અંડરવેર દરેક મહિલા કે યુવતીના અંગત જીવનનો ખાસ હિસ્સો છે. એ માત્ર શારીરિક લુક માટે કે પછી જાતીય જીવનને ઉત્તેજક બનાવવા માટે જ જરૂરી નથી. હકીકતમાં વજાઇનલ હેલ્થ જળવાઇ રહે એમાં અંડરવેરની સ્વચ્છતાનો મોટો ફાળો હોય છે. જોકે અંડરવેર જીવનનો મહત્ત્વનો હિસ્સો હોવા છતાં એના વિશે જોઇએ એવી જાગૃતિ નથી. આજે પણ અંડરવેરને લગતા એવા અનેક સવાલો છે જે મહિલાઓને અને યુવતીઓને અકળાવતા હોય છે પણ એ એના વિશે ખુલીને ચર્ચા નથી કરી શકતી. આવા કેટલાક સવાલો નીચે પ્રમાણે છે.
પ્રશ્ન : શું એક જ અંડરવેર સતત 2 દિવસ પહેરી શકાય છે?
હકીકત : કેટલાક ડોક્ટર માને છે કે એક પેન્ટીને બીજા દિવસે પહેરવાથી સ્વાસ્થ્ય પર ખાસ નકારાત્મક અસર નથી પડતી. જોકે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જ્યારે બીજા દિવસે તમે જૂનું અંડરવેર પહેરી રહ્યા હો ત્યારે એમાં ભેજની હાજરી ન હોવી જોઇએ અને તેના પર યુરિન કે વાઇટ ડિસ્ચાર્જના ડાઘ પડેલા ન હોવા જોઇએ. જો આવા ડાઘ હોય તો અંડરવેર ધોઇ નાખવાનો વિકલ્પ જ યોગ્ય છે. બીજા દિવસ માટે હંમેશાં સાફ અને ફ્રેશ અંડરવેરની જ પસંદગી કરો.
પ્રશ્ન : શું અંડરવેરનાં મટિરિયલની કોઇ અસર પડે છે.
હકીકત : ચોક્કસ અસર પડે છે. તમે જે અંડરવેર પહેરો છો એની તમારા ગુપ્ત અંગો અને વજાઇનલ સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. ડોક્ટર્સના મત પ્રમાણે આંતરિક અંગોની બીમારીથી બચવા મારે રોજ સ્વચ્છ અને કોટનનું થોડું ઢીલું અંડરવેર પહેરવી જોઇ. થોન્ગ્સ કે પછી બહુ ટાઇટ ફિટિંગ પેન્ટી કોઇ ખાસ પ્રકારનું ડ્રેસિંગ હોય ત્યારે જ ઉપયોગમાં લેવી જોઇએ.
પ્રશ્ન : શું થોન્ગ્સ પહેરીને વર્કઆઉટ કરી શકાય છે?
હકીકત : આ વિશે હજી બહુ રિસર્ચ નથી થયું પણ થોન્ગ્સ હકીકતમાં ટાઇટ ફિટિંગવાળું અંડરવેર છે. વર્કઆઉટ કરતી વખતે સારો એવો પરસેવો થાય છે અને આંતરિક અંગો પણ પરસેવાનો સામનો કરે છે. આ સંજોગોમાં થોન્ગ્સ સારી રીતે પરસેવોનું શોષણ નથી કરી શકતું. આ કારણોસર વર્કઆઉટ કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી કોટનનું સાદું અંડરવિયર જ પહેરો. આનાથી પરસેવો પણ શોષાઇ જશે અને આ રીતે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા પણ ઘટી જાય છે.
પ્રશ્ન : શું અંડરવેર પહેર્યા વગર બહાર જઇ શકાય?
હકીકત : આ બહુ જ સબ્જેક્ટિવ સવાલ છે અને દરેક વ્યક્તિ માટે આનો જવાબ અલગ અલગ હોઇ શકે છે. આજકાલ ઘણી મહિલાઓ બ્રા પહેર્યા વગર ઘરની બહાર જવાનું પસંદ કરવા લાગી છે. આમ, તો અંડરવેર વગર ઘરની બહાર જવામાં કંઇ ખોટું પણ તમારામાં આ રીતે બહાર જવાનો આત્મવિશ્વાસ હોવો જોઇએ. જો તમારા પીરિયડ્સનો સમય નજીક હોય તો બેગમાં એક જોડી સ્વચ્છ અંડરવેર રાખવું જોઇએ જેથી જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકાય.
પ્રશ્ન : ક્યો વિકલ્પ વધારે યોગ્ય છે? પેન્ટી કે પછી જી-સ્ટ્રિન્ગ?
હકીકત : જી સ્ટ્રિન્ગ એ પાતળી દોરીથી બનેલ અંડરવેર છે જેને થોન્ગ્સ પણ કહી શકાય છે. જો તમને ક્યારેય વજાઇનલ ઇન્ફેક્શન થયું હોય તો નિયમિત રીતે જી-સ્ટ્રિન્ગ પહેરવાનો વિકલ્પ તમારા માટે યોગ્ય નથી. આ સમસ્યા હોય તો ડોક્ટર નિયમિત રીતે બહુ ટાઇટ ન હોય એવી કમ્ફર્ટેબલ પેન્ટી પહેરવાની સલાહ આપે છે.
પ્રશ્ન : શું પેન્ટીઝની કોઇ એક્સપાયરી ડેટ હોય છે?
હકીકત : આ વાતનો આધાર તો વ્યક્તિ પેન્ટીની કઇ રીતે જાળવણી કરે છે એની પર આધાર રાખે છે. મોટાભાગની પેન્ટીઝને સોફ્ટ ડિટર્જન્ટમાં ધોઇને હવામાં સૂકવવી જોઇએ. આનાથી એ સારી રીતે સચવાય છે. જોકે જો પેન્ટીનું ઇલાસ્ટિક ઢીલું થઇ ગયું હોય, એમાં કાણાં પડી ગયા હોય, એના પર પીરિયડ કે ડિસ્ચાર્જના ડાઘ પડી ગયા હોય કે પછી એનો રંગ ઊડી ગયો હોય તો એને ફેંકી દેવાનું જ યોગ્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.