જોબન છલકે:પ્રેમની લાગણીનો વ્હેમ...!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વખત હું કોલેજ ગયો તો મેડમના હાથમાં ગુલાબી કવર હતું. રોમેન્ટિક કલરનું આ કવર જોઇને મારું મન ખીલી ઊઠ્યું...
  • સમય પસાર થતો ગયો એમ દિવસે દિવસે મારું મન એ પ્રોફેસર પ્રત્યે વધુ ને વધુ આકર્ષાતું ગયું. ક્યારેક મારું ચેતન મન બોલી ઊઠતું, ‘આ ખોટું છે. ગુરુ અને શિષ્યનો સંબંધ છે. આવું ન થાય.’

કોલેજના ફર્સ્ટ યરમાં એડમિશન લીધા બાદ મારે કયા વિષયો રાખવા છે એ તો નક્કી હતું, પણ અભ્યાસ ચાલુ થયાના થોડા જ સમયમાં હું બીમાર પડ્યો. ડોક્ટરે કમ્પલીટ બેડ રેસ્ટ કરવાનું જણાવ્યું એટલે કોલેજ અટેન્ડ કરવાનો કોઇ પ્રશ્ન જ નહોતો ઊભો થતો. મને ચિંતા થતી હતી મારા અભ્યાસની કે શરૂઆતમાં જ આ સમસ્યા આવી પડી છે. કોલેજમાં કોઇની સાથે ખાસ ફ્રેન્ડશિપ પણ નહોતી થઇ, કે મને નોટ્સ અને સિલેબસ અંગે જણાવે. છતાં મેં એમ વિચારીને મન મનાવ્યું કે, હશે, કોલેજ જઇશ ત્યારે જરૂરી લાગશે તો પ્રોફેસર્સને રિક્વેસ્ટ કરીને હું મારા કોર્સ અંગે જાણી લઇશ ને વાંચી લઇશ. હું બીમારીમાંથી સાજો થઇને કોલેજ આવ્યો ત્યારે પહેલા દિવસે અને પહેલા જ પીરિયડમાં જે મેડમ ક્લાસમાં આવ્યા, તેમને હું જોતો જ રહી ગયો. આટલા યંગ, હેન્ડસમ અને આવી પર્સનાલિટી ધરાવતા કોઇ પ્રોફેસરને હું પહેલી વાર જોતો હતો. એમણે પિસ્તાલીસ મિનિટના પીરિયડ દરમિયાન શું ભણાવ્યું તેની મને ખબર જ ન રહી અને હું એમનામાં જ ખોવાઇ ગયો. મારી બાજુમાં બેઠેલી મારો દોસ્ત મારી મનોસ્થિતિ સમજી ગયો હતો. પીરિયડ પૂરો થતાં એણે મારી સાથે મજાક કરી, ‘ભાઇ, ધ્યાન ક્યાં હતું ભણવામાં કે ભણાવનારમાં?’ અને હું એની સામે સ્મિત કરી ઊભો થઇ ગયો. પછી તો દિવસે દિવસે મારું મન એ પ્રોફેસર પ્રત્યે વધુ ને વધુ આકર્ષાતું ગયું. ક્યારેક મારું ચેતન મન બોલી ઊઠતું, ‘આ ખોટું છે. ગુરુ અને શિષ્યનો સંબંધ છે. આવું ન થાય.’ પણ ત્યાં જ દિલ જવાબ આપતું, ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર.’ અને પરીક્ષાઓ નજીક આવી ત્યારે મેં મારી રીતે તમામ તૈયારીઓ કરી લીધી હોવા છતાં મને એ પ્રોફેસરની નિકટ જવાનો મોકો મળી ગયો. કોલેજમાં સૌને ખબર હતી કે હું બીમાર હોવાથી શરૂઆતમાં ગેરહાજર હતો અને મારો અભ્યાસ અધૂરો હતો. આથી જ પ્રોફેસર્સ રૂમમાં જઇને મેં એ મેડમને મારી સમસ્યા કહી, ત્યારે એમણે મને અભ્યાસ પૂરો કરાવવાની ખાતરી આપી. દિવસો પસાર થવા સાથે કોલેજની લાઇબ્રેરી, ક્યારેક ક્લાસરૂમ, ક્યારેક પ્રોફેસર્સ રૂમમાં બેસી એ મેડમ મને શીખવતા. તેમણે હજી એક વર્ષ પહેલાં જ નોકરીની શરૂઆત કરી હતી અને અમારી વચ્ચે માત્ર પાંચ વર્ષનું જ અંતર હતું. આ કારણે મારું મન સતત તેમના સાંનિધ્યને માણવા માટે આતુર રહેતું હતું. હું તેમના આકર્ષણમાં એટલો ગળાડૂબ થઇ હતો કે ક્લાસમાં તેઓ ભણાવતા હોય ત્યારે મને એમ જ લાગતું હતું કે તેઓ સતત મને જ નિરખી રહ્યા છે અને પ્રેમની આગ બંને તરફ લાગી છે. મેં મારા ફ્રેન્ડને આ લાગણી જણાવી તો તેણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ માત્ર તારા મનનો વહેમ છે. ધીરે-ધીરે તેઓ મારા સપનામાં આવવા લાગ્યા અને સપનામાં જ મારી અત્યંત નજીક આવી ગયાં. હું પછી તો દીવાસ્વપ્નમાં રાચવા લાગ્યો. એક વખત હું કોલેજ ગયો તો મેડમના હાથમાં ગુલાબી કવર હતું. આ કવર જોઇને મારું મન ખીલી ઊઠ્યું અને મને લાગ્યું કે ચોક્કસ આમાં મારા પ્રત્યેના પ્રેમનો એકરાર જ હશે. જોકે પછી મેડમે તેમના એક મિત્રને આ કાર્ડ આપ્યું અને જાહેરાત કરી ત્યારે ખબર પડી કે એમાં એમના લગ્નની કંકોતરી હતી! મેં મારી નજરે આ કંકોતરી જોઇ ત્યારે પળવારમાં જ મેં જોયેલા તમામ સમણાં પત્તાનાં મહેલની જેમ કડડભૂસ થઇ ગયા. આજે પણ તેમની યાદ મારા દિલના ખૂણામાં સચવાયેલી છે. આજે પણ મને જ્યારે તેમની યાદ આવે છે ત્યારે હું તેમની તસવીર જોઇને મન મનાવી લઉં છું કે ‘હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગી મેં…’

અન્ય સમાચારો પણ છે...