બ્યુટી:અપર લિપના વાળ દૂર કરવાનો ઘરગથ્થુ ઉપાય શું છે?

12 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

પ્રશ્ન : ઘરમાં રહીને જ હું ચહેરાનો નિખાર કઇ રીતે વધારી શકું?એક યુવતી (અમદાવાદ) ઉત્તર : આ સંજોગોમાં તમને સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવે એ સ્વાભાવિક છે. જોકે ઘરમાં રહીને પણ સુંદરતા જાળવી શકાય છે. ફ્રિજમાં પડેલા ટામેટાંની મદદથી ત્વચાની સારી રીતે જાળવણી કરી શકાય છે. ટામેટાંમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન સી હોય છે. તે એક નેચરલ બ્લિચિંગ એજન્ટનું પણ કામ કરે છે. ટામેટાં સ્કિન પરના ડાઘને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. અત્યારની સિઝનમાં ત્વચા ઓઇલી થવી એક સામાન્ય વાત છે. ટામેટાંનો ફેસપેક બનાવી ઓઇલી ત્વચાથી રાહત મેળવી શકાય છે. આ ફેસપેક બનાવવા માટે ટામેટાંને ધોઇને તેનો રસ કાઢી લો અને તેમાં 4-5 ટીપાં લીંબુનો રસ ઉમેરો. હવે તૈયાર પેસ્ટને ચહેરા પર 5 મિનિટ લગાવ્યાં બાદ ગરમ પાણીથી ચહેરો ધોઇ લો. ટામેટાંમાં બ્લિચિંગ પ્રોપર્ટી હોવાથી તે ટેનિંગની સમસ્યા દૂર કરે છે. ટામેટાંમાં રહેલી બ્લિચિંગ પ્રોપર્ટી ચહેરાનો ગ્લો અને રંગતને પણ નિખારે છે. ચહેરાને ચમકદાર બનાવવા ટામેટાંના રસમાં ચંદન પાઉડર અને ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને 5 મિનિટ ચહેરા પર લગાવ્યાં બાદ નવશેકાં પાણીથી ચહેરો સાફ કરી લો. પ્રશ્ન : મને અપર લિપના વાળની સમસ્યા બહુ સતાવે છે. આ વાળને કારણે હોઠનો ઉપરનો વિસ્તાર કાળો પડી ગયો છે. અપર લિપના આ વણજોઇતા વાળ દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : અપર લિપના વાળ ઓછા કરવા માટે ચણાનો લોટ સૌથી સારો વિકલ્પ છે. ચણાના લોટ સાથે હળદર અને બે ટીપાં મધનાં મિક્સ કરો. આ મિશ્રણને હોઠ ઉપરના વિસ્તારમાં લગાવો. મિશ્રણ સુકાઈ જાય ત્યારે આંગળી ભીની કરીને વાળની દિશાની વિરુદ્ધ દિશામાં ઘસવું. વાળ જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં ઘસવાથી પરિણામ મળશે અને ધીમે ધીમે અપર લિપના વાળ દૂર થવા લાગશે જેના કારણે ચહેરો ચમકી જશે.