શરીર પૂછે સવાલ:લગ્ન પહેલાં કયા તબીબી ટેસ્ટ કરાવવા હિતાવહ?

વનિતા વોરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી ટૂંક સમયમાં સગાઇ થવાની છે. હું નથી ઇચ્છતો કે લગ્ન પછી કોઇ મોટી તબીબી સમસ્યા સર્જાય. આ કારણોસર હું લગ્ન પહેલાં જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવી લેવા ઇચ્છું છું. મારે કયા ટેસ્ટ કરાવવા જોઇએ? એક યુવક (રાજકોટ) ઉત્તર : તમારી ઇચ્છા અને તકેદારી પ્રસંશનીય છે. લગ્ન પહેલાં કુંડળી મેળવવા કરતા HIV ટેસ્ટ વધુ જરુરી છે. જ્યારે પણ ટેસ્ટ કરાવો ત્યાર બાદ 90 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાવો જેથી સચોટ જાણકારી મળી જાય. લગ્ન પહેલાં વર અને કન્યાએ હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટથી થેલેસીમિયા અને સિકલ સેલ ડિસીઝ જેવી સામાન્ય આનુવંશિક બીમારીઓ વિશે જાણી શકાય છે. આ ગરબડથી શરીરમાં હિમોગ્લોબિનનું યોગ્ય માત્રામાં ઉત્પાદન થતું નથી. તેથી પીડિત વ્યક્તિએ દર મહિને બ્લડ ટ્રાન્સફ્યૂઝન જેવી પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો વર અને કન્યા બંને આ સમસ્યાથી ગ્રસ્ત હોવાનું જાણવા મળે તો તેમણે એકબીજા સાથે લગ્ન કરવાં ન જોઈએ. લગ્ન પહેલાં કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે બંને પાત્રોની પરવાનગી જરૂરી છે. કેટલાક ટેસ્ટમાં માત્ર તમારી જ નહીં પણ બાળકો પેદા કરવાની ક્ષમતા વિશેની માહિતી પણ મળી શકે છે. પુરુષોના સીમેન એનાલિસીસ અને મહિલાઓની ઓવરી અને યુટરસની સોનોગ્રાફી કરાવવી જોઈએ. આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જેમાં બાળકો પેદા કરવા માટેની કોઈ પણ અડચણ હોય તો એ વિશે જાણી શકાય છે. જો શક્ય હોય તો લગ્ન પહેલાં વર અને કન્યાએ પેલ્વિસ અલ્ટ્રાસાઉન્ડનો ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટથી ફાઇબ્રોઇડ્સ, એન્ડોમેટ્રિયોસીસ અને સર્વાઇકલ પોલિપ્સ વિશે જાણી શકાય છે. તેને કારણે ઇન્ટરકોર્સ અને ગર્ભધારણ દરમિયાન સમસ્યા ઊભી થઈ શકે છે. ભાવિ દંપતીએ વીડીઆરએલ (વેનેરિયલ ડિસીઝ) ટેસ્ટ પણ કરાવવો જોઈએ. આ ટેસ્ટથી યૌન રોગ વિશે પણ જાણી શકાય છે. તેનાથી ગ્રસ્ત વ્યક્તિ સાથે યૌન સંબંધ બાંધવાથી આ રોગ ફેલાય છે. આ રોગથી ગ્રસ્ત મહિલાને જન્મતું બાળક શરૂઆતથી જ સિફિલિસનો શિકાર બની શકે છે.સામાન્ય રીતે લગ્ન વખતે કુંડળી કે જન્માક્ષર મેચ કરવામાં આવે છે. હકીકતમાં લગ્નનો નિર્ણય લેતી વખતે કુંડળી મેળવવાનું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી વર અને વધૂની મેડિલ હિસ્ટ્રી મેચ કરવાનું છે. પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મારું દૈનિક શેડ્યુલ બહુ વ્યસ્ત હોય છે અને આ કારણે મને સવારે વર્કઆઉટ કરવાનો સમય નથી મળતો. શું હું સાંજના સમયે વર્કઆઉટ કરી શકું? એક યુવતી (વડોદરા) ઉત્તર : સામાન્ય રીતે સવારનો સમય જ આપણે વર્કઆઉટ માટે આદર્શ સમય માનીએ છીએ, પણ સવારના ટાઈટ શિડયુલમાં વર્કઆઉટ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે, તેથી સાંજે પણ વર્કઆઉટ કરી શકાય. જોકે સાંજે વર્કઆઉટ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સાંજે વર્કઆઉટ કરતા પહેલાં પ્રિ વર્કઆઉટ કરવાનું શરૂ કરો. તેનાથી તમારી બોડી વોર્મઅપ થઈ જશે અને તમારે વધુ એનર્જી નહીં લગાવવી પડે. સાંજે વર્કઆઉટ કરનારે તેનો સમય નિશ્ચિત કરી લેવો જોઈએ. નિયમિત સમયે જ વર્કઆઉટ કરવું જોઈએ. આ રીતે ટાઈમિંગની નિયમિતતા જાળવવાથી બોડીને આદત પડી જાય છે અને વર્કઆઉટનો થાક નથી લાગતો. સાંજે વર્કઆઉટ કરતા પહેલાં કોફીનું સેવન કરવાની આદત પાડો. વર્કઆઉટ કરતા પહેલાં એક કપ કોફી સ્ટેમિનામાં વધારો કરે છે. કોફીની જગ્યાએ ગ્રીન ટી પણ લઈ શકાય. વર્કઆઉટ કરતા પહેલાં અને કરતી વખતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પીવું જોઈએ. તેનાથી બોડીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી અને સ્ટેમિના જળવાઈ રહે છે. સાંજે વર્કઆઉટ કર્યા પછી બે કલાક બાદ ડિનર લેવું જોઈએ. જો વર્કઆઉટ બાદ ભૂખ લાગી હોય તો તરત જ થોડું લાઈટ ફૂડ લઈ શકાય, પણ તરત જ હેવી ફ્રૂડ લેવાનું અવોઈડ કરવું. પ્રશ્ન : હું વર્જિનિટી ગુમાવી ચૂકી છું. જોકે હવે હું લગ્ન પછી નવેસરથી જીવનથી શરૂઆત કરવા ઇચ્છું છું. મેં સાંભળ્યું છે કે વર્જિનિટી ઓપરેશનથી પાછી મેળવી શકાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : વર્જિનિટી મેળવવા માટે હાઇમેનોપ્લાસ્ટી નામની કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. હકીકતમાં આ સર્જરીમાં તૂટેલા હાઇમેન એટલે કે યોનિપટલનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ સર્જરી એટલી જટિલ નથી. જોકે અન્ય કોઇ સર્જરી પછી મેડિકલ સમસ્યા થવાની શક્યતા હોય છે એટલી જ શક્યતા આ સર્જરી પછી છે. આમ, વર્જિનિટી પાછી મેળવવા માટે ઓપરેશન કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. બાળકી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આ હાઇમેન બનવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેનું હાઇમેન અખંડ હોય તે યુવતી વર્જિન હોય છે પણ એનો મતલબ એ નથી કે જે તૂટેલું હાઇમેન જાતીય જીવન માણ્યું હોવાની નિશાની છે. ઘણીવાર વધારે પડતી કસરત કરવાથી, સાયકલ ચલાવવાથી કે પછી બીજી કોઇ પ્રવૃત્તિથી હાઇમેન તૂટી શકે છે. આમ, આ મુદ્દાને વધારે પડતું મહત્ત્વ આપવાની ખાસ જરૂર નથી. પ્રશ્ન : મારા મોટા ભાઈને થોડા સમય પહેલાં હાર્ટમાં સમસ્યા થઇ ગઇ હતી. આ પછી બે-ત્રણ ડોક્ટર્સના અભિપ્રાય લીધા તો કેટલાક ડોક્ટર એન્જિયોપ્લાસ્ટીની સલાહ આપે છે તો કેટલાક બાયપાસ સર્જરીનું સૂચન કરે છે. આ બંને વિકલ્પમાં સૌથી સારો અને સલામત વિકલ્પ ક્યો છે? આ વિકલ્પની પસંદગી કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? એક પુરુષ (સુરત) ઉત્તર : એન્જિયોપ્લાસ્ટી હોય કે બાયપાસ...બન્ને હાર્ટને રક્ષણ આપવાનું કામ કરે છે. જોકે આ ટ્રીટમેટ પછી હૃદયરોગનો હુમલો નહીં આવે એવું ખાતરીપૂર્વક કહી ન શખાય. જ્યારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરીમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે પહેલાં દરદીની કન્ડિશન જોવી પડે છે. મોટા ભાગે જો એક જ નળીમાં એક કે બે બ્લોકેજ હોય તો સર્જરી સુધી જવાની કોઈ ખાસ જરૂર હોતી નથી. આ પરિસ્થિતિમાં એન્જિયોપ્લાસ્ટી જ બરાબર છે. જો બ્લોકેજ એકથી વધુ નળીમાં ફેલાયેલાં હોય તો બાયપાસ કરાવવી વધુ યોગ્ય છે. આ સિવાય જો હૃદયની મુખ્ય ધમનીમાં જ બ્લોક હોય તો ડોક્ટર બાયપાસનો વિકલ્પ આપતો હોય છે. એક તારણ છે કે જે વ્યક્તિ સ્ટેન્ટ નખાવે છે તેને એક-દોઢ વરસની અંદર ફરીથી બીજા બ્લોકેજને કારણે સ્ટેન્ટ નખાવવા પડે છે. જ્યારે એક વખત બાયપાસ સર્જરી પછી વ્યક્તિ બીજા દાયકા કરતા વધારે સમય માટે ફ્રી થઈ જાય છે. વળી બાયપાસ સર્જરીમાં રિસ્ક-ફેક્ટર ઘણું જ ઓછું ગણી શકાય. જોકે આખરે તો તમારે ડોક્ટર સાથે બધા મુદ્દાઓનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવાનો છે.

અન્ય સમાચારો પણ છે...