રસથાળ:વિવિધ પૌષ્ટિક શિયાળું વસાણાં

એક મહિનો પહેલાલેખક: બિંદિયા ભોજક
  • કૉપી લિંક

શિયાળામાં લીધેલો સ્વાસ્થ્યપ્રદ ખોરાક આખું વર્ષ શરીરને સ્વસ્થ અને મજબૂત રાખે છે. ઠંડીની મોસમમાં આપો શરીરને તાકાતથી ભરપૂર વસાણાંનો ગરમાવો

સૂંઠ-ગોળની લાડુડી
સામગ્રી :
સૂંઠ પાઉડર- અડધોકપ, ગોળ-1 કપ, ઘી-અડધો કપ, હળદર-1 ચમચી
રીત : એક કથરોટમાં સમારેલો ગોળ, સૂંઠ પાઉડર અને ઘી ભેગા કરી લો. હવે ગેસ પર ધીમા તાપે મિશ્રણને તવેથા વડે સતત ચલાવતા રહો. થોડું લચકા પડતું થાય એટલે હળદર મિક્સ કરો. 2થી 3 મિનિટ શેકી ગેસ બંધ કરી ઠંડું પડવા દો. મિશ્રણ ઠરી જાય એટલે તેની સોપારી જેવી લાડુડી બનાવી લો. શિયાળામાં દરરોજ સ્વરે નરણા કોઠે એક લાડુડીનું સેવન કરવાથી શરદીની સમસ્યા ક્યારેય સતાવશે નહીં.

ખજૂર અંજીર બોલ

સામગ્રી : સમારેલો ખજૂર-1 કપ, ઝીણાં સમારેલાં અંજીર-પા કપ, પિસ્તા કતરણ-1 કપ, ઘી-2 ચમચી, મિક્સ ડ્રાયફ્રુટનો પાઉડર-અડધો કપ
રીત : એક કડાઈમાં એક ચમચી ઘી લઈ ખજૂર અને અંજીર ઉમેરીને ધીમા ગેસે બે મિનિટ સુધી પકાવો. હવે તેમાં મિક્સ ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો. મિશ્રણને ઠંડું પડવા દો. હવે હાથમાં સહેજ ઘી લગાવી ગોળ બોલ્સ બનાવી લો. બોલ્સને પિસ્તા કતરણમાં રગદોળી લો.

રાબ

સામગ્રી : બાજરીનો લોટ-1 ચમચી, જુવારનો લોટ-1 ચમચી, ગોળ-3 ચમચી, સૂંઠ પાઉડર-અડધી ચમચી, ગંઠોડા પાઉડર-1 ચમચી, ઝીણી સમારેલી બદામ-5થી 6 નંગ, કોપરાની છીણ-2 ચમચી, ઘી-2 ચમચી, પાણી-2 કપ.

રીત : એક તપેલીમાં ઘી મૂકી તેમાં બંને લોટ શેકો. સહેજ રંગ બદલાય એટલે સૂંઠ અને ગંઠોડા પાઉડર ઉમેરી પાણી રેડી દો. હવે તેમાં સમારેલો ગોળ, બદામ અને કોપરું ઉમેરી ઉકળવા દો. બે મિનિટ
ઉકાળી ગરમ ગરમ સર્વ કરો.

કાટલું પાક
સામગ્રી :
ઘઉંનો કરકરો લોટ-500 ગ્રામ, ઘી-500 ગ્રામ, ગોળ-400 ગ્રામ, ગુંદ-100 ગ્રામ, આખા મરી-1 ચમચી, સૂકા ટોપરાની કતરણ-4 ચમચી, કાટલું પાઉડર-100 ગ્રામ, સૂંઠ પાઉડર-1 ચમચી, ગંઠોડા પાઉડર-1 ચમચી, હળદર-પા ચમચી, કાજુ-બદામની કતરણ-અડધો કપ, ખસખસ-1 ચમચી, સૂકા ટોપરાની બારીક છીણ-અડધો કપ

રીત : સૌ પ્રથમ ઘઉંનો લોટ ચાળી લેવો. હવે જાડી કડાઈમાં અડધું ઘી ગરમ કરી ગુંદ,આખા મરી અને ટોપરાની કતરણને તળીને સાઈડમાં રાખી લો. હવે કડાઈમાં બાકીનું ઘી ઉમેરી લોટ શેકવો. મધ્યમ તાપે લોટને સારી રીતે શેકવાનો છે. બાકીની બધી સામગ્રી મિક્સ કરી નીચે ઉતારી તેમાં ગોળ ઉમેરવો. આ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરવું. ડ્રાયફ્રુટ કતરણ આને ખસખસ ભભરાવો.સૂકા કોપરાની છીણ ભભરાવી તવેથા વડે દરેક સાઈડ દબાવો. થોડું ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા. તૈયાર છે શિયાળું સ્પેશિયલ કાટલું પાક.

અડદિયા પાક

સામગ્રી : અડદનો લોટ-1 કપ, ઘી-1 કપ, ગોળ-1 કપ, કાટલું પાઉડર-2 ચમચી, ગુંદર પાવડર-3 ચમચી, કોપરાની છીણ-પા કપ, મિક્સ ડ્રાયફ્રુટ-પા કપ

રીત : અડદિયા પાક એક પ્રકારનું વસાણું છે. શિયાળામાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. બનાવવા માટે જાડી કડાઈમાં ઘી ગરમ કરો. ધીમા તાપે અડદનો લોટ શેકો. 5 મિનિટ શેકાય એટલે ગુંદર પાઉડર, ડ્રાયફ્રૂટ, કોપરાની મિક્સ કરી હલાવતા રહો. લોટનો રંગ બદામી થવા લાગે અને સુગંધ આવવા લાગે એટલે ગોળ ઊમેરી ગેસ બંધ કરી કડાઈ નીચે ઊતારી લો. ગોળ ઓગળી જાય એટલે થાળીમાં ઢાળી દો. ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવી પીસ કરી ડબ્બામાં ભરી દો. (અહીં તમે ગોળના બદલે બૂરું ખાંડ કે ખડી સાકરનો પાઉડર વાપરી શકો છો.)

પેંદ

સામગ્રી : બાવળિયો ગુંદર (પાઉડર કરેલો)-અડધો કપ, ઘી-1 કપ, દૂધ-1 લિટર,દળેલી સાકર-અડધો કપ, સમારેલા બદામ અને પિસ્તા-પા કપ, સૂકા કોપરાની છીણ-અડધો કપ, સૂંઠ-1 ચમચી, ગંઠોડા-2 ચમચી, ઈલાયચી પાઉડર-1 ચમચી, જાયફળ પાઉડર-પા ચમચી, ખસખસ-1 ચમચી

રીત : સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકો. બીજી બાજુ નોનસ્ટીક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે થોડો થોડો કરીને ગુંદર નાખતા જાઓ અને એને ફૂલવા દો. આ રીતે બધો જ ગુંદર ફૂલી જાય એટલે ખૂબ ધ્યાનથી ધીરે ધીરે ગરમ દૂધ વરાળથી હાથ દાઝે નહીં એ રીતે રેડો. દૂધમાં કણી પડવા લાગશે. સતત હલાવતા રહેવાનું છે. દૂધનું પાણી બળવા આવે એટલે બદામ, પિસ્તા, કોપરાની છીણ અને ખસખસ ઉમેરો. ઘી છૂટે એટલે સાકર, સૂંઠ અને ગંઠોડા પાઉડર, ઇલાયચી અને જાયફળ પાઉડર મિક્સ કરી ગેસ બંધ દો. બદામ-પિસ્તા ઉમેરી પેંદને ડબ્બામાં ઢાળી લો.

કિચન ટિપ્સ...

જો ઘરમાં ઘી બનાવતી વખતે ઘી બળી જાય તો એની કાળાશ દૂર કરવા માટે તાજા બટાકાને કાપીને ઘીમાં મિક્સ કરીને ઘી ગરમ કરવાથી તે સાફ થઈ જાય છે. ડ્રાયફ્રુટ્સને સરળતાથી કાપવા ઇચ્છતા હો તો તેને એક કલાક માટે ફ્રિજમાં રાખીને કાપો

અન્ય સમાચારો પણ છે...