તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:પ્રેગ્નન્સી પછી વધી ગયેલું વજન ઊતરતું જ નથી, શું કરું?

વનિતા વોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 30 વર્ષની મહિલા છું. મારે ત્રણ વર્ષની દીકરી છે. મારી તકલીફ એ છે કે ડિલિવરી પછીનું મારું વજન ઘટ્યું જ નથી. પ્રેગ્નન્સીમાં મારું વજન 18 કિલો જેટલું વધી ગયું હતું. હું થોડું વધારે કેલરીવાળું ભોજન કરું કે તરત વજન વધી જાય છે. મારી અને મારા પતિની ઉંમર સાવ સરખી છે. તેમની લાઇફસ્ટાઇલ અત્યંત ખરાબ છે. મારા કરતાં તે વધુ અનહેલ્ધી ખોરાક ખાય છે, છતાં તેમના શરીરમાં પચી જાય છે, મારા માટે શું કરું? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : દરેક વ્યક્તિનું શારીરિક બંધારણ અલગ અલગ હોય છે. સ્ત્રી અને પુરુષનું મેટાબોલિઝમ અલગ જ હોય છે કારણ કે પુરુષનાં શરીરમાં ચરબી કરતા સ્નાયુઓ વધારે હોય છે. સ્ત્રીનું શરીર જીવન દરમિયાન અનેક શારીરિક પરિવર્તન સામનો કરે છે. સ્ત્રીનાં શરીરમાં જેટલી હોર્મોનલ ઊથલપાથલ થાય છે એટલી પુરુષોમાં થતી નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો સમજાશે કે કેમ સ્ત્રીનું શરીર જલદી વધે છે. જો તમને લાગતું હોય કે તમારું મેટાબોલિઝમ મજબૂત નથી તો લાઇફસ્ટાઇલ સુધારવાથી, એક્સરસાઇઝ કરવાથી, પોષણક્ષમ ખોરાક ખાવાથી કે સમય પર સુવાથી એને મજબૂત બનાવી શકાય છે. તમે બેલેન્સ્ડ ડાયટ લો. નિયમિત દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો. એનર્જી વધારો અને ખુશ રહેતા શીખો. તમારા શરીર પર બદલાવ દેખાવા લાગશે. શરીરમાં સ્નાયુઓ મજબૂત હોય અને ફેટની ટકાવારી ઓછી હોય તો વજન થોડું વધારે હોય તો એ ચિંતાનો વિષય નથી. પ્રશ્ન : મારી દીકરી 8 વર્ષની છે અને છેલ્લાં દોઢ વર્ષથી ઓનલાઈન સ્કૂલ જ ભણી રહી છે. ભણવામાં કોઇ ડિસ્ટર્બ ન કરે એ માટે તે ઇયર-ફોન વાપરે છે. હવે એને એની આદત પડી ગઇ છે. તે હવે આખો દિવસ કંઈ પણ જોવું હોય કે સાંભળવું હોય તો ઈયર-ફોન તો ભરાવેલા જ રાખે છે. શું ઈયર-ફોનનો ઉપયોગ યોગ્ય છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : તમારી ચિંતા એકદમ યોગ્ય છે. ઈયર-ફોનનો ઉપયોગ કાન માટે બિલકુલ યોગ્ય નથી કારણકે ઈયર-ફોન કાનની સાંભળવાની શક્તિને નુકસાન પહોંચાડે કરે છે. બાળકોના કાન માટે તો એ બિલકુલ સારી બાબત નથી. સતત હેડ-ફોન કાનમાં હોવાને કારણે એની કુદરતી કાર્યશૈલી ખોરવાય છે. આ સિવાય કાનમાં અમુક પ્રકારનાં ઇન્ફેક્શનનું કારણ પણ હેડ-ફોન જ હોય છે. જ્યાં સુધી બહેરાશની વાત છે તો એ લક્ષણ તાત્કાલિક દેખાતું હોતું નથી. લાંબા ગાળાના વપરાશ પછી જ એ દેખાય છે. બાળકને અવાજની વચ્ચે ભણવા પર ધ્યાન આપીને એકાગ્ર કરતાં શીખવો. ઈયર-ફોનની આદત તમારી દીકરી માટે બિલકુલ યોગ્ય નથી. પ્રશ્ન : મારી ઉંમર 22 વર્ષની છે અને મને પીસીઓએસ (પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) છે. ગત થોડા મહિનાથી મારી બીમારીની દવા ચાલી રહી છે. મારા ગાયનેકોલોજીસ્ટે કહ્યું કે જ્યાં સુધી આ મુશ્કેલીની દવા ચાલી રહી છે ત્યાં સુધી હું જાતીય સંબંધથી દૂર રહું. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે પીસીઓએસને કંટ્રોલ કરવામાં ખૂબ જ લાંબો સમય લાગે છે. જો હું ડોક્ટરની સલાહ અવગણું તો શું મને કોઈ સમસ્યા થઈ શકે છે? શું ભવિષ્યમાં હું જ્યારે ફેમિલી શરુ કરવાની કોશિશ કરું તો મને તબીયતને લઈને કોઈ સમસ્યા થઈ શકે ખરી? એક મહિલા (સુરત) ઉત્તર : તમારાં ગાયનેકોલોજીસ્ટે કંઈક સમજી વિચારીને જ તમને આ સલાહ આપી હશે. જોકે, સામાન્ય રીતે પીસીઓએસના દર્દીને ઈન્ટરકોર્સથી દૂર રહેવાની સલાહ આપવામાં નથી આવતી. ગાયનેકોલોજીસ્ટની આ સલાહ પાછળ કોઇ બીજું ખાસ કારણ હોવું જોઇએ, પીસીઓેએસ નહીં. તમારે ડોક્ટરને એ પૂછવું જોઈએ કે આખરે તેમણે તમને આવી સલાહ શા માટે આપી? જો તમે ડોક્ટરની સલાહને અવગણીને સેક્સ માણવા ઈચ્છો જ છો તો પછી કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારી સમસ્યાની યોગ્ય સારવાર થઇ જશે તો મને નથી લાગતું કે ભવિષ્યમાં જ્યારે તમે ફેમિલી પ્લાન કરો ત્યારે કોઇ અવરોધ નડે. મને લાગે છે કે તમારા પ્રશ્નો બહુ ગંભીર અને મહત્ત્વના છે એટલે તમારે ડોક્ટર પાસેથી એનો સ્પષ્ટ જવાબ જાણી લેવો જોઇએ. પ્રશ્ન : હું 32 વર્ષનો પુરુષ છું. મને શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે. આ કારણે હું ભારે હતાશા અનુભવું છું. શું મને મોટી બીમારી થઇ છે? મારી આ સમસ્યાને કઇ રીતે દૂર કરી શકું? એક પુરુષ (ગાંધીનગર) ઉત્તર : શીઘ્ર સ્ખલનની સમસ્યા ઘણાં કારણસર હોઈ શકે છે. ઘણી વખત અનિયમિત રીતે જાતીય જીવન માણતાં હોઈએ એટલે કે લાંબા ગાળાના અંતરમાં જાતીય જીવન માણતાં હોઈએ તેવા સમયમાં નોર્મલ સમય કરતાં વહેલા વીર્ય સ્ખલન થઈ શકે છે. ઘણી વખત બ્રેઈનમાંથી મેસેજીસ ઝડપથી ટ્રાન્સફર થતા હોય છે, તેને કારણે પણ ઝડપથી સ્ખલન થઈ જતું હોય છે. ઘણી વ્યક્તિઓમાં શિશ્નના આગળનો ભાગ ખૂબ જ સેન્સિટિવ હોય છે જેના કારણે તેઓ સ્ખલન થતા રોકી શકતા નથી. જોકે કેટલાક ઉપાયો કરીને આ સમસ્યામાં રાહત મેળવી શકાય છે. સૌથી પહેલા તો બે સમાગમ વચ્ચેનો સમયગાળો ઓછો કરવો એટલે કે અઠવાડિયામાં નિયમિત ઓછામાં ઓછું એક કે બે વખત જાતીય જીવન માણો. આમ કરવાથી પણ ઘણા વ્યક્તિઓને કોઈ જ દવા વગર શીઘ્ર સ્ખલનમાં રાહત મળતી હોય છે. આ સમસ્યામાં રાહત મેળવવા કોન્ડોમનો પણ ઉપયોગ કરી શકાય છે. સ્ખલન લંબાવવા ઉપરાંત કોન્ડોમથી અન્ય ફાયદા પણ થાય છે. કોન્ડોમના ઉપયોગથી જાતીય રોગ સામે રક્ષણ મળે છે તેમ જ વણજોઇતા ગર્ભની સમસ્યા નથી રહેતી. જોકે બજારમાં મળતા લોંગ લાસ્ટિંગ નિરોધનો ઉપયોગ કરવો હિતાવહ નથી કારણ કે તેની અંદર લિગ્નોપેઈન જેલી હોય છે. જેના કારણે પછીથી સેન્સેશન ઓછું થઈ જાય છે. લાંબા ગાળે તેનાથી નપુંસકતા પણ આવી શકે છે. જો આ નુસખા અપનાવ્યાં બાદ પણ ફાયદો ન થાય તો કોઇ નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી કારણ કે આ સ્થિતિ માટે બીજા અનેક શારીરિક કારણો પણ જવાબદાર હોઇ શકે જેની શક્ય એટલી ઝડપી સારવાર કરાવવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...