તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:સ્ત્રીનું સ્વર્ગ કેવું હોય?

એષા દાદાવાળા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગમતા પુરુષની છાતી પર માથું મૂકતાં જ સ્ત્રીનાં શ્વાસોચ્છ્વાસ વધી જતાં હોય છે. એ જેને પ્રેમ કરે છે અને જેના માટે જીવવા માગે છે એ જ પુરુષ એની સેક્સ્યુએલિટીને પંપાળે એમાં એને વધારે રસ હોય છે

સ્વર્ગ એક એવી જગ્યા છે જેને પામવા માટે માણસો તૈયાર બેઠા હોય છે. મૃત્યુ પછી એક પરી જેવી અપ્સરા આવે છે અને પાંખો પર બેસાડી તમને સ્વર્ગના દરવાજે મૂકી દે છે. સ્વર્ગનાં દરવાજે ઊભેલી એક ખૂબસૂરત અપ્સરા તમને ઇન્દ્રદેવ સુધી લઇ જાય છે. ઇન્દ્રદેવને મળ્યા પછી તમારો સ્વર્ગ-વાસ શરૂ થાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્વર્ગમાં રહેતી વ્યક્તિને બુઢાપો આવતો નથી. ઉર્વશી-મેનકા-રંભા જેવી અપ્સરાઓ નૃત્ય કરી, ગીતો ગાઇને દિલ બહેલાવતી રહે છે. જન્નત પણ આવી જ એક જગ્યા છે. અહીં ખૂબસૂરત હૂરો છે અને એ તમારી સેવામાં સતત હાજર રહે છે. આ આપણાં શાસ્ત્રોમાં કરાયેલું સ્વર્ગનું વર્ણન છે. બધા ધર્મોમાં વત્તે-ઓછે અંશે સ્વર્ગનું આવું જ વર્ણન કરાયું છે. સ્વર્ગ અને જન્નતનાં આવાં વર્ણનો સાંભળીને મોટાભાગનો દરેક માણસ મર્યા પછી ત્યાં જ જવા ઇચ્છે છે. કેટલાક સ્વર્ગમાં જવાની અદમ્ય ઇચ્છાઓને કારણે પાપ કરવાની વૃત્તિ પર કાબૂ રાખે છે...પણ જો સ્વર્ગ આવું હોય તો મારે નથી જોઇતું. હું એક સ્ત્રી છું. મેનકા મારા માટે ડાન્સ કરે કે ઉર્વશી મારા માટે કમર લચકાવે એમાં મને શું ફરક પડે? ખૂબસૂરત હૂરો મારી આજુબાજુ વીંટળાઇ જાય એનાથી મારા મૃત્યુ પછીની જિંદગીમાં ઝાઝો બદલાવ આવે એવું મને લાગતું નથી. આપણે ત્યાં સ્વર્ગની પરિકલ્પના પણ પુરુષોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બિકીની પહેરેલી પંદર-વીસ છોકરીઓ પોતાને વીંટળાઇને ઊભી હોય એવી સેક્સ્યુઅલ ડિઝાયર મોટાભાગના પુરુષોને હોય છે. અપ્સરા જેવી ખૂબસૂરત સ્ત્રી માટે પુરુષ વહેલા મરી જવા માટે પણ તૈયાર થઇ જતો હોય છે. આ પુરુષની સેક્સ્યુઅલ પરિકલ્પના છે તો સ્ત્રીની સેક્સ્યુઅલ પરિકલ્પના શું હોય શકે? પાંચ-સાત ગિગોલો પોતાની આજુબાજુ ઊભા રહી ડાન્સ કરતા હોય તો સ્ત્રી ઉત્તેજના અનુભવી શકે ખરી? સજી-ધજીને પોતાના બે હોઠ વચ્ચે ગુલાબનું ફૂલ દબાવી કમર લચકાવી નાચતા પુરુષને જોઇ સ્ત્રીનાં શરીરમાં હલચલ મચે? ઘાટીલું શરીર ધરાવતા, બોક્સર પહેરેલા પંદર-વીસ પુરુષો સાથે અડધી રાત્રે દરિયાકિનારે એકલાં હોવાની કલ્પના એને સેક્સની ચરમસીમા સુધી લઇ જશે? ગમતા પુરુષની છાતી પર માથું મૂકતાં જ સ્ત્રીનાં શ્વાસોચ્છ્વાસ વધી જતાં હોય છે. પંદર-વીસ પુરુષો ભેગા મળી એની સેક્સ્યુએલિટીને પોષે એના કરતા એ જેને પ્રેમ કરે છે, જેની સાથે સલામતી અનુભવે છે, જેના માટે જીવવા માગે છે એ જ પુરુષ એની સેક્સ્યુએલિટીને પંપાળે એમાં એને વધારે રસ હોય છે...કદાચ. સેક્સ અને પ્રેમ આ બંનેને સ્ત્રી જુદા કરી શકતી નથી. એ જેને પ્રેમ કરે છે એની સાથે જ સેક્સ્યુઅલી જોડાઇ શકે છે અને જેની સાથે સેક્સ્યુઅલી જોડાય જાય છે એને પ્રેમ કરવા માંડે છે. આ સ્ત્રીનો સ્વભાવ છે અને સ્ત્રી માટે સ્વર્ગની પરિકલ્પના પણ કદાચ આ જ છે. અપ્સરાઓ, હૂરોથી ઊભરાઇ રહેલું સ્વર્ગ જો પુરુષની પરિકલ્પના હોય તો સ્ત્રીએ ઇચ્છેલું સ્વર્ગ કેવું હશે? મૃત્યુ પછી એને ક્યાં જવું હશે? અથવા તો મૃત્યુ પછી એને ક્યાંય પણ જવું હશે ખરું? સ્ત્રીનાં સ્વર્ગમાં પંદર-વીસ પુરુષો હોય કે નહીંં પણ પંદર-વીસ કામવાળીઓ ચોક્કસ જ હશે. આ કામવાળીઓ રજા નહીંં પાડતી હોય. સમજદાર હશે. એક કામ કરાવવા માટે એને પાંચ-સાત વાર કહેવાની જરૂરત નહીંં પડતી હોય. આ કામવાળીઓ ટ્રેઇન થયાં પછી કામ છોડીને જતી રહે એવી અહેસાન ફરામોશ તો બિલકુલ નહીંં હોય. સ્ત્રીનાં સ્વર્ગમાં સાસુઓ નહીંં હોય. લગ્નનાં વીસ વર્ષ બાદ પણ ‘અમારા ઘરમાં તો આવું નહીંં ચાલે’ એવી દલીલો કરતી સાસુ વિનાનું સ્વર્ગ સ્ત્રી માટે ખરેખર સ્વર્ગ જ હશે. આમ તો સ્વર્ગમાં સ્ત્રીએ રાંધવાની જરૂરત જ નહીંં પડે પણ ધારો કે રોટલી વણવાની આવે તો અટામણ ગેસ પર નહીંં જ પડવું જોઇએ એવો કકળાટ કોઇ નહીંં કરે. ઢોકળા તો રાઇમાં જ વઘારાય, જીરામાં નહીંં...આવી કિચન ટિપ્સ કોઇ નહીંં આપે. સ્વર્ગમાં સ્વયંવરોને અવકાશ હશે. પુરુષ લગ્ન માટે કરગરતો હશે અને સ્ત્રી સ્વમાનભેર અને હિંમતભેર જવાબ આપી શકશે કે ‘વિચારીને કહીશ!’ સ્વર્ગમાં સ્ત્રીની ઇચ્છાઓ પર ભાર મૂકાતો હશે. બેડરૂમનાં બંધ દરવાજાઓમાં થયેલા બળાત્કારો સ્ત્રીથી સેંકડો કિલોમીટર દૂર હશે. એને કરાતો પ્રત્યેક સ્પર્શ સ્વપ્નવત્્ હશે. એની ઇચ્છાને સમજનારા અને એ ઇચ્છાઓને પૂરી કરનારા પુરુષોનો રુતબો સામાન્ય પુરુષો કરતાં વધુ હશે. નિર્ણયો લેવાનો અધિકાર સ્ત્રી પાસે જ હશે. રાહ જોવાનું એનાં પક્ષે નહીંં હોય. સ્ત્રીનાં સ્વર્ગની સૌથી મોટી ઉપલબ્ધિ એ હશે કે ત્યાં કોઇ પણ પ્રકારનાં મૂડ-સ્વિંગ નહીંં હોય. પિરિયડ્સના દર્દથી સ્ત્રી મુક્ત હશે. સ્ત્રીની સેક્સુઆલિટી એના બે પગ વચ્ચે નહીંં પણ છાતીની ડાબી બાજુએ ધબકતાં હૃદય અને દિમાગમાં વસેલાં મનમાં રહેતી હશે. સ્ત્રી હસશે ત્યારે એનાં હોઠમાંથી મોતી ઝરશે, એનાં આંસુઓ ફૂલો પર ઝાકળ થઇને પથરાઇ જશે. આકાશમાં ઊગેલું મેઘધનુષ એની હથેળીઓ પર પથરાયેલું રહેશે. સ્ત્રીનું જીવન કોઇ પરીકથાથી કમ નહીંં હોય. સ્ત્રીની કલ્પનાનું સ્વર્ગ આવું હોઇ શકે છે. આમ તો મોટાભાગની સ્ત્રીઓ એવું કહેતી હોય છે કે અમારે મન તો અમારું ઘર જ સ્વર્ગ સમાન છે, પછી ભલે એનાં ઘરમાં બધાં જ સ્વર્ગવાસીઓ રહેતાહોય! મારો વર અને મારાં બાળકો જ્યાં હોય એ જ મારું સ્વર્ગ...આવું માનતી સ્ત્રી જ્યારે ખરેખર સ્વર્ગમાં જાય ત્યારે શું કરે ખબર છે? સ્વર્ગમાં એ એકાદી પરીને શોધે. એ પરીને ગરમાગરમ રોટલી આગ્રહ કરી કરીને જમાડે અને પછી ધીરે રહીને એ રોટલીઓનાં બદલામાં એને કરગરે...કહે કે નીચે જઇને મારા પતિ અને બાળકો પર તારી લાકડી ફેરવી આવ ને! સ્ત્રી એ સ્ત્રી જ રહે. પૃથ્વીલોક પર હોય ત્યારે પણ અને સ્વર્ગલોકમાં હોય ત્યારે પણ. બાય ધ વે, સ્ત્રીએ ઇચ્છેલાં સ્વર્ગમાં કદાચ બીજી સ્ત્રીઓને પ્રવેશ નહીંં હોય એવું પણ બની શકે! ઇર્ષ્યા સ્વર્ગમાં પણ જતી નથી કદાચ! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...