તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમનોલોજી:2020ના અંતે સરેરાશ સ્ત્રી શું ઈચ્છે છે?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેક્સ્યૂઅલ શોષણના અંતથી સ્વતંત્ર ઓળખના આરંભ સુધી
 • 2020ના અંત સમયે સ્ત્રી ઈચ્છે છે કે હવે કેવા કપડાં પહેરવાં, કેવા વાળ કપાવવા કે ક્યાં નોકરી કરવી જેવા જીવનના દરેક નિર્ણયમાં પરિવાર અને સમાજની ઘોંચપરોણ કે દાદાગીરી બંધ થાય

- મેઘા જોશી

2020 પૂરું થશે એ સાથે બધા જ દુખ-દર્દ અને ખાસ કરીને કોરોનાની મહામારી જતી રહે તો કેવું સારું?વર્ષ 2020ના માર્ચ મહિનાથી શરૂ થયેલી મહામારીએ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સૌથી વધુ સ્વાસ્થ્ય ક્ષેત્રે પાયમાલી સર્જી છે. આથી જ વર્ષ 2020ના આ છેલ્લા મહિનામાં માત્ર એક ભારતીયની નહિ, દરેક માણસની સૌથી મોખરાની અપેક્ષા છે કે કોરોના મહામારીનો અંત આવે. એક 2020ના અંત સાથે બીજી કઈ બાબતનો અંત આવે તો તમને ગમે? સરેરાશ ભારતીય સ્ત્રીને આ પ્રશ્ન પૂછીએ તો કેવા જવાબ આવી શકે? આમ તો, 2020નો અંત હોય કે એક દસકા બાદ 2030 ના અંત સમયે આ વિચાર કરવાનો આવે તો રોજ અનેક મોરચે લડતી સ્ત્રીને સૌથી પહેલી ઈચ્છા બળાત્કાર અને જાતીય સતામણીના અંતની થાય. દરેક પરિવારને જુવાન થતી દીકરીના શિયળની ચિંતા કરવાને બદલે તેના અભ્યાસ, કારકિર્દી અને સ્વાવલંબન અંગે ચર્ચા કરવાનો અવકાશ વધે એ જરૂરી છે. આ વર્ષ પૂરું થવા સાથે દસ-બાર વર્ષની પારકી દીકરીને કામુક નજરે જોતા અને તક મળ્યે અડપલા કરી લેતા ‘પુરુષાતન’નો કંઇક ઉપાય થાય તો કેવું સારું. પાડોશી હોય કે વ્યવસાયના સ્થળે સાથી કર્મચારી હોય, નજર વડે પીછો કરતા દરેક ‘નર’ નો પીછો છૂટી શકે. ઘરની ચાર દીવાલો વચ્ચે સ્ત્રીના અપમાન અને ધોલધપાટના કિસ્સા ઘટે અને ઉંબરો ઓળંગતી દરેક યુવતીને તેનાં સ્વપ્નને જીવવા માટે જાતને બચાવવાની મથામણમાં ના પડવું પડે એવી ઈચ્છા આ લખનારની માત્ર નથી પરંતુ ભારતમાં થયેલ એક સર્વેનાં પરિણામનો અર્ક છે. માન્યું કે સ્ત્રી હવે પ્રમાણમાં ઘણી સશક્ત થઇ છે અને દરેક સ્ત્રીને આવી જાતીય સતામણીનો ભોગ નથી બનવું પડતું પણ ભારતમાં રોજ 88 જેટલા બળાત્કારના કેસ ચોપડે નોંધાય છે અને છાપે ન ચડેલી પીડાનો કોઈ હિસાબ નથી .

જે યુવતી અથવા સ્ત્રી આત્મનિર્ભર છે, ભણેલી છે, સ્વાવલંબી છે એને પૂરો સંતોષ છે? જી ના. 2020ના અંત સમયે તેઓ ઈચ્છે છે કે હવે કેવા કપડાં પહેરવાં, કેવા વાળ કપાવવા કે ક્યાં નોકરી કરવી જેવા જીવનના દરેક નિર્ણયમાં પરિવાર અને સમાજની ઘોંચપરોણ કે દાદાગીરી બંધ થાય અને સ્વસ્થ ચર્ચા થવી જોઈએ. દીકરીને કે પુત્રવધૂને ક્યારે, કેટલી અને કેવી છૂટ આપવી એની યાદી તૈયાર કરવાને બદલે એનાં જીવનમાં આગળ વધવા માટે કઈ જગ્યાએ સહકારની જરૂર છે એવી વિચારધારાની શરૂઆત થાય. સ્ત્રી માત્રનો સુંદરતા સાથે નૈસર્ગિક સંબંધ છે, પરંતુ સુંદરતાના માપદંડ સ્વીકાર્ય નથી. સુંદરતાની નક્કી કરેલી ગાઈડ લાઈનમાં ફિટ થવા માટે એનર્જી અને પૈસા ખર્ચી નાખતી સ્ત્રીને પોતાનાં કૌશલ્ય અને બુદ્ધિમત્તાની કદર થાય એમાં રસ છે. અલબત્ત આ વિષય ઘણો નાજુક છે. એક સમાજ તરીકે એક એવી સંતુલિત માનસિકતાનો વિકાસ કરવો જરૂરી છે જેમાં સુંદરતા એ વળગણ કે મજબૂરી નહિ પરંતુ કુદરતી ઈચ્છા રહે. 2020 સાથે આ બ્યુટી અને બુદ્ધિની કશ્મકશ બંધ થઇ જાય તો કેવું સારું? ભારતમાં પ્રતિ વર્ષ 44,000 જેટલી ગર્ભવતી મહિલાનાં મૃત્યુ થાય છે. માસિકમાં થતા તીવ્ર સ્ત્રાવને કારણે વ્યવસાયના સ્થળે પડતી મુશ્કેલીના હજી કોઈ ઉપાય નથી. પિરિયડમાં જરૂર પડે તો રજા મળે કે સ્તનપાન માટે વિશેષ સવલત મળે, ગર્ભપાત કરાવવાનો નિર્ણય સ્વયં સ્ત્રીનો જ હોય અને આ દરેક અધૂરા પ્રશ્નો 2020ના અંત સમયે કોઈ ફાઈલમાં બંધ ના થાય તો પણ ઘણું . સરેરાશ ભારતીય સ્ત્રી વર્ષ 2020ના અંત સાથે પોતાના સ્ત્રીપણાને કોસે નહિ એવું ઈચ્છે છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો