પહેલું સુખ તે...:વેઇટ લોસ: માનસિક ભ્રમણાઓથી બચો

16 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

જો તમે વજન ઉતારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હોય પણ એમાં સફળતા ન મળતી હોય તો એમાં શારીરિક પરિસ્થિતિની સાથે સાથે કેટલીક માનસિક ભ્રમણાઓ પણ જવાબદાર હોય છે. આવી કેટલીક ભ્રમણાઓ અથવા તો સાયકોલોજિકલ બ્લોક્સ નીચે પ્રમાણે છે. ‘ઓલ-ઓર-નથિંગ’ થિન્કિંગ જો તમે વજન ઉતારવા માટેના ડાયટ પ્લાનનું પરર્ફેક્ટ પ્લાન કરવાની અથવા તો એનું બિલકુલ પાલન ન કરી શકવાની સ્થિતિ વચ્ચે રહેલી પાતળી ભેદરેખા પર ચાલી રહ્યા હોય છો તો શક્ય છે કે તમે ‘‘ઓલ-ઓર-નથિંગ’ થિન્કિંગ’ તરીકે ઓળખાતી વિચારસરણીનો ભોગ બન્યા છો. વ્યક્તિ જ્યારે વજન ઉતારવાનો પ્રયાસ કરતી હોય ત્યારે ફૂડની પસંદગીના મામલે સદંતર સફળતાનો આગ્રહ રાખવા લાગે અને એવું ન થાય તો પોતે સદંતર નિષ્ફળ નીવડી છે એવી લાગણી અનુભવવા લાગે ત્યારે ‘ઓલ-ઓર-નથિંગ’ થિન્કિંગનો ભોગ બની જાય છે. જો વ્યક્તિ આવી વિચારસરણીનો ભોગ બની હોય તો એને ક્યારેય હાઇ કેલરી ભોજનની મજા માણ્યા પછી હેલ્ધી ડાયટ પેટર્નને ફરી અપનાવવામાં બહુ મુશ્કેલી પડે છે. આવી વ્યક્તિ ડાયટ પ્લાન નિષ્ફળ જ નિવડ્યો જ એવી માનસિક ભ્રમણાને સત્ય માનીને ઓવરઇટિંગ કરવાના રવાડે ચડી જાય છે. નેગેટિવ બોડી ઇમેજ જો તમે તમારી બોડી સાઇઝ અને શેપમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હો તો શક્ય છે કે તમે હાલના બોડી શેપ અને સાઇઝથી સંતુષ્ટ ન હો. તમે તમારી હેલ્થ કે લુકમાં ફેરફાર કરવા ઇચ્છતા હો અને એ માટે પ્રયત્નશીલ હો તો એમાં કંઇ ખોટું નથી પણ જો તમારી બોડી ઇમેજ નેગેટિવ હશે તો એ તમારી હેલ્થ પ્રોગ્રેસને અટકાવશે અને આત્મવિશ્વાસને નબળો બનાવશે. કેટલીક વ્યક્તિઓ માટે નેગેટિવ બોડી ઇમેજ એ જાતનું મૂલ્યાંકન કરવાનો એકમાત્ર વિકલ્પ હોય છે. તેઓ એમ વિચારતા હોય છે કે તેમની વેલ્યૂ માત્ર બોડી શેપ, સાઇઝ અથવા તો તેમની ફૂડ પસંદગીના આધારે જ નક્કી થાય છે. જ્યારે વ્યક્તિ ખાનપાનની સ્વસ્થ આદતને અપનાવીને યોગ્ય વજન મેળવવાનો પ્રયાસ કરી રહી હોય ત્યારે આ પ્રકારની માનસિક ભ્રમણા સફળતા મેળવવાના રસ્તામાં બાધક બને છે. નેગેટિવ બોડી ઇમેજનો સીધો સંબંધ અયોગ્ય ખાનપાનની આદતો અને બીજી સમસ્યાઓ સાથે છે. સ્ટ્રેસ મનભાવતું કમ્ફર્ટ ફૂડ આરોગવાનું આ સહેલું અને હાથવગું બહાનું છે. મોટાભાગના લોકોને ભાવતી વસ્તુ ખાવાથી હકારાત્મક લાગણી અનુભવાય છે અને જ્યારે વ્યક્તિ સ્ટ્રેસનો સામનો કરી રહી હોય ત્યારે આ વાતનો ઉપયોગ તેમના ઇમોશન્સને હેન્ડલ કરવા માટે કરવા લાગે છે. દરેક પ્રકારનો બોડી શેપ અને સાઇઝ ધરાવતા લોકો ક્યારેક ને ક્યારેય આ ટ્રિકનો ફાયદો ઉઠાવતા જ હોય છે. જોકે જો તમે વજન ઉતારવા માટે મક્કમ પ્રયાસ કરી રહ્યા હોય અને તમારા માટે સ્ટ્રેસને દૂર કરવા માટેનો એકમાત્ર વિકલ્પ ભાવતાં ભોજનનો જ હોય તો સ્ટ્રેસની સ્થિતિમાં તમે ઓવર-ઇટિંગ તો કરો જ છો પણ ખાવા માટે પણ એવા ફૂડની પસંદગી કરી બેસો છો જેનાથી વજન ઘટાડવા ઇચ્છતી વ્યક્તિએ દૂર જ રહેવાનું હોય. આ ફૂડ સામાન્ય રીતે શુગરથી ભરપૂર અને વધારે કેલરી ધરાવતા ખાદ્યપદાર્થો હોય છે. વ્યક્તિનું શરીર જ્યારે સ્ટ્રેસનો અનુભવ કરે છે ત્યારે શરીરમાં કાર્ટિસોલ નામના અંત:સ્ત્રાવનું વધારે ઉત્પાદન થાય છે. આ અંત:સ્ત્રાવ વજનના વધારા માટે જવાબદાર અંત:સ્ત્રાવ છે. કેટલીક વ્યક્તિઓ વજન ઉતારવા માટે આકરા પ્રયાસ કરતી હોય છે અને જો એ સ્ટ્રેસમાં રહેતી હોય તો તેને વજન ઉતારવાના પ્રયાસનું કોઇ પરિણામ જ નથી મળતું કારણ કે સ્ટ્રેસની હાજરીને કારણે તેમનું શરીર આ પ્રયાસોને પ્રતિભાવ જ નથી આપતું. આમ, જો વ્યક્તિ વજન ઉતારીને વધારે સ્વસ્થ થવા ઇચ્છથી હોય તો સ્ટ્રેસ તેમના માર્ગનો મોટો અવરોધ સાબિત થાય છે. અવરોધ દૂર કરવાના રસ્તા 1. જર્નલ બનાવો વજન ઉતારવાના રસ્તામાંથી અવરોધ દૂર કરવાના ટાર્ગેટને સિદ્ધ કરવામાં જર્નલનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. તમે આ જર્નલમાં તમારા ફૂડ-ઇનટેકની તમામ વિગતો નોંધી શકો છો. તમે પછી નવરાશમાં આ વિગતોનો અભ્યાસ કરીને તમારા વિચારોમાં સ્પષ્ટતા મેળવીને સ્ટ્રેસ ઊભા કરતા પરિબળોને પણ શોધી શકો છો. આ જર્નલની મદદથી આહારનો ટ્રેકરેકોર્ડ રાખી શકો છો. 2. નાનાં પરિવર્તન કરો લાઇફ સ્ટાઇલમાં નાનાં-નાનાં પરિવર્તન કરવાથી તમે થોડા સમયમાં જ એકસાથે બહુ મોટાં પરિવર્તન કરવાના સ્ટ્રેસમાંથી બચી જશો. જો તમે એકસાથે ઘણું બધું કરવાનો નિર્ધા કરશો તો શક્ય છે કે પરિવર્તનની પ્રક્રિયામાંથી રસ ઊડી જાય અને તમે આત્મવિશ્વાસ ગુમાવી બેશો. જો તમે જીવનમાં નાનાં-નાનાં પરિવર્તનને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો તો તમને સફળતાની લાગણીનો અહેસાસ થશે જે તમને આગળ વધવાનો ઉત્સાહ પૂરો પાડશે. 3. જાતને સાંભળો તમે જ્યારે કંઇ પણ કરો છો ત્યારે તમારું મન તમારી જાતને સંદેશ આપતું જ હોય છે...આ વાતને સમજપૂર્વક સાંભળવાની આદત પાડો. જો મનમાં નકારાત્મક વિચારો આવતા હોય તો એને દૂર કરવાના પ્રયાસ કરો કારણ કે આ વિચારો જ સ્વાસ્થ્ય સુધી પહોંચવાના રસ્તા પરનો અવરોધ સાબિત થઇ શકે છે. 4. રિલેક્સેશન ટેક્નિક શીખો જો તમે સ્ટ્રેસ ઊભો કરતા લોકો કે પરિસ્થિતિથી દૂર રહી શકો એ શક્ય ન હોય તો સ્ટ્રેસફુલ સમયમાં ઇમોશનને નિયંત્રિત કરવા માટે રિલેક્સેશન ટેક્નિક શીખવાથી અને એને અમલમાં મૂકવાથી ઘણી રાહત મળે છે. 5. મદદ માગો અનેક નિષ્ણાતોએ વેઇટ-લોસના પ્રવાસમાં જે ડિપ્રેશન, પોસ્ટ ટ્રોમા અને બીજા મુદ્દાઓનો સામનો કરવો પડે છે એનો યોગ્ય રીતે સામનો કરવાની ટ્રેનિંગ લીધેલી હોય છે. જો તમને ઓવર-ઇટિંગ કે પછી વેઇટ ગેનની સમસ્યા સતાવતી હોય તો બિહેવિયરલ ચેન્જને સમજવ માટે નિષ્ણાતની મદદ લેવામાં શરમાવું જોઇએ નહીં. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...