પહેલું સુખ તે...:વજન ઉતારવા જરૂરી છે પૂરતી નિંદર

સપના વ્યાસ, વેઇટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક વ્યક્તિ માટે રોજ રાત્રે 7-8 કલાકની નિયમિત ઊંઘ જરૂરી છે. કેટલીક વ્યક્તિઓને વધારે ઊંઘ જોઇએ છે તો કેટલાક માટે ઓછી નિંદર પણ પૂરતી સાબિત થાય છે

જ્યારે સંપૂર્ણ સ્વાસ્થ્ય અને વેલ બીઇંગનો મુદ્દો ચર્ચામાં આવે છે ત્યારે આપણને બધાને ખબર છે કે એક્સરસાઇઝ અને યોગ્ય આહાર કેટલો જરૂરી છે. આપણામાંથી ઘણાં લોકો ફિઝિકલ એક્ટિવિટી વધારીને કે પછી સમજદારીપૂર્વક યોગ્ય આહારની પસંદગી કરીને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવાનો પ્રયાસ પણ કરે છે. જોકે સતત ઝડપથી દોડતી દુનિયામાં જ્યારે સ્ટ્રેસ લેવલ વધારે હોય અને આપણે સતત અલગ અલગ ડેડલાઇન સાચવવા માટે દોડધામ કરતા હોઇએ ત્યારે ઘણી વખત આપણી પાયાની જરૂરિયાત એવી નિંદરની અવગણના કરતા હોઇએ છીએ. હકીકત એ છે કે ઊંઘ માત્ર સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી નથી, પણ વજન ઉતારવા માટે પણ મહત્ત્વનું પરિબળ છે. કેટલી ઊંઘ જરૂરી? ઘણાં સંશોધનોનું તારણ છે કે દરેક વ્યક્તિ માટે રોજ રાત્રે 7-8 કલાકની નિયમિત નિંદર જરૂરી છે. કેટલીક વ્યક્તિઓને વધારે ઊંઘ જોઇએ છે તો કેટલાક માટે આનાથી ઓછી નિંદર પણ પૂરતી સાબિત થાય છે. આ કારણોસર તમે રોજ આઠ કલાક નિંદર ન લેતા હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. જોકે રાત્રે કેટલા કલાકની નિદ્રા કરી એના કરતા આખી રાત દરમિયાન કેટલો આરામ થાય છે અને રોજ સવારે ઉઠ્યા પછી અને આખો દિવસ કેટલા જાગૃત અને સ્ફૂર્તિવાળા રહેવાય છે એના પર ધ્યાન આપવું જરૂરી છે. એકવાર તમને તમારા જરૂરિયાત જેટલા ઊંઘના કલાકોની ખબર પડી જાય એ પછી તમારા સ્લિપ રૂટીનને વળગી રહો. નિયમિત નિંદરની વર્કઆઉટ પર અસર શું પૂરતી અને નિયમિત નિંદર કરવાથી તમે વધારે સારી રીતે વર્કઆઉટ કરી શકો છો? આ સવાલનો જવાબ છે કે...જ્યારે તમે વર્કઆઉટ કરો છો ત્યારે જિમમાં શું કરો છો એ જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વનું તમે જિમની બહાર શું ખાઓ છો, શું પીઓ છો અને ખાસ કરીને તમે કેટલી ઊંઘ લો છો એ છે. તમે જેટલો સારી રીતે આરામ કરશો એટલું જ વધારે સારી રીતે મન અને શરીર કાર્યરત રહેશે. આ વાતની અસર જિમમાં કરવામાં આવતાં વર્કઆઉટ પર પણ પડે છે. પૂરતી નિંદર લેવાથી વર્કઆઉટ કરવા માટેની ડ્રાઇવ અને સ્ટ્રેન્થમાં માત્ર વધારો જ નથી થતો પણ એના કારણે કોન્સન્ટ્રેશન, મૂડ અને ફોક્સ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે જેના કારણે વર્કઆઉટ વધારે સારી રીતે કરી શકાય છે. જો તમને એક્સરસાઇઝનું હકારાત્મક પરિણામ જોઇતું હોય તો પૂરતા પ્રમાણમાં નિંદર લેવી જરૂરી છે. ‘મી ટાઇમ’ ન બને ઉજાગરાનું કારણ આખો દિવસ કામમાં ગળાડૂબ થયા પછી રાત્રે નિરાંતે થોડોક સમય તમને ફેવરિટ શો જોવાની કે પછી સોશિયલ મીડિયાની દુનિયામાં થોડો સમય પસાર કરવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે પણ પછી આ પ્રવૃત્તિમાં મધરાત થઇ જાય છે અને થોડાક જ કલાકો પછી નવો વ્યસ્ત દિવસ શરૂ થઇ જાય છે. જે લોકો ઊંઘને ટાળતા હોય છે તેમનો ઇરાદો સ્ટ્રેસથી ભરેલા વ્યસ્ત દિવસ પછી થોડી રાહત મેળવવાનો હોય છે પણ ઊંઘના કલાકોમાં ઘટાડો થવાથી સ્ટ્રેસમાં વધારો જ થાય છે. યોગ્ય નિંદરની હેલ્ધી હેબિટ્સ આખા દિવસ દરમિયાન તમારી તમામ પ્રવૃત્તિઓની અને ખાસ કરીને સૂતા પહેલાંની એક્ટિવિટી તમારી નિંદર પર ઊંડી અસર પડતી હોય છે. આના કારણે ગાઢ નિંદર આવી શકે છે અથવા તો નિંદર ડિસ્ટર્બ થઇ શકે છે. વ્યક્તિ સારી અને સાઉન્ડ સ્લિપ કરી શકે એ માટે યોગ્ય આદતોનું પાલન કરે તો એનો ફાયદો ભવિષ્યના જીવનનાં અનેક પાસાંમાં થઇ શકે છે. આદતો એ પછી સારી હોય કે ખરાબ...આપણને અમુક ખાસ રીતે વર્તન કરવા માટે અથવા વિચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ અને આદતમાં સરળ પણ જરૂરી ફેરફાર તમને આખી રાત દરમિયાન સારી નિંદર લાવવામાં મદદ કરે છે. આમ, તમારી ઊંઘવાની આદતો પર ધ્યાન આપવાનું ઝડપથી શરૂ કરી દો. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો પૂરતો આરામ કરવો પણ જરૂરી છે.

સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ ફિઝિકલ એક્ટિવિટી માટે સમય ફાળવો. સૂર્યપ્રકાશ અને તાજી હવાને માણો. રાતના 8 વાગ્યા સુધી ડિનર કરી લો. જે પીણાંમાં વધારે પ્રમાણમાં કેફિન હોય એ લેવાનું ટાળો. રાત્રે સૂવાના અને સવારે ઉઠવાના સમયનું નિયમિત રીતે પાલન કરો. વિક-એન્ડ દરમિયાન પણ આ સમયનું પાલન કરો. સૂતા પહેલાનું એક ખાસ સ્લિપ રૂટીન નિયત કરો. આમાં સ્નાન, રીડિંગ, મેડિટેશન અથવા તો મ્યુઝિક સાંભળવું જેવી બાબતોનો પસંદગી પ્રમાણે સમાવેશ કરવો જોઇએ. બેડરૂમનું તાપમાન કમ્ફર્ટેબલ હોવું જોઇએ. ત્યાં શાંતિ અને અંધારું હોવું જોઇએ. દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને બેડરૂમથી દૂર જ રાખો. contact@sapnavyas.com

અન્ય સમાચારો પણ છે...