મીઠી મૂંઝવણ:GF સાથે લગ્ન કરવાં છે, માતા-પિતાને કઇ રીતે મનાવું?

14 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા હમણાં છ મહિના પહેલાં જ લગ્ન થયા છે. મારા પતિ આમ તો બહુ સારા છે પણ તેઓ ક્યારે ખુલીને પોતાની લાગણી વ્યક્ત નથી કરતા. તેમને કંઇ ખરાબ લાગે તો ચર્ચા કરવાને બદલે અબોલા લઇ લે છે અને મને તેમના વર્તન પાછળનું કારણ પણ જાણવા પણ નથી મળતું. હું તેમને કઇ રીતે હેન્ડલ કરું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : સંસારમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો તો થાય જ છે જો કોઇ એવું કહે કે અમારી વચ્ચે ઝગડો થતો જ નથી તો તે વાતમાં કાં તો દંભ હશે અથવા બન્ને વચ્ચે પ્રેમનો અભાવ હશે. પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ ઉપરાંત સમજણને કારણે ટકતો હોય છે. દામ્પત્ય જીવનમાં પણ વિચારભેદ રહેવાના જ અને 'ઘર હોય ત્યાં વાસણ ખખડે' એ કહેવત મુજબ સાથે રહેનારા વચ્ચે સ્વભાવિક રીતે જ કશા મતભેદો થવાના જ, પણ આ મતભેદોનો ચર્ચા દ્વારા નિકાલ લાવો છો કે ઝગડો કરી મનદુ:ખ કરો છો તે બાબત પર દામ્પત્ય જીવનનો આધાર છે. અમારી વચ્ચે ઝગડો થતો જ નથી એવું કહેનારા દંભી ન હોય તો પણ તે પતિ-પત્ની વચ્ચે પ્રેમનો અભાવ હશે જેથી પતિ એનું કામ કરે અને પત્ની એના રસ્તે રહે તેવી ગોઠવણ આપોઅપ થઇ ગઇ હશે ! મતભેદો ભલે ઝગડાનું સ્વરૂપ ન લે પણ વિચારભેદ નો ઉકેલ પરસ્પર સમજણથી જ આવે. અહં, જીદ અને ગુસ્સો દામ્પત્ય જીવનને છિન્નભીન્ન કરી નાખે. તમે પતિને સમજાવાનો પ્રયાસ કરો અને જો તે ન સમજે તો વડીલના માધ્યમથી તેને સંદેશ પહોંચાડો કે પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય ત્યારે શાંતિચિતે સાથે બેસી એની ચર્ચા કરો પણ અરસપરસ અબોલા તો ક્યારેય ન લ્યો. દામ્પત્ય જીવનમાં ઝગડાનું એક કારણ હોય છે ઉપેક્ષા. પતિએ પત્નીની કે પત્નીએ પતિની ઉપેક્ષા ક્યારેય ન કરવી જોઇએ. કોઇથી પોતાની ઉપેક્ષા સહન થતી હોતી નથી. અરસપરસ એકબીજાનું માન જાળવશો તો અન્ય લોકો પાસે પણ તમારૂ માન જળવાશે. તમારા બન્નેનો ઝગડો ઘરની ચાર દિવાલો વચ્ચે જ રાખો એને લોક તમાશાનું સ્વરૂપ ન મળે એની ખાસ તકેદારી રાખો. તમારા પતિના વ્યવહાર, વર્તન અંગે તમને ફરિયાદ હોય તો તમે એને મોઢે જણાવો પણ અકળાઇને અબોલાની સામે અબોલા લેવાનું ક્યારેય ન રાખો. પરસ્પરનો સંવાદ જ દામ્પત્ય જીવનનો ધબકાર છે. ઝગડો ભલે થાય પણ એકબીજા સાથે સંવાદ ચાલુ રાખશો તો લાગણીના તંતુથી જોડાયેલા જ રહેશો અને જે પતિ-પત્ની લાગણીના તંતુથી જોડાયેલા હોય તો જ જિંદગી જીવવા જેવી લાગવાની. પ્રશ્ન : હું 26 વર્ષનો યુવક છું અને નોકરીમાં વેલ સેટલ્ડ છું. હું છેલ્લા પાંચ વર્ષ સાથે એક યુવતી સાથે રિલેશનશિપમાં છું અને હવે તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છું છું. જોકે આ વાત મારા પેરેન્ટ્સને કઇ રીતે જણાવવી એ ખબર નથી પડતી. મારે શું કરવું જોઇએ? એક યુવક (વડોદરા) ઉત્તર : જો તમે લવ મેરેજ કરવા ઇચ્છતા હો તો એ માટે માતા-પિતાને મનાવવા એટલું સરળ કામ નથી. હકીકતમાં તેઓ હજુ પણ તેમના બાળકોની પસંદગી પર વિશ્વાસ કરી શકતા નથી કારણ કે તેમને લાગે છે કે તેમનું સંતાન હજી પણ બાળક છે. કેટલાક માતા-પિતા સંકુચિત માનસિકતા ધરાવતા હોય છે અને આ કારણે ધર્મ અને જાતિ પણ એક મુદ્દો બની જાય છે. હંમેશા કપલ્સ એવી ભૂલ કરે છે કે, તેઓ તેમના પરિવારના સભ્યોને છેલ્લી ક્ષણે કહે છે કે, તેઓ કોઈને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. તમારે સમજવું પડશે કે, અચાનક કોઈ નવી વાત સાંભળ્યા પછી, માતાપિતા તેને સરળતાથી સ્વીકારી શકતા નથી. તેથી તેમને આંચકો આપવાના બદલે, તેમને અગાઉથી કેટલાક સંકેતો આપવાનું શરૂ કરો. જ્યારે પણ તમે તેમને તમારીગર્લફ્રેન્ડ વિશે કહેવાનું વિચારી રહ્યા હોવ તો ધ્યાનમાં રાખો કે માતા-પિતાનો મૂડ ખૂબ જ સારો હોય. ખુશનુમા વાતાવરણમાં, પરિવારના સભ્યો તમારી આ વાત પર ગુસ્સે થઈ શકશે નહીં અને જો તમે ઇચ્છો તો, તમે તમારા જીવનસાથીને સારો દિવસ જોઈને મળવા માટે પણ બોલાવી શકો છો, જેથી તેમની વચ્ચે સુમેળ રહે. જો તમારા માતા-પિતા તમારી ગર્લફ્રેન્ડને પસંદ કરી લીધી, તો તમારું કામ થઇ જશે. માતા-પિતાને સમજાવવા એ એટલું સરળ કામ નથી, પરંતુ તેઓને ધીરે-ધીરે સમજાવવા પડે છે. દરરોજ નહીં પણ અઠવાડિયામાં અને મહિનામાં એક વાર તેની વાત કરવાની હોય છે અને કેટલીક પોઝિટિવ વાત કર્યા પછી તેને ત્યાં જ છોડી દેવી. માતા-પિતા પણ ઈચ્છે છે કે, બાળકના લગ્ન સમયસર થાય, તેથી જ્યારે તમે તમારી જીદને વળગી રહેશો તો, તેમને પણ તમારા પ્રેમ પ્રત્યે વિશ્વાસ થવા લાગશે અને અંતે તેઓ તમારી ખુશી માટે સંમત થઇ જશે. પ્રશ્ન : મારી એક ખાસ ફ્રેન્ડ અહીં નોકરી કરે છે જ્યારે એનો પરિવાર વતનમાં રહે છે. તે પોતાના બોયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું પ્લાનિંગ કરી રહી છે પણ મને આ યોગ્ય નથી લાગતું. તેને એમ લાગે છે કે લિવ ઇન રિલેશનશિપમાં ક્યારેય પ્રેમની ઊણપ નથી સર્જાતી. શું આ વાત સાચી છે? એક યુવતી (સુરત) ઉત્તર : લિવ ઇન રિલેશનશીપ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આજકાલ ઘણા લોકો લગ્ન પહેલા એકબીજાને સમજવા માટે લિવ-ઈનમાં રહેવાનું પસંદ કરે છે કારણ કે તેમને એમ લાગે છે કે આ રીતે પ્રેમને વધારે મજબૂત બનાવી શકાય છે. જોકે એ‌વું નથી. લિવ ઇન રિલેશનશિપ જાળવી રાખવા માટે ધીરજ અને સમજની જરૂર પડે છે. એવું જોવામાં આવ્યું છે કે લિવ-ઈનમાં રહેતા કપલ્સ એકબીજાની પર્સનલ સ્પેસનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ભલે તમે લિવ-ઈનમાં રહેતા હો, પરંતુ એકબીજાની પર્સનલ સ્પેસનું ધ્યાન રાખો. એક સમય પછી દરેકને પોતાના માટે સમયની જરૂર હોય છે. ઘણીવાર લોકો લિવ-ઈનમાં આ વાતનું ધ્યાન રાખતા નથી અને તેના કારણે સંબંધમાં સમસ્યા સર્જાય છે. જો રિલેશનશિપમાં પાર્ટનર કામ કરે છે, તો તેઓએ ઘરના ખર્ચને અડધો-અડધો વહેંચવો જોઈએ. પરંતુ ઘણી વખત પાર્ટનર તેનું પાલન કરતા નથી અને તેના કારણે તેમની વચ્ચે થોડા સમય પછી ઝઘડાઓ શરૂ થઈ જાય છે. મોંઘવારીના આ જમાનામાં ખર્ચાઓ અડધા-અડધા વહેંચવામાં આવે તો સંબંધોમાં પોઝિટિવિટી આવે છે. ઘણીવાર લોકો સંબંધમાં એકબીજાને સમય આપવાનું ભૂલી જાય છે. તેઓ પાર્ટનર સાથે તેમની ઈચ્છા મુજબ વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરેક વ્યક્તિએ પાર્ટનરના અનુકૂળ સમય પ્રમાણે વાત કરવા માટે સમય ફાળવવો જોઈએ. જો આટલું ધ્યાન રાખવામાં આવે તો લિવ ઇન રિલેશનશિપ ટકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...