(ભાગ: 1) એબીસીડી છોડો... મોબાઇલની કોલર ટ્યૂને એના હોઠ મલકી ગયા. આ સંદર્ભે આકારને કરેલી મીઠી ટકોર સાંભરી ગઇ : માન્યું, તમે લતાજીના ભક્ત છો, પણ કોચિંગ ક્લાસના જવાબદાર શિક્ષક તરીકે તમે આવી કોલર ટ્યૂન કે રિંગ ટોન રાખશો તો વિદ્યાર્થીઓ શું શીખશે! આની સામે આકારનો જવાબ પણ અદિતિને સાંભરી ગયો : કોચિંગ ક્લાસના પાર્ટનર કે ટ્યૂટર તરીકે મારે જેને ભણાવવાના થાય છે એ સૌ ગ્રેજ્યુએટ થઇ વિવિધ કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી કરનારા જુવાનિયા છે, એટલા આધુનિક કે તું ને હું જૂનવાણીમાં ખપી જઇએ! આવું ગીત રાખવાથી એટલીસ્ટ એમને વહેમ તો રહે કે સર કેટલા રોમેન્ટિક છે... પછી ભલે વાસ્તવમાં વરસ દહાડાના પ્રણય સંબંધમાં પોતાની પ્રિયતમાને એક ચુંબન પણ કરી શક્યા ન હોય!... આમ કહી આકારે ગાલ ચૂમી લીધેલો એ સાંભરતા અદિતિએ હોઠ કરડ્યો: કોણે ધારેલું હૈયે પ્રીત આમ મ્હોરશે? ‘મે આઇ કમ ઇન,સર?’ વરસેક અગાઉની વાત. સુરતના અડાજણ ખાતે આવેલી ત્રણ માળની ‘વખારિયા કોચિંગ ક્લાસીસ’ની મુખ્ય ઓફિસમાં ટકોરા મારી પોતે હજુ તો અંદર આવવાની પરમિશન માંગી ત્યાં તો ખુરશી બેઠેલો ત્રીસેક વરસનો જુવાન હાથમાંની ફાઇલ ટેબલ પર પછાડતો ઉભો થઇ ગયો, ‘તમારી હિંમત કેમ થઇ મારી ઓફિસમાં પગ મૂકવાની!’ ‘જી?’ એના આક્રોશે પોતે હેબતાયેલી. ખરેખર તો પોતે રિસેપ્શન પર પૂછીને આવવાનું હોય, પણ ત્યાં બેઠેલી છોકરી કોઇ યુવતી સાથે ગૂસપૂસમાં વ્યસ્ત જણાઇ એટલે પોતે પહેલી જે કેબિન ભરેલી દેખાઇ ત્યાં ટકોરા મારી દીધા, પણ લાગે છે અહીં કોઇ ભેજાગેપ બેઠો છે! ‘તમે શું માનો છો, કોર્પોરેટરની સિફારીશ લઇને આવશો, મને ચીપ-નોનવેજ મેસેજિસ કરશો તો એથી મારો નિર્ણય બદલાઇ જશે? સોરી મેડમ, તમારી આ રેકોર્ડબ્રેક હિસ્ટ્રી જ જોઇ રહ્યો છું...બે વાર આપસાહેબા એક્ઝામમાં ચોરી કરતા પકડાયા છો, આવા નામચીન સ્ટુડન્ટને ‘વખારિયા’માં પ્રવેશ આપી મારે સંસ્થાનું નામ નથી બગાડવું!’ ‘નોનસેન્સ.’ પોતે સામું તાડૂકી, ‘કોણે કહ્યું મારે તમારા કોચિંગ ક્લાસમાં એડમિશન જોઇએ છે! મિસ્ટર હુ એવર યુ આર... આંખે ચશ્મા હોય તો પહેરવાની ટેવ રાખો...’ જુસ્સાભેર એની સામે ધસી જઇ પોતે એટલા જ ઊંચા અવાજે કહેલું, ‘હું અદિતિ શાહ સુરત કોર્પોરેશનમાંથી તમારા હાઉસટેક્સની રસીદ આપવા આવી છું...’ હેં! ‘ઓહ, તમે..’ એણે ફાઇલ જોઇ, ‘મિસ કાવેરી સુતરિયા નથી? આઇ એમ સો સોરી...’ એના અવાજમાં દિલગીરી પડઘાઇ, ‘આ એક મેડમે એવી ધમાલ મચાવી છે.. બે વાર ચોરીમાં પકડાયેલી યુવતીએ અમારે ત્યાં પ્રવેશ લઇ એક્ઝામની વૈતરણી પાર કરવી છે, બોલો! ખરેખર તો એક્ઝામમાં ચોરી કરતા પકડાયેલાને કોર્ટે દરેક પરીક્ષા માટે ગેરલાયક ઠેરવી દેવા જોઇએ એવું તમને નથી લાગતું?’ ‘જી?’ ‘અરે, તમે ઉભા કેમ છો, મિસ... યા, અદિતિ શાહ. બેસોને. તમે ટેક્સની રસીદ લઇને આવ્યા ને મે... સોરી અગેઇન. શું લેશો? અફકોર્સ, આવી ગરમીમાં તો ઠંડું જ હોય ને...’ એણે બેલ દબાવ્યો, પ્યુનને બે થમ્સ-અપનો ઓર્ડર આપી રવાના કર્યો, પછી સહેજ આગળ તરફ ઝૂક્યો, ‘હોપ, આપણી ચોઇસ મળતી હોય...’ એ મલક્યો. મારી નારાજગી દૂર કરવા આ માણસ પોતાનો ચાર્મ વાપરી રહ્યો છે એની સમજ છતાં પોતાનાથી ય સ્મિત થઇ ગયું. આખરે આ આદમી ખોટી વ્યક્તિને ક્લાસમાં પ્રવેશ નથી આપતો એ ગુણ જ જોવાનો હોયને! સ્મિતનો એ ટકરાવ પ્રણયબંધ સુધી દોરી ગયો... અદિતીએ શ્વાસ લઇ વાગોળ્યું: કોલ્ડ ડ્રિંક આવતા સુધીમાં તો આકારે અલકમલકની વાતોથી વાતાવરણ મૈત્રીસભર કરી દીધેલું. ત્યાં રિસેપ્સનિસ્ટે દેખા દીધી, ‘સર, મિસ કાવેરી આપને મળવા...’ એ એટલું બોલી કે આકાર-અદિતિ સાથે જ હસી પડ્યાં. રિસેપ્શનીસ્ટની પાછળ ડોકિયું કરતી યુવતી તો પેલી જ... હું આવી ત્યારે એની સાથે ગુસપુસ કરતી હતી એ! શોર્ટ જિન્સ પર બ્લેઝરનો પોશાક પહેરેલી એ ચોવીસેક વરસની યુવતી મોડર્ન એટલી જ ફેશનેબલ લાગી. ચહેરા પર રૂપગર્વિતા હોવાનો અહમ કળાયા વિના ન રહે. ‘સર...’ એ અંદર આવી, ‘જાણું છું, હું કોમ્પિટિટીવ એક્ઝામ ક્રેક કરી શકું એટલી સ્કોલર નથી, પણ મારે સરકારી ખાતામાં નોકરી લઇ કોઇને બતાવી આપવું છે... ફરી ચોરી નથી કરવી એટલે તો તમારે ત્યાં એડમિશન લેવું છે.’ ‘તમે સુધરવાની દાનત દેખાડો છો, એ જેન્યુઇન જ હોત કાવેરી તો મને ગંદા મેસેજ ન મોકલ્યા હોત. ખરેખર તો તમે એ મેસેજિસથી હું રિઝાયો હોઇશ એમ માની આવ્યા છો, પણ સાચું કહું તો અહીં એડમિશન લેવાથી તમે પાસ થઇ જ જશો એ ભ્રમણા છે. પરીક્ષાના પરિણામનો ખરો આધાર તો તમારી મહેનત છે અને એ કરવાની તમારી ક્ષમતા સંદેહજનક છે...’ આકારે ડોક ધુણાવી, ‘કોઇને બતાવી આપવાનું તમારું ઝનૂન તમને ફરી ચોરી કરવા ન પ્રેરે એની ખાતરી ખરી? સોરી.’ આકારના જવાબે એનું મોં ચડી ગયું, ‘ઠીક છે, આજે તમે મને રિજેક્ટ કરો છો, પણ કાલ મારી હશે, શ્રીમાન આકાર સાહેબ!’ આમાં આત્મવિશ્વાસથી વધુ ગુમાન હતું, છંછેડાયેલી સ્ત્રીનો છણકો હતો પણ છતાં આકાર અડગ રહ્યો એ અદિતિને ગમ્યું, મૂલ્યો માટેની એની નિષ્ઠા સ્પર્શી ગઇ. સામે આકાર પણ અદિતિથી પ્રભાવિત હતો : સરકારી અધિકારીઓની તુમાખીથી પ્રજાજનો ટેવાયા છે... તમે કોર્પોરેશનના એકાઉન્ટ સેક્શનના કર્મચારી તરીકે ગ્રાહક્ને રસીદ પહોંચાડવાની તકેદારી રાખો એ સુખદ અચરજરૂપ છે. આમ તો બેઉએ પાછું મળવાનું કારણ નહોતું, પણ જ્યાં પ્રેમ થવો નિર્મિત હોય ત્યાં કુદરત નિમિત્ત ગોઠવી દેતી હોય છે. પહેલાં આકારની ગેરસમજ અને પછી કાવેરીના આગમનની અસરમાં અદિતિ જે કામે આવી હતી એ રસીદ આપવાનું જ વિસરી ગઇ! બીજા દિવસે રવિવાર હતો. અડાજણ બાજુ ઘરના કામે ગયેલી અદિતિએ ઓફિસ ખુલ્લી જોઇ. રસીદ તો પર્સમાં હતી જ. એને જોતાં જ આકાર ખીલી ઉઠ્યો : રસીદ રહી ગયાનું મને ધ્યાનમાં આવ્યું એટલે તમને ફરી મળવાનું થશે એની ધારણા હતી જ... રવિવારે ક્લાસીસ બંધ હતા. ફુરસતમાં લતાના ગીતોથી હોલિવૂડની ફિલ્મો સુધીની ચર્ચા ચાલી. રસીદ વળી બાજુએ રહી ગઇ. પરિણામે વધુ એક મુલાકાત. નંબરની આપ-લે. લાંબી લાંબી ચેટ્સ. બંનેની હૈયાપાટી કોરી હતી એમાં એકબીજાનું નામ ઘૂંટાવા લાગ્યું. ક્યારેક અદિતિ નજીવા બહાને ક્લાસીસ પર આવે કદી આકાર નગરપાલિકાની ઓફિસ તરફ નાનું-મોટું કામ કાઢી લંચબ્રેકમાં મળવાની તક ઝડપી લે. પ્રણયના પરિઘમાં પ્રવેશેલો સંબંધ અંતરંગ બનતો ગયો. ઘોડદોડ રોડ પર રહેતી અદિતિ મા-બાપનું એકમાત્ર સંતાન હતી. હજીરામાં જોબ કરતા પિતાની આર્થિક સ્થિતિ સધ્ધર. શોખ ખાતર વરસેકથી મહાનગરપલિકામાં કોન્ટ્રાક્ટ પર જોડાયેલી અદિતિ દેખાવમાં જેટલી રૂપાળી હતી, સંસ્કારમાં એટલી જ ઊજળી. આત્મવિશ્વાસનું તેજ એના રૂપને નિખારતું. આકાર પણ એના પેરન્ટ્સનો એકનો એક દીકરો. અડાજણ ખાતે એનું પોતીકું મકાન હતું. ‘મારા પિતા કોર્ટમાં કારકૂન, સ્થિતિ સાધારણ.. પણ ક્લાસીસની સફળતાએ સુખ છલકાવી દીધું...’ આકાર કહેતો, ‘વખારિયા ક્લાસીસની પાછળ મારા પરમ મિત્ર વિરાજનું ભેજું છે... એન્ડ અફકોર્સ, પૈસા પણ એના. મારી કેવળ સ્કિલ.’ ખરેખર તો આકાર-વિરાજની મૈત્રી કોલેજ કાળની. અભ્યાસમાં સ્કોલર આકારનું ડ્રીમ આઇએએસ ઓફિસર થવાનું, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કોલેજને સમાંતર ચાલતી હોય. ‘બાપ રે. મારા જેવા સામાન્ય સ્ટુડન્ટને તો રેલ્વેની, બેંકની, તલાટી, મામલતદારની પરીક્ષાઓ ક્યારે આવે ને જતી રહે એની ય ગતાગમ નહીં...’ આકારની તૈયારીની વિરાજને હમેશાં નવાઇ લાગતી. ‘એનું કારણ છે... આપણને ગુજરાતીઓને કોમ્પિટિટીવ એક્ઝામ્સની અવેરનેસ જ નથી... બિહાર, યુપી જેવા રાજ્યોમાં તો લોકોનું લક્ષ્ય જ સરકારી નોકરીનું હોય એટલે સાતમા-આઠમા ધોરણથી પ્રોપર ક્લાસીસમાં જતા થઇ ગયા હોય..ગુજરાતમાં આવું માર્ગદર્શન ક્યાં!’ આકારની માહિતીએ વિરાજને ચમકારો થયો: ઇટ મિન્સ, આમાં બિઝનેસનો સ્કોપ છે! બે પેઢીથી સુરતની સબજીમંડીમાં કાંદા-બટાકાની હોલસેલની દુકાન ચલાવતા વખારિયા પરિવારને વૈભવ સુલભ, જોકે વિરાજને શરૂથી કંઇક અલગ કરવું હતું, પિતાને કહેતો પણ : ત્રણ કાકાઓના સંયુક્ત ધંધામાં ભાગિયા વધતા જાય તો ભાગે શું આવે! મારી મહેનતનું બધા ખાય એના કરતાં અલગ ધંધો જમાવી આપણે એશથી ન રહીએ! એકના એક દીકરાની વાતમાં વેપારી પિતાને તથ્ય લાગતું : આમે ય પેઢી સાથે અંતર વધતું જ જતું હોય છે, લડીને છૂટા પડવા કરતાં વડીલોના આશિષ લઇ નવો ધંધો માંડવામાં સમજદારી છે! ‘કોલેજના છેલ્લા વરસથી એ પ્લાનિંગ કરવા માંડેલો, મને ચાલીસ ટકાનો પાર્ટનર બનાવી પડકાર આપ્યો : આઇએએસ ભૂલી જા, આમેય ભ્રષ્ટ સિસ્ટમમાં તારા જેવા સિદ્ધાંતવાદીનું કામ નહીં... એને બદલે બીજાને પાસ કરાવી દેખાડ તો બે પેઢી તરી જાય એટલું ભેગું કરતા વાર નહીં!’ આકારે કહેલું, ‘મને ય એ ચેલેન્જિંગ લાગ્યું. વિરાજના સપનાં મોટાં, એવું જ એનું એક્ઝિક્યુશન... અડાજણમાં મોટી જગ્યા લીધી, ભારેખમ પબ્લિસિટી સાથે અમે કોચિંગ ક્લાસના પગરણ માંડ્યા ને આજે સ્થાપનાના આઠમા વરસે અમારી સુરતમાં ત્રણ બ્રાન્ચ છે, મારું ફોકસ સ્ટાફને ટ્રેઇન કરવાનું હોય છે, માર્કેટિંગ-એક્સપાન્શન વિરાજની પેશન છે... રિસન્ટલી બરોડા, અમદાવાદમાં પણ અમે શાખા ખોલી છે. ’ આના પાયામાં આકારનું કૌશલ્ય છે એનો ગર્વ જ હોયને. એ દિવસોમાં વિરાજના વડોદરા, અમદાવાદના આંટા વધુ થતા, પણ સુરતમાં હોય ત્યારે મળવાનું થતું. એની વાઇફ નારાયણી જોડે ય દોસ્તી જામી ગઇ. નારાયણી સાથે વિરાજના અરેન્જ્ડ મેરેજ હતા, એમના આઠ વરસના દીર્ઘ સહજીવનનું સુખ એમનાં વાણી-વહેવારમાં પડઘાતું. ‘લગ્ન પછી મિત્રતામાં દૂરી આવવાની સંભાવના રહી છે, પણ નારાયણી દૂધમાં સાકરની જેમ અમારી મિત્રતામાં ભળી ગઇ. બારડોલીના શિક્ષક માતા-પિતાની પુત્રી સંસ્કારમઢી અને એવી જ સિદ્ધાંત ચુસ્ત. હાઉસમેકર તરીકે એને ઓફિસમાં ઇન્વોલ્વ થવાનો સમય નથી હોતો, પણ એના સૂચનો ક્લાસીસ માટે ઉપયોગી નીવડે એવા.’ આકારે દોરેલા શબ્દચિત્ર સાથે હૂબહુ મળતી નારાયણી સાથે પાકા બહેનપણાં થઇ ગયા. ‘તમારા લગ્નમાં જોકે હું દિયરની જાન લઇ વટથી આવવાની, હોં’ નારાયણીના વાક્યે અત્યારે પણ આદિતિ શરમાઇ. બેઉનો પ્રણય ઘરનાથી છૂપો નહોતો, બલ્કે વડીલો તો રાજી હતા... પણ કુટુંબીના દેહાંતે શુભ પ્રસંગ લંબાઇ ગયો અને પછી કમૂરતા ચાલતા હોઇ આવતા પખવાડિયે હોળી પછી સગપણ લેવાની વાત છે... એનો રોમાંચ વાગોળતી અદિતિ ઝબકી : ઓહ, આખી રિંગ પતી તો ય આકાર ફોન કેમ રીસિવ નથી કરતા! કોલ કટ કરતી અદિતિની નજર ઓફિસની બારી બહાર ગઇ ને કોર્પોરેશનના સિવિલ કોન્ટ્રાક્ટરને મેતરાણી બાઇ સાથે મસ્તી કરતા જોઇ એના ભવા તંગ થયા. (ક્રમશ:)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.