તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:‘અચ્છા...હવે હમજાણું કે નાના ડોળાવાળાને કેમ ચસ્માં આવે...!’

જિગીષા ત્રિવેદી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

"ખબર પડી કશી...?’ હંસામાસીએ પંચાતની શરૂઆત કરી. એમને જે ખબર છે એ મને ય ખબર પડે એટલે હું પણ ઓટલે આવી. ‘એ તો પડે જ ને...હવારે જે તમે જોયું ઇ મેં ય જોયું જ ને! હું ત્યારે બહાર ઓટલે જ હતી’ કંકુકાકી બોલ્યાં એટલે કલાકાકી કેમ રહી જાય? એ પણ બોલ્યાં, ‘તે અમને પણ બધી ખબર છે જ.અમારે પણ આંખો તો છે જ અને મારે તો તમારા કરતા ડોળો પણ બે દોરા વાર મોટો છે એટલે મને તો દેખાય છે પણ જરા વાઈડ રેન્જમાં...’ ‘એ તો હવે બિલોરી કાચના ચસ્માંં છે એટલે...બાકી નાના ડોળાવાળા કરતાં મોટા ડોળાવાળાને વધારે મોટું ને ચોખ્ખું દેખાય. કોઈ બહુ મોટો ફેર ના પડે...!’ લીનાબહેને ચશ્માં પર ફોકસ કર્યું. ‘અલા મોટું તો બરોબર છે, પણ ચોખ્ખું કેવી રીતે દેખાય?’ હંસામાસીને પ્રશ્ન થયો અને લીનાબહેને ધારદાર તલવારથી પ્રહાર કર્યો, ‘લો બોલો...અલા...તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે કે સું! તમને પ્રોપર એક્ઝામ્પલ આલીને હમજાઉ એટલે તરત બધું ક્લિયર થઈ જશે. આ...આપડે મોબાઇલમાં ફોટા ચોખ્ખા જોવા હાટંુ થઈને મોટા નથી કરતાં? એમાં ફોટો મોટો થાય ત્યારે ચોખ્ખું દેખાય જ્યારે આમણે ડોળો જ પહેલેથી મોટો રાખ્યો છે એટલે સ્વાભાવિક રીતે જ ચોખ્ખું તો દેખાવાનું જ ને...હમજો તમે યાર! એટલે વાત તો સેમ ટુ સેમ જ થઈને યાર...આમ કાન પકડો કે તેમ કાન પકડો, એક જ વાત છે...’ ‘અચ્છા...હવે હમજાણંુ કે નાના ડોળાવાળાને કેમ વહેલાં ચસ્માંં આવે...! પણ હજી બી મને એક વાત નઇ હમજાતી, કે આ ચસ્માંનાં નંબર એક ને બે ને અઢી કે પછી પોણા ત્રણ એવા કેમ આવે?’ સવિતાકાકીએ પોતાને મુંઝવતો પ્રશ્ન રજૂ કર્યો. ‘એકચ્યુલી એ માપ છે...ડોળાનું...’ ‘પણ એ નક્કી કેવી રીતે થાય એમ પૂછું છું હું?’ સવિતાકાકીએ પ્રશ્ન સમજાવ્યો. ‘અરે રે...તમને તો ભઈસાબ કશી ખબર જ નથી યાર. હાંભળો...આપડે જેમ અનાજ કરિયાણામાં એક કિલો, લિક્વીડોમાં એક લિટર, લંબાઈ-પહોળાઈમાં એક ફૂટ, સોનામાં દસ ગ્રામ એવા સ્ટાન્ડર્ડ માપ ફિક્સ કરેલા હોય, એમ જ આમાં પણ એક નક્કી માપ હોય...’ આ વખતે કંકુકાકીએ જવાબ આપ્યો. ‘આપણે જેમ બંગડીમાં બે-બે આની, બે-ચાર આની એમ સાઈજ ફિક્સ હોય એવી રીતે?’ સવિતાકાકીએ સમજી ગયાની સાબિતી આપી. ‘હં...હં...હવે હમજ્યા! એવી જ રીતે ડોળાની બી એક સ્ટાન્ડર્ડ સાઈજ નક્કી કરી હોય આંખના ડોકટરો એ...એ લોકો મશીનમાં આપડી કીકીની સાઈઝ માપે...’ કંકુકાકીએ આગળ સમજાવ્યું અને હોંશીયાર સવિતાકાકીએ ફરી સાબિતી આપી, ‘મને લાગે છે કે કીકી ગોળ હોય છે તો એ નાના-નાના ગોળ-ગોળ મીંડાંઓની જ બનેલી હશે...’ ‘જેની બે મીંડાં જેટલી નાની કીકી હોય એને ચસ્માંના બે નંબર આવે...અઢી મીંડાં જેટલી નાની હોય એને અઢી નંબર આવે... એટલે જ તો તમે જોજો, ડોક્ટર નંબર પહેલા આમ માયનસની નિશાની કરે છે.’ લીનાબહેને વિગતે સમજાવ્યું. ‘તો પછી વત્તાની એટલે કે પ્લસ નિશાનીનો સો અર્થ?’ હંસામાસીએ પૂછ્યું. ‘સિમ્પલ જ છે યાર...પેસન્ટની કીકીમાં એક બે કે અઢી મીંડાંં વધારે હોય તો જ વત્તાકારની નિશાની કરે ને યાર! એ મુજબ ચસ્માંની દુકાનવાળાને કાચ બનાવવાનો આઇડિયા આવે એના માટેની આ નિશાનીઓ છે...એ નિશાનીઓ ઉપરથી એ લોકો કીકીનાં મીંડાંં મેનેજ થાય એવા કાચ બનાવે ચસ્માંનાં...’ લીનાબહેને જરા ઊંચા અવાજે કહ્યું. ‘અલા...તો ય મારો એક પ્રસ્ન તો ઊભો ને ઊભો જ છે મનમાં.. કે આ મોતિયો સું હોતો હસે?’ (સવિતાકાકીને આજ તો બહુ પ્રશ્નો થયા ભઈસાબ.) ‘હે ભગવાન, મોતિયો એટલે એક જાતની ગાંઠ જ હોય અને એ જો તમારી કીકીમાં જનમથી જ તૈણ-ચાર મીંડાં વધારે હોય અને તમે એને મેનેજ કરવાનાં ચસ્માં ટાઈમસર ના કરાવો તો એ મીંડાંં ભેગા થઈને એક ગાંઠમાં પરિવર્તિત થઈ જાય.’ લીનાબહેને વૈજ્ઞાનિક રીસર્ચ કર્યા બાદ સમજાવે તેવી જ રીતે સમજાવ્યું. ‘એનો અરથ તો એ, કે નાની કીકી વાળા કરતાં મોટી કીકીવાળાને મોતિયાનું જોખમ ખરું...’ (સવિતાકાકી હોંશીયાર તો ખરા હોં) ‘તો પછી મારા નાનીને કેમ મોતિયો આયો હસે ? એમની કીકી તો બહુ નાની છે...’ કલાકાકીએ પૂછ્યું. ‘દાકતરને મીંડાં મેનેજ કરવામાં ગફલત થઈ હોય તો જ એવું બને...હોય બે જ મીંડાંં ઓછા અને નંબર કાઢે ચાર. પછી તો કીકીમાં ગાંઠો પડી જ જાય ને યાર! મૂળ મુદ્દે ફિક્સ ગણતરીનાં મીંડાં કરતાં આઘું પાછું થઈ જાય તો મોતિયો આવે...’ લીનાબહેને ચેપ્ટર પૂરું કરતાં કહ્યું. હું તો અહોભાવથી ખુશ થઈ ગઈ. આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં બોલો...

અન્ય સમાચારો પણ છે...