વુમનોલોજી:આ દિવાળીએ પ્રોફાઈલ અપડેટ કરવી છે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવાળીએ મારે મારી પ્રોફાઈલના સોફ્ટવેરમાં બદલાવ લાવવો હોય તો શું કરવું જોઈએ? પહેલા તો કોઈ પણ પાંચ ફેક્ટર નક્કી કરો, જેમાં બદલાવની સૌથી વધુ જરૂર હોય

- મેઘા જોશી

દરેક દિવાળી કૈક નવું કરવાની એક ઈચ્છા પ્રગટાવે છે અને જો એકાદ-બે ઈચ્છા ફળીભૂત થાય તો જીવનમાં ઝળહળ ઉમેરાય છે. ઘરની સફાઈ, નવા પરદા, થોડું નવું સુશોભન કે નવા કપડાં જેવું તો બધું દર વર્ષે થાય જ છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે આમ પણ ઘરની ચાર દિવાલો વચ્ચે ઉજવણી યોગ્ય છે ત્યારે વાત કરવી છે મનની દિવાલોનાં રંગરોગાન વિશે. તમે સ્માર્ટફોન વાપરતા હશો તો ખ્યાલ હશે કે દર પાંચથી છ મહિને મોબાઈલ ટકોરા મારે અને તમને જણાવે કે તમારે સોફ્ટવેર અપડેટ કરવાનું છે, બાકી અમે કિટ્ટા. ફોન સ્માર્ટ થાય તો સમય પ્રમાણે પોતાની ટેકનોલોજી અને વ્યવસ્થાપન બદલે છે. જાતને અપડેટ કરવી એટલે સમય સાથે સજ્જ કરવી.

આ દિવાળીએ મારે મારી પ્રોફાઈલના સોફ્ટવેરમાં બદલાવ લાવવો હોય તો શું કરવું જોઈએ? પહેલા તો કોઈ પણ પાંચ ફેક્ટર નક્કી કરો, જેમાં બદલાવની સૌથી વધુ જરૂર હોય. પ્રોફાઈલની શરૂઆત નામથી થાય. તમારું નામ જયારે તમે કે અન્ય કોઈ બોલે ત્યારે તેની સાથે એક આગવી ઓળખ જોડાયેલી હોય છે કે માત્ર કોઇની પત્ની, બહેન કે દીકરી જેવા સંબંધનાં જ જોડાણ છે? જો તમારી ઓળખમાં તમને સંતોષ ન હોય તો એનાથી જ શરૂઆત કરો. એ પછી આવે અભ્યાસ. અભ્યાસ એટલે કોઈ એક, બે કે તેથી વધુ ડિગ્રી જ નહિ. અભ્યાસ એટલે તમે તમારી જાતનો કેટલો અભ્યાસ કર્યો છે. તમારી પોતાની પોતાના વિચારો સાથે કેટલી સ્પષ્ટતા છે? આ એવો અભ્યાસ છે જે જીવન પર્યંત સુખની શોધ માટે કામ લાગશે. તમે કઈ બાબતમાં કાચા પડો છો અને એમાં એક આખા વર્ષના સમયગાળામાં તમે અંગે શું શીખવા માંગો છો એ નક્કી કરો. ઉદાહરણ તરીકે સ્ત્રીઓ બેન્કિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજી ક્ષેત્રે પુરુષની સરખામણીમાં કાચી પડે છે એવી સરેરાશ માન્યતા છે. જે તે નબળાઈને કારણે જો તમારું કામ અટકતું હોય તો એને અગ્રતાક્રમમાં પહેલો નંબર આપી દેવો.

કોઈ એપ અપડેટ કરવાની હોય એમાં મૂળભૂત માળખું અને એના કાર્યો એના એ જ રહે પણ માત્ર એનો દેખાવ અને થોડી ઘણી અભિવ્યક્તિ બદલાય. એમાં પણ મોટેભાગે ઉમેરણ થાય . એ જ રીતે જયારે આપણી ખુદની પ્રોફાઈલ અપડેટ કરવી હોય ત્યારે ચહેરો કે ઉંચાઈ નહિ બદલાય પણ તમારે લોકોને અને અરીસાને કેવો ચહેરો બતાવવો છે એ નક્કી કરવું જોઈએ. બીજાની પસંદગીને પ્રાધાન્ય આપીને અથવા સમાજની બીકે કોઈ એક ગમતો દેખાવ ના કરી શક્યા હોય તો એને શોધી લો. મનમાં સહેજ આમતેમ ફાંફા મારો એટલે ઇચ્છાઓ કીડીનું દર ઉભરાયું હોય તેમ ફટાફટ બહાર આવવા માંડે છે. બસ એમાંની જે ઈચ્છા બળુકી હોય અને જેને પૂરી કરવા માટે શક્તિ ખર્ચવાનો અફસોસ ના થાય એને પૂરી કરી દો. બદલાવ આપોઆપ દેખાશે. સ્માર્ટફોનમાં જગ્યા ખૂટે ત્યારે આપણે એ ભાગ્યે જ વપરાતી એપને કાયમ માટે ડીલીટ મારીએ છીએ. આપના જીવનમાં પણ અમુક સંબંધ અથવા વળગણ કોઈ એક ખૂણે જગ્યા રાખીને બેઠા હોય છે. તમને એમ લાગે કે એમની હાજરી જીવનમાં જગ્યા રોકીને બેઠી હોય તો તલવાર કાઢીને છેડો ફાડવાની કઈ જરૂર નથી. માત્ર એમને મહત્ત્વ આપતા ઈમોશન કાબૂમાં રહે તો પણ બસ છે. કોઈ પણ ટેકનોલોજી જયારે સુધારા વધારા કરે ત્યારે યુઝરની સરળતાને પહેલા જુએ છે. આપણે પણ અપડેટ થવા માટે સમયની માંગ અને આપણી આંતરિક જરૂરિયાતને પહેલા જોઈ લેવાની. હેપી દિવાળી અને હેપી અપડેશન . meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...