વુમનોલોજી:લગ્નની કલ, આજ ઔર કલ

2 મહિનો પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

પહેલાં લગ્ન કેવાં હતા? આજે લગ્ન કેવાં છે અને ભવિષ્યમાં લગ્ન કેવાં હશે? અથવા રોજ આધુનિક થતા સમાજમાં લગ્ન સંબંધ ટકી રહેશે? આ ચારેય પ્રશ્નોનો એક જ જવાબ છે. સમય સાથે લગ્ન સંબંધમાં માત્ર રિવાજ, ફેશન અને ઉજવણીમાં પરિવર્તન જોવા મળે છે. લગ્ન શાશ્વત છે. આધુનિક સમાજમાં એવી એક ચર્ચા ચાલુ થઇ છે કે હવે કદાચ લગ્ન સંસ્થા ધીમેધીમે અંત તરફ જશે. પરંતુ એ શક્ય નથી. જ્યાં સુધી સ્ત્રી અને પુરુષને એકબીજા સાથે રહેવું ગમશે, જ્યાં સુધી શારીરિક સાયુજ્ય, સ્નેહ અને સલામતીની ઝંખના બળકટ રહેશે ત્યાં સુધી લગ્નસંસ્થાનો અંત નહીં આવે. પશ્ચિમના દેશોમાં સ્ત્રી પુરુષ સંબંધમાં સમાજ અને પરિવારનો રોલ ઓછો હોય છે, આથી સંબંધ વિચ્છેદ પ્રમાણમાં ઝડપી અને સરળ હોય છે. આદિમાનવમાંથી સામાજિક માણસ અને હવે મોર્ડન માણસની આખી પ્રક્રિયમાં શરૂઆતના તબક્કામાં સૌથી મહત્ત્વનો રોલ લગ્નસંસ્થાનો હતો જેના કારણે સેક્સથી માંડીને આર્થિક મેનેજમેન્ટમાં એક વ્યવસ્થાપન અને શિસ્ત ગોઠવાયાં. ભારતમાં મહદઅંશે પિતૃસત્તાક સમાજ હોવાને કારણે છોકરી લગ્ન બાદ છોકરી પતિના ઘરે રહેવા જાય, એ જ પરિવારનું નામ, સ્થાન અને રીવાજ અપનાવે એવી પ્રણાલી ગોઠવાઈ. આપણા સમાજમાં દરેક વ્યક્તિના જીવનનો બીજો પડાવ વિવાહ બાદ શરૂ થાય છે અને આથી જ લગ્નવિધિનું મહત્ત્વ શાસ્ત્ર અને સમાજમાં વધારે છે.વિવાહ દરમિયાન વર પક્ષ અને કન્યા પક્ષ દ્વારા ગવાતા લગ્નગીતો ધ્યાનથી સંભાળીએ તો તત્કાલીન સમયની સમાજ વ્યવસ્થા અને એક યુગલની પરસ્પર જવાબદારી વિશે સમાજની અપેક્ષા એમાં સંભળાય. સમાજના મોટાભાગના સંબંધોમાં પાયો લગ્નજીવન હોય છે. આથી જ એ માટે દરેક સમયગાળામાં નિયમો, સૂચનો નક્કી કરવામાં આવ્યાં. એને સંસ્કાર અને ધર્મનું નામ આપ્યું જેથી અનુસરવામાં સરળતા રહે. લગ્નજીવન માટેનો પશ્ચિમી અને આધુનિક ખ્યાલ પરંપરાગત વિચારોને માન્ય નથી કારણકે આધુનિક વિચારધારા લગ્નસંસ્થાના પાયા હલાવી શકે તેવી એક શંકા રૂઢિગત સમાજને થાય છે. પારિવારિક જવાબદારી અને સંબંધોની અપેક્ષાને કારણે ‘લીવ ઇન’ જેવા સહજીવનનું પ્રમાણ વધ્યું છે જે લાંબાગાળે સંતાનના જન્મ, ઉછેર અને નામકરણમાં ગરબડ ઉભી કરે છે. પોતપોતાની અલગ ઓળખ અને અલગ આવડતો હોય તે સમયની ડિમાન્ડ છે પરંતુ અલગતા અલગાવપ્રેરક હોય ત્યારે એ જોડાણ પોલું સાબિત થાય છે. કંકોત્રી કે કોર્ટ મેરેજના મેરેજ સર્ટિફિકેટમાં લખાતો શબ્દ એટલે લગ્નગ્રંથિ.કોઈ બે વ્યક્તિને સારું બનતું હોય તો સમાજ પછળથી એક શબ્દ બોલે છે જેનું નામ ‘ગઠબંધન’. આ ગઠબંધન એટલે બે વ્યક્તિ વચ્ચેની એક એવી ગાંઠ જેમાં એકત્વનું જોડાણ છે. જેમાં એકબીજાના સંપૂર્ણ સ્વીકાર સાથે સહજીવનનો વિચાર છે. આથી જ લગ્નસંબંધને લગ્નગ્રંથિ કહેવામાં આવે છે. આ એક એવું જોડાણ છે જેમાં આર્થિક, સામાજિક, માનસિક, સાંવેગિક જેવી દરેક બાબતો અને સમયના દરેક ખંડની ભાગીદારી હોય છે. ઘણું બધું ભિન્ન હોવા છતાં પૂર્ણ સ્વીકૃતિ હોય છે. આકર્ષણ, પ્રેમ, સેક્સ, સંતાનનો ઉછેર, સામાજિક જવાબદારી, જીવન નિર્વાહ જેવા દરેક તબક્કામાં લગ્નસંબંધના રંગ અને ઢંગ બદલાય છે, સહયાત્રા યથાવત રહે છે. સમાજજીવન માટેની સૌથી પાયાની સંસ્થા લગ્નસંસ્થા છે. દરેક સંબંધોમાં સૌથી વધુ દીર્ઘ એવું આ જોડાણ બંધન અને મુક્તિનો સમાંતરે અહેસાસ કરાવે છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...