વુમનોલોજી:અમારે તો ગરબા બારે માસ...

મેઘા જોશી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

"બેબીનાં લગ્ન રાખ્યાં છે, સહપરિવાર આવજો અને હા ગરબાનું આયોજન બહું મોટું છે, એ ના ચૂકતા.’ ‘જનોઈમાં આવજો અને હા...આ ગરબાનું કાર્ડ. પાર્ટી પ્લોટ રાખ્યો છે.’ ‘આ વખતે તો ઉત્તરાયણમાં મજ્જો પડી ગયો, આમારાં બિલ્ડિંગમાં બધાએ પતંગ ઉડાવ્યા પછી સાંજે ગરબા કર્યા.’ ‘ગણેશ વિસર્જનમાં અમે આ વખતે ડ્રેસ કોડ રાખ્યો છે. મંડપમાં અને ચાર રસ્તે ગરબા કરીશું .‘ ‘ક્રિસ્મસ પાર્ટી હતી. સખત ઠંડી હતી...થોડી વાર તો ડિસ્કો કર્યો પણ ગરબા કર્યા એમાં ઠંડી ઉડી ગઈ અને ઊર્જા ઊર્જા...’ શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય...ધાર્મિક, સામાજિક કે રાજકીય સમારોહ હોય...સર્વ સામાન્ય, સર્વ સ્વીકૃત અને સર્વને ગમતી કોઈ એક પ્રણાલી હોય તો એ ગરબા છે.ગરબા નવરાત્રિનું મુખ્ય અંગ છે, પરંતુ નવરાત્રિ વગર પણ એનું એક આગવું અસ્તિત્વ છે. નવરાત્રિ પરમશક્તિની આરાધનાનો તહેવાર છે. માતાજીની આરાધના માટે ગર્ભદિપનું સ્થાપન થાય અને એની ફરતે શબ્દ, સુર, લય, તાલ અને નર્તન સાથે ભક્તિ થાય એને ગરબા કહેવાય. મધ્યભાગમાં સ્થાપન ન હોય તો પણ સમૂહમાં થતું આ નૃત્ય સામાન્ય રીતે ગોળ રાઉન્ડમાં થાય છે. ગુજરાતી અને ગુજરાતની સંસ્કૃતિનો પર્યાય બનેલ ગરબો અતિ પ્રાચીન અને લોકપ્રિય નર્તન છે. સમય સાથેનાં નાનાં-મોટાં પરિવર્તનોમાં ઘણી પરંપરા અને પ્રવૃત્તિ નામશેષ થઇ જાય છે. ગરબો સામાજિક અને ધાર્મિક પરંપરાનું અદ્્ભૂત સંયોજન કરતી એક એવી પ્રણાલી છે જેનું સ્વરૂપ સમય સાથે બદલાયું છે પણ ગરબા પ્રીતિ અકબંધ રહી. ગરબામાં શ્રદ્ધા છે, લોકસાહિત્ય છે, લોકનૃત્ય છે, સંગીત છે, તાલ છે અને સમૂહ ભાવના છે. આનંદ અને આવેશના સમયે અભિવ્યક્ત થવા માટે તાળી પાડવી, કૂદકા મારવા કે પછી નાચી ઉઠવું એ આપણી આદિમ વૃત્તિમાંથી આવ્યું છે. ગરબા ખરા અર્થમાં બહુગામી છે. તાલીમ હોય કે ના હોય તમે ગરબા ગાઈ શકો, રમી શકો કે નાચી શકો. ગરબા પ્રચલિત થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે એ સમાજનો તહેવાર છે. ગરબામાં સગપણની વાત આવે, સૌરાષ્ટ્રની સાહસિકતાથી માંડીને સાબરકાંઠાના શાહુકારની અને મહીસાગરના મેળાથી માંડીને અમદાવાદની પોળની વાત પણ આવે. ગરબો ગુજરાતની માટીમાંથી ઘડાયો છે અને પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં એનું સ્થાન છે. આથી જ ગરબો ગુજરાતના નકશાથી આગળ વધીને ભારતના અને વિશ્વના અનેક પ્રદેશોમાં પહોંચી શક્યો. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગરબો એવું ચોક્કસ કહી શકાય. કોરોના મહામારીના કારણે ગત વર્ષે નવરાત્રિનાં મોટાં આયોજન શક્ય નહોતાં બન્યાં. આ વર્ષે પણ ઘણી પાબંદીઓ સાથેની નાની નાની પરવાનગી મળી છે, પરંતુ ગરબો અટક્યો નથી કારણકે ગરબો તો ઘરનાં મંદિરની સામે અને એર કન્ડિશન્ડ જીમમાં પણ રમાયો, રમાય છે અને રમાશે જ. નવરાત્રિની આગોતરી શુભેચ્છા. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...