લઘુનવલ:‘અમારે તો કરોડોનો કારોબાર! અમને પહોંચી વળવાનું તારું ગજુ નહીં!’

10 દિવસ પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

પ્રકરણ : 3 ‘બોલો, ભાભીશ્રી.’ વૈદેહીએ દમામથી પૂછયંુ. મમ્મી-પપ્પાની વિદાય પછી અને લગ્ન પહેલાં, ભાઇ સમક્ષ અજ્જુની કૂથલી કરતા ભાભીનો ઉધડો લેતા અજાણવટનો આંચળો સરી ગયેલો. આસિતાને એનો આંચકો પચાવતા વાર લાગી, વૈદેહીના તેવરથી એક ક્ષણ તો એ ડઘાઇ ગઇ હતી. સાસરામાં સંયુક્ત પરિવાર હશે એ તો હાર્દિકનો પ્રસ્તાવ આવ્યો ત્યારનંુ દેખીતંુ હતંુ, આજે કોને જોઇન્ટ ફેમિલી ગમે છે? અને આસિતા માટે મા-બાપનો દાખલો નજર સામે હતો. ભલે તેઓ પપ્પાની નોકરીને કારણે અમદાવાદ આવ્યાં, એમનામાં જુદાઇની ભાવના નથી, પણ તો જ કાકીઓની જેમ મમ્મીએ ઢસરડા નથી કરવા પડ્યા એ સરખામણી આસિતાનું માનસ ઘડતી: મારે ય અલોને અલી બે જ હોય એવું ઘર જોઇએ! એ હિસાબે એણે હાર્દિકના કહેણ પર ચોકડી જ મારવાની હોય, પણ અહીં બીજું ફેક્ટર નજરઅંદાજ થાય એમ નહોતંુ : અમીરી! સુરતમાં પોતાનો બંગલો-ફેક્ટરી કંઇ જેવીતેવી વાત ગણાય! પાછો બીજી બધી રીતે યોગ્ય છે...દેખાવડો છે, ભણેલો છે, સંસ્કારી છે... એકવાર એને મારા ચશ્માં પહેરાવી દઉ પછી તો હું જ રાણી ને મારી જ સત્તા! આ બધી ગણતરીએ આસિતાએ હકાર ભણેલો ને વેવિશાળ પછી હાર્દિકને પલોટવા પણ માંડેલો. ના, પોતે બૂરી ઠરીને પતિની નજીક નહીં પહોંચી શકે એ સમજે એણે મા-પિતાજી-વૈદેહીની નિકટ થવાનો વહેમ સર્જી હાર્દિકનું બ્રેઇન વૉશ કરવા માંડેલું કે વૈદેહી ઇઝ સો સ્વીટ! બસ, એનામાં જરા મેચ્યોરિટી ઓછી, નહીં? જ્યાંત્યાં આપણી સાથે આવે, આપણને પ્રાઇવસી જોઇતી હોય એવું વિચારે પણ નહીં! હાર્દિકના મનમાં મુદ્દો રમતો મૂકી હસી નાખે: એનો ટાઇમ આવશે ત્યારે એને ખબર પડશે! બટ હેય, નેક્સ્ટ મૂવીમાં હું એને એક્ઝામના બહાને ટાળી દઉ તો તમને ખોટંુ નહીં લાગેને! હાર્દિકથી ઇન્કાર થતો નહીં, ને પોતાનંુ જ ધાર્યુ કરાવવાનંુ આસિતાને ફાવતું ગયંુ. અલબત્ત એને એક ધાસ્તી રહેતી: સસરો ક્યાંક અડધો હક લાડલી દીકરીના નામે ન કરી દે! પણ હાશ, વિલ લખવાનો મોકો મળે એ પહેલાં બિચારા ઉકલી ગયા ને વૈદેહીને વળાવી ખસ કાઢવી હતી, ત્યાં અજિંક્ય બાબતની કોઇ ટિપ્પણીએ વૈદેહીનો આપો તૂટતા હેબતાઇ જવાયેલું. લગ્નના આટલા વરસે હાર્દિક મારું માનસ ન સમજે એવું હોય જ નહીં, છતાં વસમું લાગ્યંુ. વૈદેહીના સંદર્ભ, ઘરનો સંપ જાળવવાના યત્નો ત્યારે સમજાણા. એથી અભિભૂત તો શાનું થવાય, ઉલ્ટુ કળ વળતા એવું થયંુ કે ભલંુ થયંુ ભાંગી જંજાળ! હાર્દિક વશમાં હતો ને છોગામાં બાળકનું હથિયાર તો ખરું જ... દીકરામાં બાપનો જીવ છે, એ હિસાબે યશવીર તો મારું બ્રહ્માસ્ત્ર છે! પોતે ખુલ્લી પડવા છતાં પણ સેફ છે એ સમજાતા આસિતાના આઘાતને કળ વળી. બલ્કે વૈદેહીના સત્યને આક્ષેપના અર્થમાં વાપરવાનું શીખી ગઇ. લગ્નમાં કપડાં-ઘરેણાંની ખરીદી તો હોય જ, આસિતા દિવસભરનું શોપિંગ રાતે ઘરે આવતા હાર્દિકને બતાવી કહી દે કે જોજો, તમારી બહેનની પસંદનંુ જ લીધું છે, પછી કોઇ એમ ન બોલે કે ભાભીનો તો જીવ જ ટૂંકો છે, નણંદની કંઇ પડી નથી! સાદ થોડો ગળગળો કરી આંખમાં આંસુ ય આણી દે! હાર્દિક વૈદેહીને નિહાળે: જોયું, તારા લવારાએ એને કેટલી હર્ટ કરી છે! સામે વૈદેહીના હોઠે આવી જાય કે આ ખરીદીને તમે આપણા મોભા મુજબની કહો છો? અરે, આનાથી મોંઘા વસ્ત્ર-અલંકારો ભાભી સગાસંબંધીના લગ્ન માટે ખરીદે છે! મારા પપ્પા-મમ્મી હોત તો.. ના,ના... આવું ભાઇને શંુ કામ કહેવંુ? વેપારમાં ઘડાયેલા માણસને ઘરના વહેવારમા ગતાગમ ન પડે એવંુ બને, પણ મારા કહ્યા પછી પણ પત્નીનંુ વલણ સમજી ન શકે એટલા ડમ્બ હાર્દિકભાઇ નથી! હશે. ભાઇ-ભાભી લોકલાજે આપે છે એ મારે પણ લોકલાજ સમજીને સ્વીકારી લેવાનંુ છે. આ બધંુ અજિંક્યને કહેતા વૈદેહીને ડૂમો ભરાઇ આવતો. અજિંક્ય એને સાચવી જાણતો, વાત બદલાવી હસાવી દેતો. ‘દીકરી તો આમ પણ પારકી થાપણ ગણાય, એને સાસરિયાને સુપરત કર્યા પછી પિયરમાં કોઇ હક નહીં!’ લગ્નટાણે, જાનૈયાઓની આગતાસ્વાગતા દરમિયાન ભાભી હસતાં હસતાં જનરલ સ્ટેટમેન્ટ કરે એનો ઇશારો સામાને ન સમજાય એવંુ ઓછું! ‘વૈદેહી તો તમારા ઘરનંુ અજવાળંુ છે, એ અમને આપો પછી બીજું જોઇએ પણ શું!’ ગોદવરીમાએ સલુકાઇથી કહેલંુ. અને સાસરે આવ્યા પછી વૈદેહી સંસારમાં એવી પરોવાઇ કે બીજંુ બધંુ નેપથ્યમાં જતંુ રહ્યંુ. અજ્જુ એનો શ્વાસ-પ્રાણ હતો. સાસુ-સસરા પાસે માબાપ જેવંુ જ વ્હાલ સાંપડ્યુ, પછી જીવનમાં કોઇ અભાવ રહ્યો પણ ક્યાં? ‘વૈદેહી, તંુ તો અમને ભૂલી જ ગઇ!’ ત્રીજા મહિને હાર્દિકભાઇનો ફોન આવેલો. કંપનીમાંથી બોલતા હતા, ‘જાણંુ છંુ, તને અમારા માટે ઘણી શિકાયતો હશે, પણ યશને પણ રમાડવાનું મન નથી થતું!’ વૈદેહીએ ત્યારે ફરી હાર્દિકમાં વસતા પોતાના વીરાની ઝલક અનુભવી. ‘હું અજિંક્ય જોડે વાત કરી શનિવારનંુ ડિનર પ્લાન કરંુ છું, યા, મહિને એકાદ વીક એન્ડ તો આપણે સાથે સ્પેન્ડ કરીએ! એક જ શહેરમાં રહેવાનો ફાયદો શંુ?’ વૈદેહી ભાઇના ભાવે ભીંજાઇ હતી. અરે, શનિની સાંજે અજ્જુ સાથે પપ્પાના ઘરે પહોચી ત્યારે આસિતાએ પણ મીઠાશથી આવકાર આપ્યો એ નવાઇ જેવું હતંુ. અજિંક્યને પણ કુમાર કહી માનપાન આપ્યા. એ બદલાવનંુ કારણ જોકે ધીરે રહીને ખૂલ્યંુ. ખરેખર તો આસિતાના મમ્મીના ઘૂંટણનું ઑપરેશન હતું એટલે આસિતાએ અમદાવાદ જવાનું થતા પંદર-વીસ દિવસ માટે યશવીરનો હવાલો નણંદ સંભાળે એ હેતુથી મલાવા થતા હતા એ સમજાતા વૈદેહી ફિક્કંુ હસેલી: યશવીરને તો હું આમ પણ ખુશીખુશી રાખત, એમાં પૂછવાનંુ હોય જ નહીં! ‘જોયું, હંુ તો પહેલેથી કહેતી હતી કે વૈદેહી યશવીર માટે ના પાડે જ નહીં, નાહક આપણે ડિનરડેટ વેડફીને!’ આસિતાએ જીભ કચરી. વૈદેહીએ ધારદાર નજરે ભાઇને જોતા એની નજર ઝૂકી ગઇ. ‘જોયું, વૈદેહી, આપણી ડિનરડેટ માટે ભાભી કેટલા કન્સર્ન છે!’ ભાભી એમની જ ડિનરડેટનો અફસોસ કરતા હોવાની સમજ છતાં અજ્જુએ કેવી સૂઝથી વાત વાળી લીધેલી! બે પળ તો ભાભી પણ છોભીલા પડી ગયેલા. ખરું પૂછો તો અજ્જુને કારણે જ અમારો સંબંધ ટકી રહ્યો એમ કહેવુ ખોટુ નહી ગણાય.. બાકી ભાભીને બળેવ પર મીઠાઇ ઓછી લાગે ને ભાઇબીજમાં ઘર નાનું! દરેક વખતે જતુ કરવાની ઉદારતા અજ્જુ જ દાખવી શકે! મારો લાડલો યશવીર એનો સવાયો વહાલો. ‘આપણે એને ખાતર ભાઇ-ભાભીને સાચવી લેવાનાં.’ આ સમજે જ સંબંધ સચવાયો છે.. આમાં હવે ભાભીનો આજનો ફોન. ‘બોલો, ભાભીશ્રી. શું કામ પડ્યંુ આ ગરીબ નણંદનંુ?’ અજ્જુની સમજાવટે સંબંધ સચવાયો, પણ આસિતા સાથેના વાણી વહેવારમાં વૈદેહીનો ખટકો ઉપસી આવતો ખરો. ‘શ્રીમંતોની જરૂરિયાત પણ મોટી હોય, વૈદેહી.’ આસિતાની જીભ તો આમેય સખણા રહેવાનંુ શીખી નહોતી, ‘અમારે કરોડોનો કારોબાર ને તારા વરની માસિક અમુકતમુક હજારની નોકરી! અમારી જરૂરતને પહોંચી વળવાનું તારું ગજુ નહીં! હા, ગરજ તને અમારી હોય.’ ‘ભગવાન એવો દિવસ ન દેખાડે કે મારે તમારી સમક્ષ હાથ ફેલાવવો પડે. બીજું કામ ન હોય તો મૂકુ?’ ‘હું ય નવરી નથી. સાંભળ, હાર્દિકે નવા બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યુ છે... આજકાલ બેટરી ઑપરેટેડ વ્હીકલ્સનો જમાનો છેને, સો હાર્દિકે એમાં ટુ વ્હીલરમાં ટોપની ગણાતી ‘કીવી’ કંપનીની ડિસ્ટ્રિબ્યુશનશિપ લીધી છે...’ સાંભળી વૈદેહીના કપાળે કરચલી ઉપસી. ના, ભાઇ વેપારમાં પ્રગતિ કરે એનો આનંદ જ હોય, પણ વાહન વેચવાનો હાર્દિકભાઇને અનુભવ શું? એ વિના કરોડોનંુ રોકાણ કરવું હિતાવહ ગણાય ખરું? ‘ઘોડદોડરોડ પર નવો શૉ રૂમ લીધો, એનંુ ઉદ્ઘાટન છે બે દિવસ પછી. આવી રહેજો.’ આસિતાએ ફોન મૂકતા પહેલાં ચિંટિયો ભરી લીધો, ‘માઇન્ડ ઇટ, મોંઘેરા મહેમાનો વચ્ચે તમારા ભાઇનંુ માન જળવાઇ રહે એ માટે એવાં જ મોંઘેરા વસ્ત્રો-અલંકાર પહેરીને આવજો! યા, યા, અજિંક્યની પહોંચ માલૂમ છે, તમારાથી એફોર્ડ ન થાય તો ભાડે તો મળી જ રહેશે!’ ‘ભા...ભી’ ચીખવા જતી વૈદેહી કંઇ કહે કે બોલે એ પહેલાં આસિતાએ કોલ જ કાપી નાખ્યો! હંુ ઇડરના સાસરે આવી છું એ જાણતા હોવા છતાં ન સાસુ સાથે વાત કરવાનો વિવેક, ન અજ્જુને ઇન્વાઇટ કરવાનો વહેવાર. હશે, તમને તમારો શૉરૂમ મુબારક, ભાભી, હું મારી સાદગીમાં ખુશ છું! *** ‘અભિનંદન!’ મંગળની શુભ સવારે ‘યશવીર વ્હીલક્સ’ના ઉદ્ઘાટન પ્રસંગે શૉરૂમના પ્રાંગણમાં સજાવેલા મંડપમાં મહેમાનોનો મેળાવડો જામ્યો છે. હાર્દિક ‘કીવી’ કંપનીના મોભીઓની આગતાસ્વાગતામાં વ્યસ્ત છે. ચાર લાખ રુપિયાના પટોળામાં જાજરમાન દેખાતી આસિતા સુરતની હાઇસોસાયટીના માનવંતા મહાનુભાવોને મીઠાશથી આવકારી રહી છે. સાડાત્રણ વરસના યશવીરનો હવાલો અમદાવાદથી બે દિવસ અગાઉ આવેલા નાના-નાનીએ સંભાળ્યો છે. ‘જમાઇએ તો જબરો કૂદકો માર્યો છે.’ શૉરૂમની જાહોજલાલી નિહાળતા સસરાની આંખો ચકળવકળ થાય છે. એમનો ભાવ સમજાતો હોય એમ પત્નીએ દબાતા સૂરમાં ચિમકી આપી, ‘ખબરદાર જો દીકરીના સુખ પર નજર કરી તો. જાણે કઇ કાળમુખી ઘડીએ રિટાયર્ડ થયેલા તમને શેરબજારનો ચસ્કો લાગ્યો ને એમાં બચત મૂડી ધોવાઇ ગઇ, એની આસિતાને તો હજુ જાણ જ નથી, ને એને ખબર કરવાના પણ નથી. દીકરીના ઘરનું આપણને કંઇ ન ખપે, સમજયા!’ નાનીના ખોળામા બેઠેલો યશવીર ઘડીક નાના તો ઘડીક નાનીને જોઇ રહ્યો. ‘આસિતા, ઉદઘાટનમાં હજુ કેટલી વાર? કોની રાહ જોવાઇ રહી છે?’ કિટી ગ્રુપમાંથી કોઇએ પૂછતા આસિતાએ વટ દાખવ્યો હતો કે ‘કીવી’ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમે જેને જાહેરાતમાં જુઓ છો એ ટીવીની જાણીતી, યંગ એન્ડ બ્યુટિફુલ એક્ટ્રેસ રોહિણી રાજગુરુના હસ્તે રિબન કપાવાની છે! મહેમાનોમાં એના આગમનનો રોમાંચ ફરી વળે એટલે તો એનું નામ જાહેર નથી કર્યુ...મેડમ કલાક પહેલાં મુંબઇથી લેન્ડ થઇ ચૂકયા છે ને હોટલમાં ફ્રેશ થઇ બસ પહોંચતા જ હશે! પણ ત્યાં તો બીજી સખીએ આસિતાએ નહીં ધારેલો જવાબ વાળ્યો, ‘રાહ જોવાતી હશે એની નણંદની! હાસ્તો, ઘરના પ્રસંગમાં બહેન તો હોય જને!’ મોં બગાડી આસિતા કંઇ કહેવા જાય ત્યાં... નાનીના ખોળામા ગોઠવાયેલો યશવીર ઠેકડો મારી નીચે ઉતર્યો, હાથ લંબાવી ‘અજ્જુ...’ની ચીસ નાખતો દોડ્યો એટલે શામિયાણામાં બેઠેલાં બધાનંુ ધ્યાન ખેંચાયંુ. રિક્ષામાંથી ઉતરતા અજિંક્યે એને તેડી લીધો. પડખે વૈદેહી આવી ઉભી રહી. ફંકશનના ફોટોગ્રાફરે ત્રણેને ફ્રેમમાં કેદ કરી લીધા એ દોઢડહાપણ પણ આસિતાને ખટક્યું : મારા ચાર લાખના પટોળા સામે હજાર-બેહજારના ડ્રેસવાળી જીતે એ તો એમ ચાલે! તું પણ જોઇ લે વૈદેહી, આ ફંકશનમાં હવે શું થવાનંુ! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...