બ્યૂટી:બેકલેસ બ્લાઉઝમાં મારી પીઠ આકર્ષક લાગે એ માટે શું કરું?

કાવ્યા વ્યાસ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : નવરાત્રિમાં મને રોજ અલગ અલગ પ્રકારની બિંદી લગાવવાનું બહુ ગમે છે. મને લાગે છે કે આના કારણે ટ્રેડિશનલ લુક પરફેક્ટ લાગે છે. મારે મારા ચહેરાને અનુરૂપ કઇ રીતે યોગ્ય બિંદીની પસંદગી કરવી જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : ટ્રેડિશનલ લુકમાં મજાનો મેકઅપ અને હેરસ્ટાઈલ કરી હોય પણ બિંદી ન લગાવી હોય તો આખા લુકમાં કંઈક કમી હોય તેવું લાગ્યા કરે છે. આમ, ટ્રેડિશનલ લુકમાં કે નોર્મલ કેઝયુઅલ લુકમાં બિંદી સુંદરતામાં વધારો કરે છે. જોકે બિંદીની પસંદગી કરતી વખતે ચહેરાનો આકાર ખાસ ધ્યાનમાં રાખવો જોઇએ. જેમના ચહેરાનો આકાર ગોળ હોય તેમણે લાંબી બિંદી લગાવવી જોઈએ. ગોળાકાર ચહેરાવાળાએ આકારમાં મોટી હોય તેવી બિંદી લગાવવાનું ટાળવું જોઈએ. કપાળ, ગાલ, હડપચી અને જડબાંની પહોળાઈ એકસમાન હોય તો આવા ચહેરાને સ્ક્વેર આકાર કહે છે. આ પ્રકારના ચહેરા પર ગોળ બિંદી જ સારી લાગે છે. જે લોકોનું કપાળ પહોળું હોય અને હડપચી અણીદાર હોય તેમનો ચહેરો ટ્રાયેંગલ આકારનો કહેવાય છે. આ પ્રકારના ચહેરા પર સામાન્ય રીતે કોઈપણ આકારની અને કોઈપણ સાઈઝની બિંદી સારી લાગે છે. પ્રશ્ન : હું નવરાત્રિમાં બધાનાં આકર્ષણનું કેન્દ્ર બનવા ઇચ્છું છું. નવરાત્રિ વખતે મારી ત્વચા ચમકતી લાગે એ માટે મારે શું ઉપાય કરવો જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : ત્વચા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો એ નિસ્તેજ થઇ જાય છે, પણ જો એની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો એ ચમકી ઉઠે છે. બે ચમચી ચણાના લોટમાં નાની ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં દસ ટીપાં ગુલાબજળ અને દસ ટીપાં લીંબુના રસના મિક્સ કરી કરો. આમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને પાતળો લેપ બનાવી લો. આ લેપને સ્નાન પહેલાં ચહેરા પર લગાવો. અડધો કલાક પછી ચહેરો ધોઈ લો. આનાથી ચહેરાની ત્વચા ચમકી જશે. મધ પણ ત્વચાની સ્વસ્થતા જાળવવામાં મદદ કરે છે. એક ચમચી મધને ચહેરા પર હળવા હાથે લગાવીને 15-20 મિનિટ રહેવા દો અને પછી ચહેરો ધોઇ લો. જો ત્વચા તૈલી હોય તો મધમાં ચારથી પાંચ ટીપાં લીંબુનો રસ પણ મિક્સ કરો. ચાર ચમચી મુલતાની માટી, બે ચમચી મધ, એક ચમચી દહીં અને એક લીંબુનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો અને અડધો કલાક પછી ચહેરો ધોઈ લો. મુલતાની માટીનો આ નુસખો કારગર સાબિત થાય છે.

પ્રશ્ન : મને નવરાત્રિમાં બેકલેસ ચણિયાચોળી પહેરવાનો બહુ શોખ છે. આ સમયે મારી પીઠ સુંદર દેખાય એ માટે મારે શું કાળજી લેવી જોઇએ અથવા બ્યુટી ટ્રીટમેન્ટ લેવી જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : નવરાત્રિને ગણતરીના દિવસોની વાર હોય ત્યારે જ યુવતીઓ જરૂરી બ્યુટી ટ્રીટમેન્ટ લેવાની શરૂઆત કરી દેતી હોય છે. જો તમને બેકલેસ ચણિયાચોળી પહેરવાનો શોખ હોય અને શક્ય હોય તો બેક પોલિશિંગ કરાવી લેવું જોઇએ. હકીકતમાં નવરાત્રિના નવ દિવસ સુંદર દેખાવા માટે યુવતી બોડી અને બેક પોલિશિંગ કરાવતી હોય છે. આનાથી ડેડ સ્કિન અને પિગ્મેન્ટેશનની સમસ્યા દૂર થાય છે. બોડી અને બેક પોલિશિંગ એ બાયસોલ્ટ અને રેડી એમ બે પ્રકારે થાય છે. બાયસોલ્ટ પોલિશિંગ ક્રીમ બેઝ્ડ હોય છે, જ્યારે રેડી પોલિશિંગ જેલ બેઝ્ડ હોય છે. જો તમારી સ્કિન સંવેદનશીલ, પાતળી અને સૂકી હોય તો ક્રીમ બેઝ્ડ પોલિશિંગ પસંદ કરવું જોઇએ. આ સિવાય પોલિશિંગ કરાવતા પહેલાં મસાજનો આગ્રહ રાખવો. આનાથી સ્કિનમાં નિખાર આવે છે. પોલિશિંગથી સ્કિન પરના સ્પોટને લાઈટ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...