વૈદેહીને થોડા સમય પહેલાં ચક્કર જેવું લાગતું હતું. ઇએનટી ડૉક્ટરની દવા પછી પણ ફેર પડતો ન હતો. ચક્કર અતિશય ના રહે પણ વચ્ચે વચ્ચે લાગે જાણે બધું ફરતું હોય. આ સાથે સાથે થોડું માથું પણ ભારે રહેવા લાગેલું. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવું લાગે. થોડા સમય માટે રહે અને પાછું સરખું થઇ જાય. ક્યારેક ઊંઘ આવે તો ક્યારેક બરાબર થઇ જાય. ઘણીવાર કમરમાં દુખે તો ક્યારેક ગેસ થઇ જાય તો ક્યારેક ગરદનમાં દુખાવો રહે. મેડિકલની ભાષામાં ‘મલ્ટિપલ વેગ કમ્પ્લેઇન’ ગણી શકાય તે રીતે એક ફરતો રોગ રહેવા લાગ્યો. બધું નોર્મલ આવે. રિપોર્ટ્સમાં પણ કશું નિદાન થાય નહીં. છેવટે બધા ડોક્ટરોનો એકમત હતો કે એકવાર સાઇક્યિાટ્રિસ્ટની સલાહ લઇ લો. વૈદેહીને આમ જોતાં કોઈ સ્ટ્રેસ ન હતો તેથી આ માટે બતાવા જવાનું યોગ્ય લાગતું ન હતું. ડિપ્રેશન હંમેશાં ઉદાસીનતા, મન ના લાગવું, ચિંતામાં રહેવું કે રડવું આવી જવું સુધી સીમિત નથી. ડિપ્રેશન ખૂબ મોટો અને ભારે શબ્દ છે જેથી સાઇક્યિાટ્રિસ્ટ સાથે જવામાં ઘણાં લોકોને અજુગતું લાગતું હોય છે. હકીકતમાં ડિપ્રેશનની શરૂઆત સ્ટ્રેસથી થાય છે. આ સ્ટ્રેસ જરૂરી નથી કે સભાન અવસ્થાના મગજને જ ફીલ થતું હોય. ક્યારેક સુષુપ્ત અવસ્થાનું અનકોન્શિયસ માઈન્ડ પણ કોઈ સ્ટ્રેસમાંથી પસાર થતું હોય ત્યારે આવા લક્ષણો દર્શાવી વોર્નિંગ સિગ્નલ આપતું હોય છે. જો તેને રોકવામાં ના આવે તો તે છેવટે મેજર ડિપ્રેશન તરફ દોરી જાય છે. આજુબાજુના વાતાવરણમાં થતા ફેરફારો જેમ કે જગ્યાની ફેરબદલી, જોબ ચેન્જ, લાંબા સમયની બીમારી કે આબોહવામાં થતો બદલાવ પણ સ્ટ્રેસફુલ લાગવા લાગે છે. ખાસ કરીને વાદળછાયા વાતાવરણમાં જયારે ઘણાં સમય સુધી તડકો જોવા ના મળે ત્યારે ‘ગ્લુમી ફીલ‘ થવા લાગે છે જેના લીધે માથું દુખવું , ચક્કર આવવા કે મૂંઝારો અનુભવવો જેવાં લક્ષણો સિગ્નલ આપે છે કંઈક ચાલી રહ્યું છે બરાબર નથી. જો તેને સમય મુજબ પારખી લેવાય તો ઝડપથી નિરાકરણ આવી જાય છે. તેને અવગણવાથી હતાશા તરફ ચાલી જવાય છે. મૂડ મંત્ર - મને તો ડિપ્રેશન થઇ જ ના શકે કેમ કે મારું માઈન્ડ તો ખૂબ જ સ્ટ્રોંગ છે...તેનાથી મોટી કોઈ ગેરમાન્યતા નથી. જો તમારું માઈન્ડ સ્ટ્રોંગ હોય તો તમે દવા કે કાઉન્સેલિંગ દ્વારા જલ્દી બહાર આવી જશો તે સમજવું જરૂરી છે. drspandanthaker@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.