મીઠી મૂંઝવણ:દીકરી સાસરામાં લાડકી બને એ માટે શું ધ્યાન રાખવું?

મોહિની મહેતા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા બે મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મારા પતિ થોડા શરમાળ છે. હું તેમની સાથે ઉત્સાહથી કોઇક વાત કરું તો તેમનું ધ્યાન મારી વાતમાં હોતું જ નથી. હું બોલતી હોઉં ત્યારે તેઓ જાણે પોતાની દુનિયામાં જ મસ્ત હોય એમ લાગે છે. આના કારણે મને બહુ ગુસ્સો આવે છે અને તેમની સાથે વાત કરવાનું મન જ નથી થતું. આ સમસ્યા વધારે વણસે નહીં એ માટે મારે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : તમારાં લગ્નને હજી બે મહિના જ થયાં છે અને આટલા સમયમાં ઉતાવળિયો નિર્ણય લેવો ન જોઇએ. હકીકતમાં પુરુષ અને સ્ત્રી બંનેની માનસિકતા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે મહિલાઓ કુદરતી રીતે જ વાતોડિયણ હોય છે. તેઓ જલદી-જલદી પોતાની વાત કહી નાખે છે. એટલી જલદી કે સામેવાળાને પ્રતિક્રિયા દર્શાવવાનો મોકો જ નથી આપતી. જ્યારે તે વાત કરે છે ત્યારે સામેવાળાની તરફ આખી ફરી જાય છે, પોતાની આંખો સામેવાળી વ્યક્તિ તરફ રાખે છે અને પછી બોલવાનું શરૂ કરી દે છે. તે જેટલું જલદી બોલે છે, એટલું જ જલદી ઇચ્છે છે કે સામેવાળો બોલવા લાગે. પુરુષ સમજીને અને ઓછું બોલવામાં વિશ્વાસ રાખે છે. તેઓ ચૂપચાપ સાંભળે છે અને જરૂર પડે તો જ બોલે છે. આટલી ધીરજ સ્ત્રીઓમાં નથી હોતી અને વાત બગડી જાય છે. પુરુષોને ચૂપ રહેવામાં પણ કોઈ તકલીફ નથી હોતી. પુરુષ જો ચૂપ રહે અથવા તો આંખમાં આંખ નાખીને વાતચીત ન કરી શકે તો મહિલાને એમ લાગે છે કે પુરુષને તેની વાત સાંભળવામાં રસ નથી, પણ આ વાત સાચી નથી. તમારી સમસ્યાનું સમાધાન એ છે કે વાત કરતી વખતે ભૂલી જાઓ કે તેઓ આપની તરફ જોઈ રહ્યા નથી કે ધ્યાન આપી રહ્યા નથી. ઘણી બધી વાતોને અસ્પષ્ટ રીતે બતાવવાને બદલે એક એક વાતને સ્પષ્ટપણે સમજાવો. કોઈ પણ પ્રતિક્રિયા માટે ઉતાવળા ન બનો અને તેમને વિચારવાની તક પણ આપો. આટલું કર્યાં પછી પણ તે તમને નજરઅંદાજ કરે તો તમે આ ફરિયાદ તેમને જણાવીને ઉકેલ મેળવવાનો પ્રયાસ કરો. પ્રશ્ન : અમે અમારી 23 વર્ષની પુત્રી માટે એન્જિનિયર છોકરો પસંદ કર્યો છે. હજુ તો માત્ર વાત પાકી કરાઈ છે, સગાઈ કરી નથી. સગાઈની વાત પાકી કરતી વખતે છોકરાવાળાઓએ પોતાને ત્યાંના રિવાજને આગળ કરી ઘણી વાતો ગણાવી છે. એ પરથી અમને લાગે છે કે તે ઘણાં લાલચુ લોકો છે. સગાઈ પર આટલા ખર્ચાની વાત કરે છે ત્યારે લગ્ન પર શું ડિમાન્ડ કરશે તેની ખબર નથી. તેમનાં આ વર્તનથી મારી પુત્રીનું મન ઊતરી ગયું છે અને તે કહે છે કે તેને હવે તે યુવક સાથે સગાઇ નથી કરવી, પરંતુ ફરી વાર આવો યોગ્ય વર ન મળે તો શું કરવું? એક માતા (રાજકોટ) ઉત્તર : લગ્નના સંબંધોને શંકા, ગુસ્સો, નાપસંદગી અને ફરિયાદના પાયા પર ન તોલવા જોઈએ. જોકે લગ્નનો સંબંધ જીવનભરનો સંબંધ છે. લગ્ન પહેલાં જ જ્યારે તમને અહેસાસ થઇ ગયો છે કે છોકરાનો પરિવાર લાલચુ છે ત્યારે તમારી દીકરી આ લગ્ન ન કરવા ઇચ્છે તો એમાં કંઇ ખોટું નથી. લગ્નજીવનમાં પ્રેમ અને લાગણીનો અહેસાસ બહુ મહત્ત્વનો છે. હવે જ્યારે આ લાગણીને બદલે એકબીજા પ્રત્યે અવિશ્વાસ અને શંકાની લાગણી વિકસી રહી છે ત્યારે એમાં આગળ વધવાને બદલે પૂર્ણવિરામ મૂકી દેવું યોગ્ય છે. જ્યારે છોકરો અને પરિવાર લાલચુ હોય તો આ સંબંધમાં આગળ ન વધવું જોઇએ. લગ્નજીવન સારી રીતે ચાલે એ માટે પતિ અને પત્ની વચ્ચે પ્રેમની લાગણી હોય એ જેટલું જરૂરી છે એટલી જ જરૂરી તેમનાં મનમાં એકબીજા માટે માનની લાગણી પણ હોય. પ્રેમની લાગણીનો રંગ સમયની સાથે થોડો ઝાંખો પડી શકે છે માનની લાગણી સાથે જોડાયેલો સંબંધ હંમેશાં પ્રેમમય જ રહે છે. હવે જ્યારે દીકરીનાં મનમાં ભાવિ પતિ માટે માન જ નથી ત્યારે તેને લગ્નનો આગ્રહ ન કરવો જોઇએ. જ્યાં સુધી તમારી દીકરી માટે યોગ્ય વરની શોધનો સવાલ છે ત્યાં સુધી તમારે એ વાત સમજવાની છે કે ઉતાવળ કરીને અયોગ્ય જગ્યાએ પરણાવી દેવા કરતાં થોડી રાહ જોવાનો વિકલ્પ વધારે સારો છે. તમારી દીકરીની વય હજી નાની છે અને તેનો નિર્ણય જાણીને લાગે છે કે તે બહુ સમજદાર પણ છે. આમ, તમારી દીકરીનાં લગ્ન માટે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. એના માટે બીજો યોગ્ય છોકરો મળી જ જશે.

અન્ય સમાચારો પણ છે...