શરીર પૂછે સવાલ:પ્રેગ્નન્સી પછી વધેલું વજન ઘટી નથી રહ્યું...!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વનિતા વોરા

પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું. મારું વજન બહુ ઓછું છે. મારી સમસ્યા છે કે મને બહુ ભૂખ લાગે છે પણ હું સારી રીતે ભોજન નથી કરી શકતી. હું થોડું ભોજન કરું ત્યાં તો મારું પેટ ભરાઇ જાય છે. શું મને કોઇ મોટી સમસ્યા હશે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ઘણીવાર યુવતીઓનું વજન ઓછું હોય છે. તેમને ભૂખ તો લાગે છે, પણ જેટલી ભૂખ હોય તેટલું ભોજન નથી થઇ શકતું. આવી યુવતીઓએ ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઇએ. તેનાથી સ્નાયુઓનો વિકાસ થવાની સાથોસાથ ભૂખ પણ લાગે છે. તેમણે નાસ્તામાં ડ્રાય ફ્રૂટ્સ, ચીઝ, પનીર, માખણ અને ઓછામાં ઓછા બે કેળાં ખાવા જોઇએ. બપોરના ભોજનમાં ત્રણ-ચાર રોટલી અને શાકની સાથે બ્રાઉન રાઇસ અને દાળ ખાવાં. મરી અને પલાળેલા ચણાનું સલાડ દિવસમાં એક વાર અવશ્ય ખાવું. સવારે ઊઠીને નવશેકું પાણી પીઓ. એનાથી પેટ સાફ રહેશે. એકસાથે ભોજન કરવાને બદલે પેટ થોડું ખાલી રાખવું અને ત્રણ સમયનું ભોજન ન કરતાં પાંચ વાર ખાવાનું રાખવું. બહાર બનાવેલાં ભોજન અથવા જંકફૂડનાં સેવનથી દૂર રહેવું. અલબત્ત, પંદર દિવસે એકાદ વાર બહાર જમવું હોય તો જમી શકાય છે. ઘરે જ બનાવેલી રસોઇ જમવાની આદત પાડો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2થી 3 લિટર પાણી પીઓ. પ્રશ્ન : મારી દીકરી આઠ વર્ષની છે અને તે મને ઘણી વખત જવાબ આપવામાં તકલીફ પડે એવા જાતીય મુદ્દાઓ વિશે સવાલ કરે છે. હું અસમંજસમાં છું કે મારે મારી દીકરીને સેક્સ એજ્યુકેશન ક્યારે અને કેટલું આપવું જોઇએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : બાળકોમાં સેક્સ એજ્યુકેશન અને તેમની ઉંમર વચ્ચે હમેશાં માતા-પિતા અને શિક્ષક અસમંજસમાં રહે છે. હકીકતમાં બાળકને નાનપણથી જ થોડું થોડું પાયાનું જ્ઞાન કરાવતા રહેવું જોઈએ. તેના માટે કોઈ ચોક્કસ ઉંમરની જરૂર નથી. એ તો તેની ઉંમર પ્રમાણે તેને શિખવવામાં આવે છે. જે રીતે તેની ઉંમર વધે છે આ વિષયમાં તેની જિજ્ઞાસા વધે છે તે પ્રમાણે આપે તેનું જ્ઞાન વધારવું જોઈએ. આ મુદ્દા વિશે તો જે તે માતા પિતાએ તેમના બાળકો સાથે સીધે સીધી વાત કરવી જોઈએ. આ માટે કોઈ જ પૂર્વગ્રહ રાખવાની જરૂર નથી બાળક છોકરો હોય કે છોકરી...તેને આ વિશે ઉંમર પ્રમાણે જાણ કરો. બ‌ા‌ળકને કોઈ અણગમતી હરકત કે સ્પર્શ વિશે માહિતી આપવી જોઈએ જેથી તેમની સાથે ક્યારેય પણ આવી કોઈ ઘટના ઘટે તો તેઓ ડર વગર આપને આ વિશે જણાવી શકે. તમારે આ સમજ એવી રીતે આપવી જોઇએ જેથી બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાઇ જાય અને તે ડરે નહીં. પ્રશ્ન : મને ઊઠતી-બેસતી વખતે સાંધામાંથી ટચાકા ફૂટતા હોય એવો અવાજ આવે છે. મને કોઇ મોટી બીમારી તો નહીં હોય ને? એક મહિલા (સુરત) ઉત્તર : જો સાંધામાંથી ટચાકા ફૂટતા હોય અને સાથે સાથે સાંધામાં દુખાવો રહેતો હોય, સાંધાને કામ કરવામાં મુશ્કેલી પડતી હોય અથવા સોજો આવી જતો હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો કેમ કે આ લક્ષણો સાંધાનાં આર્થ્રાઇટિસના હોઇ શકે છે. આ સિવાય ડિજનરેટિવ ડિસઓર્ડરને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યામાં અસરગ્રસ્ત અંગ કે ટિશ્યૂ સમય પસાર થવાની સાથે ખરાબ થતા જાય છે. ક્યારેક આ અવાજ હાડકાં એકબીજા સાથે અથડાવાને કારણે પણ થાય છે. જો તેની સાથે દુખાવો પણ થતો હોય તો ડોક્ટરને બતાવો. સામાન્ય રીતે તો આ અવાજ ક્યારેક જ આવતો હોય છે અને એ માટે કોઇ પ્રકારની સારવાર કરાવાની જરૂર નથી પડતી. એનાથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખો જેથી સાંધા પર વધારે વજન ન આવે. સાંધા અને સ્નાયુઓ મજબૂત અને સક્રિય રહે તે માટે કસરત કરો. પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું. મેં છ મહિના પહેલાં બાળકને જન્મ આપ્યો છે. છેલ્લાં ચાર મહિનાથી હું પ્રેગ્નન્સી પછી વધેલું વજન ઘટાડવા માટે યોગ, ફિટનેસ ટ્રેનિંગ અને યોગ્ય ડાયટ જેવા વિકલ્પો અજમાવી રહી છું પણ આ વજન ઘટી જ નથી રહ્યું. પ્રેગ્નન્સીમાં મારું 15 કિલો વજન વધી ગયું હતું અને હજી પણ એટલું જ વધેલું છે. આનું શું કારણ હશે? મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ) ઉત્તર : સ્ત્રી અને પુરુષનું મેટાબોલિઝમ અલગ જ હોય છે, કારણ કે પુરુષના શરીરમાં સ્નાયુઓ વધુ હોય છે અને ફેટનું પ્રમાણ ઓછું. સ્ત્રીઓના શરીરમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે અને સ્નાયુઓનું ઓછું. વળી, એક સ્ત્રીનું શરીર જેટલા બદલાવમાંથી પસાર થાય છે એટલા બદલાવમાંથી પુરુષનું શરીર અને મન બંને પસાર થતાં નથી. હૉર્મોનલ ઊથલપાથલ જેટલી સ્ત્રીના શરીરમાં થાય છે એટલી પુરુષોમાં થતી નથી. સામાન્ય રીતે પ્રેગ્નન્સી પછી લાઇફસ્ટાઇલ સુધારવાથી, એક્સરસાઇઝ કરવાથી અને બેલેન્સ ખોરાક ખાવાથી વજનમાં ઘટાડો શક્ય છે પણ એ માટે ધીરજ રાખવી પડે. તમે તો ચાર મહિનાથી જ પ્રયાસ કરી રહ્યા છો. આ પ્રયાસોનું પરિણામ નજરે ચડે એ માટે એક વર્ષ જેટલો સમય તો લાગે જ છે. પ્રશ્ન : હું 28 વર્ષની યુવતી છું અને ડેસ્ક જોબ કરું છું. મારે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે જેના કારણે મને પીઠનો દુખાવો થઇ ગયો છે. મને યોગ કરવાથી મળતા પરિણામ પર બહુ વિશ્વાસ છે. શું એવું કોઇ આસન છે જે કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : જો તમને યોગાસન કરવામાં રસ હોય તો પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે નિયમિત રીતે પરિવૃત ઉત્કટાસન કરી શકો છો. આ આસનને ઘણા લોકો રિવોલ્વ્ડ ચેર પોઝ નામથી પણ ઓળખે છે. આ ઉત્કટાસનનું ટ્વિસ્ટેડ વેરિએશન છે. પરિવૃત ઉત્કટાસનનું નામ સંસ્કૃત ભાષાથી લેવામાં આવ્યું છે. આ આસન કરવા માટે સૌથી પહેલા એક ખુરશી અને ઈંટ લો. ખુરશીની સામેની તરફ નીચે ઈંટ રાખો. ખુરશી પર બેસો અને હાથને ખોળામાં રાખો. આ દરમિયાન તમારા પગ મજબૂતીથી ઈંટ પર ટકેલા રહે તેનું ધ્યાન રાખો. શ્વાસ લો અને પોતાના હાથ જોડીને નમસ્તે કરવાની મુદ્રામાં લઈને આવો. હવે શ્વાસ છોડતા શરીરને ડાબી તરફ વાળો અને તમારા જમણા હાથની કોણીને તમારા ડાબા ઘૂંટણની નજીક મૂકો. આ દરમિયાન તમારા હાથ છાતીની સામે જ નમસ્કારની મુદ્રામાં રહેશે. હવે તમે આ મુદ્રામાં ઓછામાં ઓછા 10 સેકન્ટ સુધી રહો અને શ્વાસ લેતા રહો. બાદમાં પરત તે જ પોઝિશનમાં આવો અને બીજી સાઈડથી આ આસન કરો. આ આસનથી પીઠના દુખાવામાં રાહત મળે છે પરંતુ કેટલાક લોકોએ આ આસન કરતા પહેલાં થોડી સાવચેતી રાખવી જોઈએ. જેમને માથાનો દુખાવો અને અનિદ્રાની સમસ્યા છે તેમણે આ આસન કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ આ આસન ન કરે.

(જટિલ સમસ્યામાં તમે પણ અટવાયા હો તો તમારા મનની મૂંઝવણ અમને જણાવો madhurimamagazine@gmail.com પર. તમને મળશે માનસિક હળવાશ આપે એવી સમજણ.)

અન્ય સમાચારો પણ છે...