લઘુનવલ:લગ્ન! એ પણ બળેલા ચહેરાવાળા આદમી જોડે! સ્વીટીને તમ્મર આવ્યાંં

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -9 તડકાની ચુભને એની આંખ ઉઘડી ગઇ. પોતે હોલમાં ચત્તીપાટ પડી છે એનો ખ્યાલ દિમાગને સ્પર્શતા રાતનું દૃશ્ય ઝબકી ગયું ને સ્વીટી પાધરકી બેઠી થઇ ગઇ : અતિરાજ! બાપ રે... કેવી ભયાનક હાલત થઈ એની! પણ આ શું? અતિરાજ ક્યાં? સ્વીટી આખું ઘર ફરી વળી, પણ અતિરાજ શું એની કોઇ નિશાની પણ ન મળી. અરે, હોલમાં કાચનું વાઝ પણ જેમનું તેમ હતું! એ કેમ બને? મેં જે જોયું એ કેવળ ભ્રમ તો નહોતો જ... રાત્રે જોયેલું સવારે ભૂંસાઇ જાય એ ભ્રમ ન હોય તો પછી ભૂ...ત હોવું જોઇએ! સ્વીટીનાં શરીરમાં ધ્રૂજારી પસાર થઇ ગઇ. Â Â Â ‘માય ગોડ!’ એણે માંડ હસવું ખાળ્યું, ‘તમે એ ક્ષણે સ્વીટીની હાલત જોઇ હોત મેડમ...અતિરાજનું નામ લઇ બેહોશ જ થઇ ગઇ! અને સવારે ઉઠ્યા પછી કોઇને નહીં ભાળે, અરે...પેલું વાઝ પણ જેમનું તેમ જોઇ ચક્કર ખાઈ જવાની બિચારી! એને શું ખબર કે મેં તોડેલું વાઝ એના ઘરનાં વાઝને મળતું હતું, જેના અવશેષ પણ હું મારી સાથે લઈ આવ્યો છું...’ સાંવરી હસી ન શકી. ટિટ ફોર ટેટ! અતિરાજની બેવફાઇએ હૃદયભંગની પીડા આપી અને એ આઘાતનો એક જ પ્રત્યાઘાત હોઇ શકે : રિવેન્જ! જે માણસને સપ્તપદીનાં વચનોનું માન નથી, પત્નીને છેહ દેતા જેનું કાળજું કાંપતુ નથી, જે પોતાની બેવફાઇને પત્નીના રંગ થકી જસ્ટિફાય કરી જાણે છે એ જો પોતાનું અસ્તિત્વ ઓન પેપર ભૂંસી દેવા માગતો હોય તો એ ખરેખર થવું જોઇએ! અતિરાજ વસઇની ખાડીમાં ‘ડૂબવા’ માંગે છે, એ પહેલાં એ ફાટી પડવો જોઇએ...બરાબર નાકે આવી એનું વહાણ ડૂબવુ જોઇએ! ઘાયલ હૈયાને આનાથી ઓછું ખપે એમ નહોતું. આ કામ જાતે તો થાય નહીં, અને આવું કામ કરી આપનારો એક આદમી સાંવરીનાં ચિત્તમાં ઝબક્યો : વિરાજ જાડેજા! ખરેખર તો વિરાજ પપ્પાના સમયે ફેક્ટરીનો માથાભારે યુનિયન લીડર હતો. દારૂનાં પીઠામાં મારામારી થતા એના હાથે કોઇનું ખૂન થયું ત્યારથી એની લાઇન ફંટાઇ ગયેલી. એના સંદર્ભે પપ્પા ઘણીવાર કહેતા કે આપણે તો ટાઢા પાણીએ ખસ ગઈ! વર્સોવા બાજુ રહેતા વિરાજની ભાળ કાઢી, નસીબજોગે એ મળ્યો પણ ખરો ને બે લાખમાં બોમ્બ બ્લાસ્ટની ડિલ પણ થઇ. એ બધું અત્યારે વિચારું છું તો સ્વપ્નવત્ લાગે છે! કઈ હિંમતે મેં આ બધું કર્યુ ! પણ સ્ત્રી જ્યારે જીદ પર આવે ત્યારે ઇશ્વરને પણ ઝૂકાવી શકતી હશે... ખેર, એ આખરી સવારે અતિરાજ ઘરેથી નીકળ્યા ત્યારે એમણે ભલે ધાર્યુ હોય કે અતિરાજ તરીકે મારી અહીંથી એક્ઝિટ છે, હું જાણતી હતી કે એમની આ દુનિયામાંથી ખરેખર વિદાય થઇ જવાની! અતિરાજના ગયા બાદ વિરાજ સાથે વળી પાકું કર્યુ: આજે રાતે કોઈપણ સંજોગોમાં કામ થઈ જવું જોઇએ! ‘ડોન્ટ વરી, મેડમ. અતિરાજની કાર બરાબર ખાડીના કાચા રસ્તે જ ફાટશે. ગોઠવણ એવી હશે કે પોલીસને પણ આમાં કાવતરું નહીં ગંધાય... હું ઘટનાસ્થળની નજીકમાં જ હોઇશ...તમને તરત જાણ કરીશ...’ પણ એ ઘડી ખરેખર નજીક આવતી ગઇ એમ જીવ ચૂંથાવા માંડ્યો : હું સાચે જ અતિરાજને મા...રી નખાવાની? સ્વભાવગત સંસ્કાર માથું ઉંચકવા લાગ્યા, દીવાનખંડની દીવાલે શોભતી મા-પિતાજીની તસ્વીરો વઢતી લાગી: અતિરાજે ખોટું જ કર્યુ, પણ એથી આપણે એના જેવા, અરે...એનાથી ય ઉતરતા થવાનું? આવા તો અમારા સંસ્કાર નહોતા... તને વારસામાં મળેલી દોલત તું ઉડાવી નાખત તો વાંધો નહોતો, પણ એમાંથી તું કોઇની જાન લેવાની ચુકવણી કરવાની? શિવ, શિવ! બહુ આકરો એ દ્વંદ્વ હતો. તર્કનાં ત્રાજવાનાં બેઉ પલડે ઝૂલતાં મને છેવટે સમાધાનનો રસ્તો દેખાયો : અતિરાજને મારવાનું પ્લાનિંગ ફોક કરી દે, ભલે એ દુબઇ પણ જતો...એમની યોજના મુજબ સ્વીટી તો અહીં રહેવાની છે, હું કંઇક એવું ગોઠવીશ કે સ્વીટી ખુદ એમનો અપરાધ કબૂલી લે ને અખિલ બનનારો અતિરાજ વીલામોંએ કાયદાના હવાલે થઇ જાય. ઓહ, આ મને પહેલાં કેમ ન સૂઝ્યું! પણ હજુ મોડું નથી થયું... એણે વિરાજને ફોન કર્યા, પણ નંબર લાગે તો ને! સાંવરીનું હૈયું ડૂબતું હતું. મારા હાથે ખરેખર જ જીવ હત્યાનું પાપ થવાનું કે શું! આવું વિચારીને સાંવરીને પોતાનો આ નિર્ણયનો અફસોસ થવા લાગ્યો અને એનું મન આવો અનર્થ કઇ રીતે રોકી શકાય એની ગણતરી કરવા લાગ્યું. નો, નો...કોઇપણ હિસાબે આ અનર્થ રોક, સાંવરી! અંતર હથોડા મારતું હતું. વિરાજનો સંપર્ક ન થતો હોય તો અતિરાજને ફોન કર...કહી દે કે કાર છોડી દૂર જતો રહે, થોડીવારમાં એમાં ગોઠવેલો બોમ્બ ફાટવાનો છે! પણ હાય રે, ધરાર જો અતિરાજ ફોન ઉંચકતા હોય! કટોકટીની પળો કેમ વીતી એ મારું મન જાણે છે...જાણે કેટલીય વાર બોમ્બ ફાટ્યો ને કેટલી વાર મારું હૈયું! છેવટે એ પળોનો પણ અંત આવ્યો. ઘટનાસ્થળેથી વિરાજનો ફોન આવ્યો : બ્લાસ્ટ તો બરાબર થયો, પણ સમહાઉ અતિરાજ ત્યારે કારમાં નહીં હોય એટલે ઉગરી ગયા છે... હા...શ! સાંવરીએ બોજ ઉતરતો અનુભવ્યો. તેને લાગ્યું કે તેના પર કાળી ટીલી લાગતાં લાગતાં બચી ગઇ. ‘જોકે બિચારો ખરાબ રીતે ઘાયલ થયો છે...એનું એક કાંડું પણ છૂટું પડી ગયું છે... બટ નો વરી, હું હમણાં જ એને ખતમ કરી...’ ‘નો!’ સાંવરી એટલા જોરથી ચિલ્લાયેલી કે વિરાજના કાનમાં ધાક પડી ગઈ હતી. ‘લોકો ભેગા થઇ જાય એ પહેલાં યુ ટેક હિમ અવે...એને બેસ્ટ ટ્રિટમેન્ટ આપ પણ એ માણસ મરવો નહીં જોઇએ...ક્વિક!’ અને બસ, પોલીસ અને દુનિયા જેને મરેલો માને છે એ અતિરાજ ખરેખર તો વિરાજનાં વરસોવાનાં ઠેકાણે ગુપ્તપણે દવાની અસરથી ધીરેધીરે સ્વસ્થ થઇ રહ્યો છે! આ ચિત્રમાં અથર્વનો પ્રવેશ થયો ત્યારે ખૂટતી કડી ગોઠવાઇ, એણે ફેંકેલી ચાવી લેવા અતિરાજ કારમાંથી ઉતર્યો, થોડો દૂર ગયો એમાં ઉગરી ગયો! એ રાતે અથર્વ ત્યાં હાજર ન હોત તો મારા હાથે હત્યાનું પાપ થઇ ચૂક્યું હોત, એની અથર્વને તો આજેય ક્યાં જાણ છે! અથર્વ વધુ રોકાણો હોત તો કદાચ એ પણ બ્લાસ્ટમાં હોમાઇ ગયો હોત...પણ કુદરતની એટલી મહેરબાની. અલબત્ત, પોતે ક્યાં છે, કેટલું દાઝ્યો છે એની અતિરાજને સુધ નથી...હજુ પોતે એને આઇનો ક્યાં દેખાડયો છે? વિચારમેળો સમેટતી સાંવરીની નજર વિરાજની બાજુમાં પડેલ માસ્ક પર ગઈ : આ મુખવટો દિવસના અજવાળામાં આટલો બિહામણો લાગે છે, પોતાની એવી જ દશા થઇ છે એની જાણ અતિરાજને થશે ત્યારે શું વીતશે બિચારા પર! એને કાચનો અરીસો દેખાડતા પહેલાં સ્વીટીની અસલિયત દેખાડવી છે... તારો દરેક ભ્રમ હું ભાંગવાની, અતિરાજ. તારા દગાના રિવેન્જમાં આટલું તો ડેફિનેટલી હોય! જીવહત્યાનાં પાપમાંથી ઉગર્યા પછી સાંવરી અતિરાજ-સ્વીટીને બક્ષવાના મૂડમાં તો જરાય નહોતી...કશુંક એવું કરવું હતું જે સ્વીટીને પોતાનું કાવતરું કબૂલ કરવા મજબૂર કરી દે.. અને એ એક જ રીતે શક્ય લાગ્યું : એને અતિરાજ એની આસપાસ હોવાનો અહેસાસ અપાવીને! આ કામ વિરાજને સોંપ્યું. જે કારમાં બોમ્બ એવી રીતે ગોઠવે કે પોલીસને પણ ગંધ ન આવે એ અડધી રાતે કોઇનાં ઘરમાં ઘૂસી એને ડરાવી પણ શકે જ...એન્ડ વિરાજ ડિડ ઇટ. વિરાજ. અચાનક જ સાંવરીનાં દિમાગમાં ટિકટિક થઇ : હું ભલે એને એના ઠેકાણે મળું, એના ભૂતપૂર્વ માલિકની દીકરી હોવાનું સત્ય તો એ પણ જાણે છે...આજે પૈસા લઇ મારું કહ્યું કામ કરનારો કાલે એ જ કામનો હવાલો દઇ મને બ્લેકમેલ કરે તો! સાંવરીને કંપારી છૂટી ગઈ. વેરની ભાવના રાખી હું ક્યાંક કળણમાં તો નથી ફસાઇને! નહીં, જે બન્યું નથી એ બનશે જ એમ માની પીછેહઠ કરવાનો અર્થ નથી, પીછેહઠ હવે શક્ય પણ નથી. ‘ગુડ જોબ, વિરાજ.’ એણે મુખે દુપટ્ટો વીંટાળ્યો. મુલાકાત પતવાની એ નિશાની હતી. નીક્ળતી વેળા એણે પાકું કર્યું, ‘હવે આગળનો અંક યાદ છેને?’ ‘જી, મેડમ.’ એણે કહ્યું ને સાંવરી ત્યાંથી નીકળી. Â Â Â ભૂત-પ્રેત જેવું કંઇ હોતું નથી...હોય તો પણ અતિરાજના મર્યાના આટલા દહાડે કેમ દેખાય? ચોક્કસ મને ભ્રમ થયો...સ્લીપવોકમાં હું બહાર આવી સૂઇ ગઈ હોઇશ...જાતને સમજાવી સ્વીટી કામે નીકળી આવી. ખરેખર તો ઘરે રોકાવાની પણ હિંમત નહોતી. રખેને ભૂત પાછુ દેખાયું તો! ફફ઼ડતી એ બધાથી વહેલી કામ પર તો આવી, પણ કેબિનમાં પગ મૂકતા ચોંકી જવાયુ: પોતાનાં ટેબલ પર એક બેગ પડી હતી! એ બ્રિફકેસ જે અતિરાજ છેલ્લે લઇને નીકળેલો! જેમાં સો કરોડના હીરા હતા, અખિલનો પાસપોર્ટ હતો... એ બધું તો કારના બ્લાસ્ટમાં સ્વાહા થઈ ગયેલું યા ઉડીને સમુદ્રદેવતાને હવાલે થયેલુ...તો, તો આ એને મળતી કોઇ બીજી બેગ હોવી જોઇએ! ખાતરી કરવી હોય એમ સ્વીટીએ ઝડપભેર બેગ ખોલી, એવો જ હાયકારો નીકળી ગયો : એમાં અખિલનો પાસપોર્ટ, એની વિગ, લેન્સ હતાં! આ તો અતિરાજની જ બેગ... સ્વીટી હાંફી ગઈ: આ તો કેમ બને? અને એનો સેલ ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. ‘હલો’ કહેતા જ સામેથી ઘસાયેલો અવાજ સંભળાયો, ‘સ્વીટી...’ આ તો ગઈકાલે સાંભળેલો અ...તિરા...જનો જ અવાજ! સ્વીટીનું હૈયું ડૂબવા લાગ્યું. ‘હું જીવતો છું, તારી નજીક જ છું...’ સ્વીટીએ ભીંસ અનુભવી. ‘મેં ભલે રૂપ ગુમાવ્યું, મારા હૈયે તારી પ્રીત તો ખરીને! સો કરોડના હીરા મારી પાસે છે...તને રાણીની જેમ રાખીશ...જલ્દી સંન્યાસ આશ્રમનાં મંદિરે આવ. આપણે પરણી જઈએ.’ લગ્ન...એ પણ ફાટેલાં માંસવાળા આદમી જોડે! સ્વીટીને તમ્મર આવ્યાં. થોડી મિનિટો પછી એ હોંશમાં આવી ત્યારે ઓફિસમાં પેલી બેગ નહોતી અને ફોનનાં કોલ લિસ્ટમાં અતિરાજનો ફોન પણ નહોતો! હે ભગવાન! આ થઇ શું રહ્યું છે! નિચોવાયેલાની જેમ એ સાંજે ઘરે પહોંચી એવી જ થીજી ગઈ. સામી દીવાલે લોહીથી લખ્યું હતું : તેં આજનો વાયદો ફોક કર્યો, સ્વીટી. હવે હું તને નહીં છોડું...આઇ વિલ કિલ યુ! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...