વુમનોલોજી:આધુનિક શક્તિ રૂપની આરાધના કેવી હોય?

મેઘા જોશી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો દેવીની અપાર શક્તિની આરાધના કરવાનો મહિમા હોય તો ખરેખર જ્યારે સ્ત્રી તેનાં જીવનમાં એક નવી ઉડાન ભરે ત્યારે તેની પાંખો કાપવા કાતર કેમ તૈયાર હોય છે?

કોઈ સ્ત્રી પોતાનાં જીવનને સ્વતંત્ર વિચારો સાથે ઘડે, માત્ર આસપાસના લોકો માટે જ નહીં, પરંતુ અસંખ્ય સ્ત્રીઓની યાતના અને અન્યાય માટે લડત આપે કે વંચિત સમુદાય માટે નક્કર કામ કરે તો એને ખરા અર્થમાં શક્તિ સ્વરૂપા કહેવાય ને? નવરાત્રિના દિવસોમાં આદ્ય શક્તિની આરાધના થાય છે. આપણે સાવ સાહજિક રીતે સ્ત્રીને દેવી સ્વરૂપ કહીને શબ્દ-ફૂલ ચડાવીએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં સ્ત્રીની સ્થિતિની વાત આવે ત્યારે મોં સીવી લઈએ. જો દેવીની અપાર શક્તિની આરાધના કરવાનો મહિમા હોય તો ખરેખર જ્યારે સ્ત્રી તેનાં જીવનમાં એક નવી ઉડાન ભરે ત્યારે તેની પાંખો કાપવા કાતર કેમ તૈયાર હોય છે? વેલ, વાત અત્યારે કરવી છે કે એવા શક્તિપુંજની જેમણે જીવનપર્યત સામાજિક સંવેદનશીલતા અને કન્સર્ન સાથે કામ કર્યું. પંચોતેર વર્ષની ઉંમરે નારીવાદનાં પ્રખર હિમાયતી અને એક્ટિવિસ્ટ કમલા ભસીનની દેહ વિદાય થઇ છે. કમલાજીની કવિતા વાંચો, કોઈ ગીત સાંભળો કે મંચ પર એમને બોલતા સાંભળો...તમને સૌથી પહેલાં એમની સ્પષ્ટ વિચારધારા દેખાય. કમલાજીની કવિતાથી માંડીને દરેક કાર્યોમાં એકસૂત્રતા કાયમ રહી. વંચિત વર્ગ માટેની ચિંતા અને નક્કર કામ કરવાની એમની ધખના ઉત્તર ભારત કે સમગ્ર ભારત દેશ પૂરતી મર્યાદિત ના રહેતા દક્ષિણ એશિયા સુધી પહોંચી. દહેજપ્રથાથી થતાં મૃત્યુ, બળાત્કાર અને જાતીય હુમલાઓને વખોડીને વિરોધ કરવાની ચળવળમાં તેઓએ અગત્યની ભૂમિકા ભજવી. સમગ્ર દક્ષિણ એશિયામાં કમલા ભસીનની નારીવાદી કાર્યકરો અને સંવેદનશીલ બુદ્ધિજીવીઓ સાથે મૈત્રી હતી. સૈન્ય શાસિત પ્રદેશોમાં પિતૃસત્તાક માનસિકતા અને સ્ત્રીઓ પરનાં શોષણને પડકારીને એક સરેરાશ સ્ત્રીના જીવનમાં ગુણવત્તા વધે એ માટે પ્રયત્નો કર્યા. ‘કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય તો એની આબરૂ ગઈ એમ ના કહેવું જોઈએ, સ્ત્રીની આબરૂ એની યોનિમાં નથી. ખરેખર તો બળાત્કાર કરનાર પુરુષની આબરૂ પર પ્રશ્નો થવા જોઈએ.’ કમલા ભસીને આવા અનેક વિચારો એમની વિવિધ કૃતિ તેમજ વક્તવ્યમાં આપ્યા છે. સ્ત્રીની પ્રચંડ શક્તિ દર્શાવવા માટે તેના હાથમાં શસ્ત્ર હોય તે જરૂરી નથી, પરંતુ પોતાના વિચારો માટે આત્મવિશ્વાસ આવશ્યક છે. એક સરસ મજાનું પુસ્તકાલય પછી સંસ્થા બને અને જેનાં છત્ર નીચે વાંચી સ્ત્રીઓને આશ્રય સાથે ઓળખ મળે, કિશોરીઓને જીવન તાલીમ મળે, સાચા અર્થમાં સ્ત્રીની લાગણીને વાચા મળે એ શક્ય બન્યું. એંશી વર્ષની ઉંમરે શરીરને વિરામ આપનાર સોનલબહેન શુક્લે મુંબઈમાં ‘વાચા’ની શરૂઆત કરી. ત્રણ હજારથી વધુ વૈવિધ્યસભર પુસ્તકો ધરાવતું આ મહિલા વિશેષ પુસ્તકાલય હતું. સ્ત્રી માટે રિસોર્સ સેન્ટર ઉભું કરીને ગાંધી વિચારધારા સાથે શિક્ષિત થયેલ સોનલબહેને પરિવારથી દૂર થઇ ગયેલ દીકરીઓને આશ્રય આપ્યો અને એ સાથે તાલીમ પણ આપી. ઝુંપડપટ્ટીમાં રહેતી છોકરીઓ પાસે સોનલબહેનનું સરનામું મળતું ત્યારે તેઓ શિક્ષણ અને સ્વતંત્ર ઓળખની દિશા તરફ આગળ વધતા. બળાત્કાર વિરોધનું ગ્રુપ અને શોષણ વિરોધી ફોરમ બનાવી સોનલબહેને નારીવાદ માટે કામ કરવા માંગતી સંવેદનશીલ સ્ત્રીઓને પ્રેરણા આપી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિચારશીલ લેખન, સંગીત, સ્ત્રીઓના અધિકાર માટેની લડત, કિશોરીઓને જીવન કૌશલ્યોની તાલીમ વગેરે અર્થપૂર્ણ કામ સોનલ શુક્લને વ્યાખ્યાયિત કરે છે. જન્મથી મૃત્યુ વચ્ચેનો સમયગાળો સોનલબહેન માટે માત્ર વર્ષોનો સરવાળો નહીં, અનેક જીવનમાં અજવાસનો ઉમેરો હતો. નવરાત્રિમાં દૈવી શક્તિના પૂજન સાથે જીવતી જાગતી શક્તિ સ્વરૂપનું સન્માન થાય એ જ અપેક્ષા. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...