય સંબંધોમાં ન ફસાય એ માટે શું કરું?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મારી હમણાં જ સગાઇ થઇ છે અને હું મારા ફિયાન્સે સાથે ખુશ છું. મારે એ જાણવું છે કે મારે મારા ફિયાન્સેને મારા જૂના પ્રેમી વિશે જણાવવું જોઇએ કે નહીં? મારી બહેનપણી તો કંઇ પણ જણાવવાની ના પાડે છે પણ મને એ યોગ્ય નથી લાગતું. જો મારા ફિયાન્સેને આ વાત નહીં ગમે તો? મારે શું કરવું જોઇએ? એક યુવતી (વલસાડ) ઉત્તર : તમારી મૂંઝવણ સમજી શકાય એવી છે. જોકે મારી સલાહ એ છે કે તમારે તમારા ફિયાન્સેને તમારા એક્સ વિશે માહિતી આપી દેવી જોઇએ જેથી આ મૂંઝવણનો કાયમી ઉકેલ આવી જાય. જો તમે નહીં જણાવો તો આ મૂંઝવણ આખું જીવન તમને સતાવતી રહેશે. સંબંધો હંમેશાંં ભરોસા પર ટકેલા હોય છે. ઘણા લોકો પોતાની ખાસ વાતોને પોતાના પાર્ટનર સાથે શેર કરવા માટે માંગતા નથી અને પછી સમસ્યાઓની શરૂઆત થાય છે. નિષ્ણાતોનું માનવામાં આવે તો સફળ સંબંધોને જાળવવા માટે વાતચીત અને દરેક પ્રકારની સ્પષ્ટતા જરૂરી છે. પાર્ટનરને અંધારામાં રાખીને આગળ ચાલવાથી નુકસાન થઇ શકે છે અને સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે. જો તમે પોતાના એક્સ બોયફ્રેન્ડ અથવા એક્સ ગર્લફ્રેન્ડ અંગે કહેવા માટે ઈચ્છો છો પરંતુ યોગ્ય સમયની રાહ જુઓ છો તો આ વિચાર તમારા મગજમાંથી દૂર કરી નાખો. બની શકે તો જેટલું જલદી પોતાના ભૂતકાળ વિશે જણાવી દો. તમે જેટલું મોડું કરશો, તેટલો જ તમારો ભૂતકાળ તમને હેરાન કરશે. જો તમે તમારા પાર્ટનરને પોતાના એક્સ વિશે જણાવી દીધું છે તો વારંવાર તે વાતનો ઉલ્લેખ કરશો નહિ. ઘણા લોકો ભૂલથી એક્સનો ઉલ્લેખ કરતા રહેતા હોય છે તો ઘણા લોકો જાણી જોઈને પોતાના કરંટ પાર્ટનરને બાળવા માટે એક્સનું નામ લેતા હોય છે. એક્સનો સતત ઉલ્લેખ પોતાના ખાસ સંબંધને ખરાબ કરી શકે છે. પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં ભણતી યુવતી છું. મને અલગ અલગ મિત્રો બનાવવા બહુ ગમે છે. મારી સમસ્યા એ છે કે મારી કોઇ મિત્રતા લાંબો સમય નથી ટકતી. ગમે તેટલી સારી મિત્રતાનો થોડાક મહિનામાં જ અંત આવી જાય છે. આવું વારંવાર થવાથી હું થોડી અપસેટ થઇ ગઈ છું. શું આમાં મારો કોઇ વાંક હશે? કોઇ સંબંધ લાંબો સમય ટકી રહી એ માટે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : કોઇ રિલેશનને બનતા સમય લાગે છે. આ ડેવલપમેન્ટ એ સમયની સાથે તમારી મેમરીના કોઈ ખૂણામાં એક ફિલ્મની જેમ ગોઠવાતો જાય છે. જ્યારે કોઈ લાગણી દુભાય છે ત્યારે આપણે સંબંધને તોડવામાં વિલંબ કરતા નથી. એક ઝાટકે આપણે તે સંબંધથી છેડો ફાડી નાખીએ છીએ, તો ઘણીવાર સંબંધમાં એક જ પક્ષ ઉપર ઘસારો હોય છે. જેને કારણે સંબંધ લાંબો સમય ટકતો નથી. આવા સંબંધ જ્યારે તૂટે છે ત્યારે સમય જતાં ફરી આપણે એ જ ભૂલનું બીજા સંબંધમાં પણ જાણે-અજાણે પુનરાવર્તન કરતા રહીએ છીએ. માનવી દુનિયાના કોઈપણ ખૂણામાં જઈને વસવાટ કરે, પણ તેને રહેવાનું તો માનવી સાથે જ છે. આથી સંબંધ બાંધતા અને તોડતા પહેલાં વિચાર કરો. સંબંધ તોડ્યા પછી તમારે તે વ્યક્તિને જો ફરી મળવાનું થાય છે તો મનમાં એક વાત યાદ રાખો કે તમારે ક્યાં તેની સાથે જીવન પસાર કરવું છે. બસ, નિરાંતે મળી લો અને સ્મિત સાથે છૂટા પડો. જો સંબંધ લાંબો સમય ટકાવવો હોય તો એમાં ટ્રાન્સપરન્સી હોવી જરૂરી છે. તમે જેવા છો તેવા જ રહો. જો સંબંધ જાળવવાના આટલા પાઠ ધ્યાન રાખશો તો એ લાંબો સમય ટકી જશે. પ્રશ્ન : હું 36 વર્ષનો ડિવોર્સી યુવક છું. પત્ની સાથે મનમેળ ન થવાના કારણે લગ્નના બે જ વર્ષમાં મારે ડિવોર્સ લેવા પડ્યા હતા. હવે પરિવારજનો મને ફરી લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. હું આ વખતે બહુ સમજીને નિર્ણય લેવા ઇચ્છું છું. મારે કેવી છોકરી પસંદ કરવી જોઇએ? એક યુવક (સાણંદ) ઉત્તર : પુનર્વિવાહ કરતી વખતે મોટાભાગના યુવકો પોતાના માટે અવિવાહિત અને નાની વયની યુવતીની પસંદગી ઇચ્છે છે, જે ક્યારેક અયોગ્ય અને ખોટી સાબિત થાય છે. ખરેખર નાની વયની અવિવાહિત યુવતીના મનમાં લગ્ન અને ભાવિ પતિ બાબતે ઘણાં બધાં અને ખૂબસૂરત સપનાં વસેલાં હોય છે. જો તેના લગ્ન કોઈ બાળકવાળા વિધૂર કે છૂટાછેડા લીધેલ વ્યક્તિ સાથે થઈ જાય તો તેના બધાં સપનાં પળભરમાં તૂટી જાય છે. અચાનક સામે આવનારી જવાબદારીઓથી તે ગભરાઈ જાય છે. પરિણામ સ્વરૂપે લગ્નજીવન બેહદ તનાવપૂર્ણ બની જાય છે. તમારે પરિપક્વ વિચારસરણીવાળી સમજદાર યુવતીની પસંદગી કરવી જોઈએ.

પ્રશ્ન : હું 30 વર્ષીય પરિણીતા છું. મારા લગ્નને પાંચ વર્ષ થયા છે અને મારું લગ્નજીવન સારી રીતે ચાલી રહ્યું છે. મારી પાડોશમાં રહેતી મારી જ વયની યુવતીના પતિ લગ્નબાહ્ય સંબંધોમાં અટવાયા છે જેના કારણે તેમના લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઇ છે. આ જોઇને હું ડરી ગઇ છું. હું નથી ઇચ્છતી કે મારા જીવનમાં પણ આવી પરિસ્થિતિ ઉભી થાય. મારા લગ્નજીવનમાં આવી સમસ્યા ઉભી ન થાય એ માટે શું ધ્યા રાખવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : લગ્નજીવનમાં પાર્ટનર સાથે છેતરપિંડી કરવી એ હકીકતમાં કોઈપણ માટે એક ન કહી શકાય અને ન સહી શકાય તેવી સ્થિતિ હોય છે. આપણી આસપાસ ઘણા એવા કિસ્સા બને છે જેમાં લોકો પાર્ટનરને દગો દેતા હોય છે. દરેક કિસ્સામાં અફેર માટેના કારણો અલગ અલગ હોય છે. કેટલીક બાબતો એવી છે જેનું ધ્યાન રાખવાથી તમારું લગ્નજીવન અફેરથી બચી જશે અને પતિ કે પત્ની એકબીજાને ચીટ નહીં કરે. દરેક માટે અફેરની વ્યાખ્યા અલગ અલગ હોય છે. માટે તમારા માટે અફેર શું છે તે સાથી સાથે ખુલ્લા મને ચર્ચા કરો. જો તમે કોઈ વાત તમારા પાર્ટનરથી છુપાવો છો તો તે પણ ચીટિંગ છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે શાંત સ્થિતિમાં બેસીને વાત કરો. હંમેશાંં કોઈપણ ઈશ્યુ હોય તો તે અંગે ચર્ચા કરો. તમારા પ્રોબ્લેમને છૂપાવવા કરતા તેના અંગે ચર્ચા કરો. જો તમે એવું વિચારતા હો કે તમારા લગ્નજીવનમાં તો ક્યારેય અફેર થશે જ નહીં તો તમે સૌથી વધુ રિસ્કમાં છો. માટે દરેક બાબતે ખાસ ચર્ચા કરો. જે સંબંધોમાં કોમ્યુનિકેશન ઓછું હોય છે તે જગ્યાએ અફેર થવાના ચાન્સ વધુ છે. જો તમને લાગે કે તમારા પાર્ટનર તમારી સાથે જાણીજોઈને અંતર રાખવા લાગ્યા છે તો તેમની સાથે વાત કરો અને સમસ્યાના મૂળમાં પહોંચો. જો તમારા સંબંધો ખૂબ જ સ્ટ્રોંગ હોય તો આવા સમયે કંઈપણ ખોટું થાય ત્યારે અંદરની લાગણી કોઇ ઇશારો આપી દેશે. તમારી અંદરની લાગણી પર હંમેશાંં વિશ્વાસ કરો અને તેના આધારે આગળ વધો. લગ્નજીવન બચાવવા માટે પતિ અને પત્નીએ સાથે મળીને પ્રયાસ કરવા પડે છે એ વાત સાચી છે પણ જો એક પાર્ટનર અલગ દિશામાં આગળ વધી રહ્યો હોય તો તેને સમજણપૂર્વક સાચી દિશા તરફ વાળવાનું કામ પણ જરૂરી છે. આ રીતે જ ખુશહાલ અને સલામત લગ્નજીવનનો આનંદ માણી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...