તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:‘ફરવા એવા લોકોની જોડે જ જવાય, જેના સ્વભાવમાં ઇઝીતા હોય...!’

જિગીષા ત્રિવેદી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટેલ પસંદ કરતી વખતે ધ્યાન રાખવાનું. જેનાં નામમાં વ્યૂ આવતું હોય એની બારીઓમાંથી બહારનો વ્યૂ દેખાય

"બેદિ’ થી કલાબહેન નથી દેખાણાં. નક્કી ક્યાંક ધામા નાયખા હશે. એમને આમે ય લોકડાઉન પછી ઘર બટકા ભરતું’તું.’ કલાકાકીના સ્વભાવને અનુલક્ષીને સવિતાકાકીએ અટકળો બાંધી. ‘અલા. માંદા તો નંઇ હોય ને?’ કંકુકાકીએ ચિંતા વ્યક્ત કરી એટલે રેખાબહેન બોલ્યાં, ‘માંદા તો નથી જ પડ્યાં. કાલ હવારે તો મેં જ જોયા’તાં કપડાં હુકવતાં. જો આવી ગયાં મીટિંગમાં...’ ‘સુ કલાબહેન. શની-રવિ ફરી આયા?’ હંસામાસીએ સીધુ બીજું જ સ્ટેપ લીધું. ‘શું શની-રવિ! શુક્રવાર રાતનાં અગિયાર વાગ્યાનાં ગયાં’તાં તે છેક સોમવારે પરોઢિએ ચાર વાગે આયાં. આ જોયું નંઇ તમે? ઢગલો કપડાં હુકાતાં’તાં એ?’ કલાકાકીએ શનિ રવિને આગળ પાછળ લંબાવીને રજૂ કર્યા. એટલે હંસામાસી એમને સારું લગાડવા કહે, ‘તો તો ખાસ્સા બે-તૈણ દિવસ જઇ આયાં’ પણ કલાકાકીને આ ગણતરી સામે વાંધો હતો એટલે એમણે પોતાની રીતે ગણતરી સમજાવી, ‘જો, શુકકર, શની, રવિ અને કાલ સોમ. પૂરેપૂરા ચાર દિવસ ફરી આયા અમે.’ ‘તે કેવું રહ્યું? મજા આઈ?’ એવા સવાલના જવાબમાં કલાકાકીએ હરખભેર ‘મારો પ્રવાસ’ નિબંધ રજૂ કર્યો. ‘મજા તો આઈ પણ આમના ભાઈબંધની વાઈફ...જરાય એક્ટિવતા જ નંઇ. આમનો ભાઈબંધ પણ ઠેકાણા વગરનો. કાયમ ગંભીરનેસમાં જ હોય. વાંકું મોઢું કરીને જ બેઠો હોય. જરાય એન્જોયવાદી સ્વભાવ નંઇ યાર એકેય જણનો. ફરવા તો એવા લોકોની જોડે જ જવાય, જેના સ્વભાવમાં ઇઝીતા હોય...હમજ્યાં તમે!’ ખબર નહીં કલાકાકી જ્યાં ગયાં હોય ત્યાં, પણ ભયંકર શબ્દભંડોળ સાથે પાછાં આવ્યાં’તાં. હવે આ પ્રવાસ સ્થળનો પ્રતાપ હતો કે સાથે ગયેલા લોકોનો...કોણ જાણે! ‘એ તો એવું રહેવાનું કોઈક જોડે જઈએ ત્યારે. બધાંના સ્વભાવ કંઇ આપડા જેવા કમ્પ્લિટ ના હોય!’ હંસામાસીએ આખા ગ્રુપને ગૌરવ બક્ષ્યંુ. ‘હું તો કહું કે નોલેજયુક્ત હોવું પણ એટલું જ જરૂરી છે. જ્યારે આમના ભાઈબંધમાં નોલેજની કોઈ સેન્સ જ નંઇ યાર!’ કલાકાકી પેલા ફ્રેન્ડ અને એમનાં ફેમિલીથી ખાસ્સાં નારાજ હતાં એટલે એમને આશ્વાસન આપતાં કંકુકાકીએ નવો સવાલ કર્યો, ‘હશે હવે... એ તો કહો કે ખાવાનું ફાયવુ?’ ‘ઠીકા ઠીક. આમ જાત ભાતના બ્રેકફાસ્ટો હોય, ઘણું ખરું જમીએ ય ખરા. પણ હાચું કહું...અંગ્રેજી પ્રકારનું ધોળું મોળું હોય એટલે પેટ ભરાય, પણ ખાધાનું જરાય સંતોસમેન્ટ જ ના થાય યાર! ના કંપનીમાં ઠર્યાં કે ના જગ્યામાં. ભીડ પણ બહુ હતી અલા. મેં તો આમને કહી જ દીધું છે કે ફરવા લઈ જવી હોય ને તો એવા લોકોની જોડે જ લઈ જવાની કે જે લોકો બહુ હાઇફાઈતામાં ના માનતા હોય. એવી જગ્યાએ લઈ જાવ કે જ્યાં તદ્દન ઘોંઘાટલેસ વાતાવરણ હોય.’ કંકુકાકીએ પણ કલાકાકીના વાદે ચડીને જ્યાં ત્યાંથી ગુજરેજી શબ્દોનાં સેટિંગ પાડીને એમનાં ફ્રેન્ડ હોવાની લાયકાત સાબિત કરી. ‘હશે... મજા આવીને થોડી ઘણી એટલે પૈસા વસૂલ.’ હંસામાસીએ વળી આશ્વાસન આપ્યું. ‘અરે...બીજું બધું તો ઠીક પણ ગુજરાત બહાર ફરવા જઈએ એટલે એક ફાયદો થાય. આપડું ઇંગ્લિશ ચોક્કસ સુધરી જાય. જો કે આમ પણ ઇંગ્લિશમાં કંઇ બહુ મોર નથી મૂક્યાં.’ ‘તો પણ...અમુક શબ્દોમાં થોડી તકલીફ પડે.’ કંકુકાકીએ બિચારાએ પોતાની વ્યથા રજૂ કરી એટલે હંસામાસીએ ઉકેલ આપ્યો, ‘તે પણ ગૂગલી નાખવાનું.’ ‘ગૂગલુ જ છું ’લા બરાબરનું પણ અમુક વખતે આપડી સ્ટાઈલનું નહીં રાખતા એ લોકો.’ કંકુકાકીએ દુકાનમાં પોતાને જોઈતો માલ ના હોય ત્યારે ગ્રાહક મોઢું બગાડે એકઝેટ એમ જ મોઢું બગાડીને કહ્યું પણ કલાકાકીને પોતાની વાતમાં વિઘ્ન પોસાયું નહીં એટલે ખીજાયાં, ‘તમારી લપ મુકોને અત્યારે. એક મેઇન વાત... હું સંુ કહું છું કે હોટેલ પસંદ કરતી વખતે બહુ ધ્યાન રાખવાનું. જો, હોટેલમાં જેનાં નામમાં છેલ્લે વ્યૂ આવતું હોય એની બારીઓમાંથી બહારનો વ્યૂ દેખાય. જેની પાછળ ઇન આવતું હોય એમાં અંદરને અંદર જ હોય બધું જમવાનું ને નાસ્તો. એ સિવાયની સાદા નામવાળી હોય એ બધી લગભગ થોડી ઘણી સગવડલેસ હોટલ જ હોય. એમાં પડવાનું જ નહી...!’ એક નવી જ ડિક્ષનરી અસ્તિત્વમાં આવી એટલે આજે ખરેખર મારું મગજ ઓવરલોડ થઈ ગયું.

અન્ય સમાચારો પણ છે...