પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું અને ટૂંક સમયમાં મારાં લગ્ન થવાના છે. મેં જોયું છે કે લગ્ન પછી મારી બહેનપણીઓના વજન લગ્ન પછી એકાએક વધી જાય છે. શું ખરેખર લગ્ન પછી છોકરીઓનું વજન વધી જાય છે અથવા તો એની સુંદરતામાં વધારો થાય છે? એક યુવતી (સુરત) ઉત્તરઃ એક રિસર્ચ પ્રમાણે લગ્નના પાંચ વર્ષની અંદર જ 82 ટકા કપલ્સનું વજન 5થી 10 કિલો વધી જાય છે. આ બાબતે સૌથી વધારે મહિલાઓ આગળ છે. મહિલાઓનું વજન પુરુષોની સરખામણીમાં ઝડપથી વધે છે. હકીકતમાં લગ્ન પછી છોકરીનું ઘર બદલાય જાય છે. ઘર બદલવાની સાથે-સાથે ઘણી વસ્તુઓમાં ફેરફાર થાય છે અને ભોજનશૈલી તેમાંથી એક છે અને એની અસર પાચનક્રિયા પર પડે છે. આ સિવાય લગ્ન પછી મિત્રો, સંબંધીઓને ત્યાં જમવાનું શરૂ થઈ જાય છે. જે ઘણાં મહિના સુધી ચાલુ રહે છે. આ સિવાય દંપતી હનિમૂન દરમિયાન કંઈપણ પ્રકારની રોકટોક વગર જમવાનો આનંદ ઉઠાવે છે અને એમાં જરૂરિયાત કરતા વધારે કેલરી ખવાઇ જાય છે. ભારતીય નવદંપતી લગ્નના 2-4 વર્ષમાં બાળકોનું પ્લાનિંગ કરે છે. પરિણામે, લગ્ન પછી જે દરે ચરબી જમા થવાનું શરૂ થાય છે, સંતાન થતાં જ તે ચરબી કંઈક અંશે કાયમી બની જાય છે અને શરીરમાં એકઠી થાય છે. લગ્ન પછી સ્ત્રીઓમાં સેક્સ હોર્મોન સક્રિય થઈ જાય છે. આ હોર્મોન સ્ત્રીઓને સેક્સ કરવા માટે ઉત્તેજીત કરે છે. આ પ્રક્રિયાથી જે સંતોષ મળે છે તે તેના ચહેરા પરની ચમક વધારી દે છે. આ હોર્મોન સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ પણ વધારે છે.
પ્રશ્ન : હું 35 વર્ષની ડિવોર્સી મહિલા છું. ચાર મહિના પછી બીજાં લગ્ન છે. મારા ભાવિ પતિના પહેલા લગ્ન છે અને લગ્ન પછી તેને મારી વર્જિનિટી ગિફ્ટ કરવા ઇચ્છું છું. મારા એક વખત લગ્ન થઇ ગયા છે એટલે નેચરલી તો એ શક્ય નથી પણ મારી આ ઇચ્છા પૂરી કરવામાં કોઇ તબીબી મદદ મળી શકે? એક મહિલા (અમદાવાદ) ઉત્તરઃ આજના સ્માર્ટ જમાનામાં પણ સ્ત્રીઓના કૌમાર્યને હજી પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. સામાન્ય રીતે યુવતીનો કૌમાર્યપટલ પહેલી વખત જાતીય સમાગમ માણતી વખતે ભંગ થતો હોય છે. હવે આ ભંગ થયેલા કોમાર્યપટલને હાઇમનોપ્લાસ્ટી જેવી સર્જરીની મદદથી પૂર્વવત્્ બનાવી શકાય છે. એ એક દિવસની સર્જરી હોય છે. એમાં સહેજ ઊંઘની દવા અને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. દર્દી 2 થી 4 કલાકમાં ઘરે જઈ શકે છે. એમાં બહુ જ પાતળા અને ઓગળી જાય એવા ટાંકા લેવામાં આવે છે. કોઈ રિસ્ક નથી હોતું. દુખાવો બિલકુલ નથી થતો. ઘરે જઈને પેશન્ટ રૂટિન એક્ટિવિટી કરી શકે છે. આ સર્જરી પછી હિલિંગ સામાન્ય રીતે 3થી 4 અઠવાડિયામાં થઈ જતું હોય છે. એમાં કોઈ મોટા કોમ્પ્લિકેશન નથી આવતા. સર્જરી પછી ભાગ્યે જ કોઈ દર્દીને ઇન્ફેક્શન થાય. જો કે કોઈ પણ સર્જિકલ પ્રોસિજરમાં એ શક્યતા હોય છે. હાયમન બનાવ્યા પછી 3 થી 4 અઠવાડિયું સંબંધ નહીં રાખવાની સલાહ ડોક્ટર આપતા હોય છે. આ સર્જરીની કિંમત 25 હજારની આસપાસ હોય છે પણ એ ડોક્ટર પર આધાર રાખે છે. આ સર્જરી કરાવવા માટે એક્સપર્ટ ડોક્ટરની જ મદદ લેવી જોઇએ. આ એક ગાયનેક કોસ્મેટિક સર્જરી છે. કોસ્મેટિક સર્જરી અનિવાર્ય નથી હોતી. જો તમે તમારા પતિને વર્જિનિટીનો અનુભવ કરાવવા ઇચ્છતા હો તો આ સર્જરી કરાવી શકો છો પણ હકીકતમાં તમારા શરીરમાં કોમાર્યપટલ હોય કે ના હોય એનાથી તમારા જાતીય આનંદમાં કે પતિના જાતીય આનંદમાં કોઈ ફરક નથી પડતો. પ્રશ્ન : હું 22 વર્ષીય યુવતી છું. મારા નજીકના ભવિષ્યમાં લગ્ન થવાના છે. હું અત્યાર સુધી તો પ્રાઇવેટ પાર્ટના વાળ દૂર કરવા માટે થોડી બેદરકાર હતી પણ હું નથી ઇચ્છતી કે આ વાતની અસર મારા જાતીય જીવન પર પડે અને આ કારણે હું આને દૂર કરવા ઇચ્છું છું. શું પ્રાઇવેટ પાર્ટ પરના વાળ દૂર કરી શકાય ખરા? એક યુવતી (રાજકોટ) ઉત્તરઃ સ્ત્રી-પુરુષને પ્યુબર્ટી બાદ યુવાનીમાં પ્રવેશતાંની સાથે જ પ્રાઇવેટ પાર્ટના વિસ્તારમાં ફરતે વાળ ઊગવાના શરૂ થઈ જાય છે. આ વાળનો વ્યક્તિની સેક્સ્યુઅલિટી સાથે ઝાઝો સંબંધ હોતો નથી. પ્યુબિક હેરને પણ શરીરની અન્ય વાળની જેમ ટ્રીટ કરવા પડે છે. એને સ્વચ્છ રાખવા પડે અને નિયમિત સાબુથી ધોવા પડે. એને કાતર યા રેઝરથી દૂર કરી શકાય. સેક્સ-પાર્ટનરને જો એસ્થેટિકલી સારા ન લાગે તો આ વાળને દૂર કરવામાં કોઈ ખાસ વાંધો નથી. છોકરીઓ પણ ઇચ્છે તો આ પ્યુબિક હેરને શેવ કરી શકે છે. પ્યુબિક હેરના શેવિંગ બાબતે પાર્ટનર વચ્ચે માનસિક ખટરાગ ઊભો થયો હોવાના કિસ્સાઓ પણ જાણવા મળે છે. પ્યુબિક હેરને ધોવા માટે ગરમ પાણી અને સાદો સાબુ પૂરતાં છે. એને માટે કોઈ વિશેષ શેમ્પૂની જરૂર હોતી નથી. પ્યુબિક હેર અફર્કોસ યોગ્ય રીતે જો સ્પર્શ પામે તો વિશેષ જાતીય અનુભૂતિઓ પણ જન્માવી શકે છે. યુગલે પ્યુબિક હેરની સવિશેષ સ્વચ્છતા રાખવી જરૂરી છે. એમાં ગૂંચ, પરસેવો, ખોડો, જૂ વગેરે ન હોવાં જોઈએ. પ્યુબિક હેર સમાગમમાં કદી કોઈને નડતા નથી, પણ સ્ત્રીમાં વધુપડતા પ્યુબિક હેર ક્લિટોરિસને ઢાંકી દઈ શકે છે. જોકે એ સ્રીના આનંદમાં ખલેલજનક બાબત નથી. તમે આ મુદ્દાઓનું ધ્યાન રાખીને યોગ્ય નિર્ણય લઇ શકો છો. પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર ઃ લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો. આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાં પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.