સંબંધનાં ફૂલ:આપણો જીવનનો હેતુ આપણને ખબર છે ખરો!

રચના સમંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમય અને અનુભવની સાથે સાથે અહેસાસ થઇ જાય છે કે આપણી તમામ પ્રવૃત્તિઓને, શબ્દોને અને વિચારોને ક્યારેય હળવાશથી ન લેવાને બદલે એના પર યોગ્ય ધ્યાન રાખવાની અને જરૂર પડે ત્યારે એની પર અંકુશ રાખવાની જરૂર હોય છે

જ્યારે આપણને ખબર પડવા લાગે છે કે આપણે જે કંઇ પણ કામ કરીએ છીએ એની પાછ‌ળ કોઇ ચોક્કસ કારણ કે હેતુ હોય છે. જે વયે આપણને આ વાતની ખબર પડવા લાગે છે એ સાથે જ સમજદારીનો વિકાસ થવાની શરૂઆત થઇ જાય છે. સમજદારીના આગમન સાથે જ એક બીજી મહત્ત્વની શરૂઆત થઇ જાય છે અને એ શરૂઆત હોય છે વ્યક્તિત્વને આકાર મળવાની. આપણે કોઇ કામ આપણા માટે કરીએ, બીજા માટે કરીએ, સમજીને કરીએ, ભવિષ્યનો વિચાર કરીને એને ધ્યાનમાં રાખીને કરીએ...દરેક કામ વ્યક્તિત્વને એક દિશા અને આકાર આપે છે, આપણે ઇચ્છીએ તો પણ અને ન ઇચ્છીએ તો પણ. આપણે આ દુનિયા શું કામ આવ્યા છીએ? આ સવાલ જો આપણે આપણી જાતને નિષ્ઠાપૂર્વક પૂછીએ તો જે જવાબ મળે છે એનું વિશ્લેષણ કરવામાં આવે તો અનેક સ્પષ્ટતાઓ આપમેળે થઇ જાય છે જે તમને તમારી જ જાતને ઓળખવામાં મદદ કરે છે. જો આ સમગ્ર પ્રક્રિયાની સારી રીતે સમજવામાં આવે તો સ્વનિર્માણનું કામ વધારે મજબૂત અને સારી રીતે થઇ શકે છે. આપણે જે કંઇ પણ કરીએ એનો પ્રભાવ સ્વસર્જન પર પડે છે અને એની મોટી અસર વ્યક્તિત્વ ઘડતર પર પડે છે. આ હકીકત સમજી લેવામાં આવે તો દરેક કામ સંપૂર્ણ ઊર્જા સાથે કરવાનું પ્રોત્સાહન મળે છે. આ કારણે જ જીવનમાં દરેક પગલું સમજી વિચારીને લેવું જ હિતાવહ છે. જો તમે આપણે દિલથી ખરા છીએ, બીજાની પરવા કરીએ છીએ, પોતાની જરૂરિયાતો ઓછી કરીને બીજાને થોડી મદદ કરવામાં માનીએ છીએ, પરોપકાર કરવામાં માનીએ છીએ, શાંતિની ખેવના રાખીએ છીએ...તો તમારું વ્યક્તિત્વ આદર્શ વ્યક્તિત્વની બહુ નજીક છે. તમારા વ્યક્તિત્વનાં ઘડતરમાં તમારો જ સૌથી વધારે હાથ હોય છે, કોઈ બીજાનો નહીં. સમય અને અનુભવની સાથે સાથે અહેસાસ થઇ જાય છે કે આપણી તમામ પ્રવૃત્તિઓને, શબ્દોને અને વિચારોને ક્યારેય હળવાશથી ન લેવાને બદલે એના પર યોગ્ય ધ્યાન રાખવાની અને જરૂર પડે ત્યારે એની પર અંકુશ રાખવાની જરૂર હોય છે. હકીકતમાં ‘મારું કામ મારું પોતાનું છે, મારા વિચારો છે અને એની સાથે બીજાને શું મતલબ?’ જેવી વિચારધારા સાવ અયોગ્ય છે. હકીકતમાં આપણા કામ, વિચાર અને વર્તનની અસર બીજા લોકો પર પણ પડતી હોય છે. જોકે દરેક કામ માત્ર ઇમેજમાં સુધારો કરવા માટે અથવા તો બીજાનો દૃષ્ટિકોણ બદલવા માટે જ કરવામાં નથી આવતું કારણ કે દરેક કામ તમારાં વ્યક્તિત્વનાં ઘડતરમાં પણ મદદ કરે છે. હકીકતમાં બીજી વ્યક્તિની તમારા પર નજર હોય કે ન હોય, પણ કોઇ પણ કામ કરતા પહેલાં એ તમારા વિકાસ માટે કેટલું જરૂરી છે એના પર ધ્યાન આપવું જરૂરી છે. બીજું કોઇ જોઇ રહ્યું છે એ વાતને ધ્યાનમાં રાખીને જ સત્કાર્ય કરવું ન જોઇએ. સત્કાર્ય તમને હકારાત્મક લાગણીનો અહેસાસ કરાવે છે અને એટલે જ એ લાગણી મહત્ત્વની છે. મનની હકારાત્મક લાગણીઓ દરેક પ્રકારની તાણમાંથી મુક્તિ અપાવે છે અને એટલે જ એ જરૂરી છે. હંમેશાં યાદ રાખો કે આપણે આ દુનિયામાં એક ખાસ હેતુને પાર પાડવા માટે આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...