રસથાળ:ગરબા ગાતા સમયે એનર્જી બુસ્ટ કરતા વિવિધ ડ્રિન્ક્સ

14 દિવસ પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

આદિત્યને પસંદ છે ગરમાગરમ સૂપ

સિંગર આદિત્ય ગઢવી કહે છે... નવરાત્રિમાં ગાતી વખતે ત્યારે ગળાને હાઈડ્રેટ રાખવું જરૂરી બની જાય છે. આ સમયે સૂપ પીવો મને ખૂબ પસંદ છે. તેનાથી હું ફરી એનર્જી સાથે ગાવા માટે બુસ્ટ અપ થઈ જાઉં છું

સામગ્રી: ઝીણું સમારેલું ગાજર-અડધો કપ, સમારેલી કોથમીર-3 ચમચી, સમારેલી પાલક-6થી 7 પત્તા, લેમનગ્રાસ-2થી 3 ટુકડા, ઝીણી સમારેલી ફણસી-પા કપ, ઝીણી સમારેલી કોબી-અડધો કપ, ઝીણું સમારેલું ફ્લાવર-પા કપ, બારીક સમારેલું કેપ્સિકમ-પા કપ, ઝીણું સમારેલું લીલું મરચું-2 નંગ, મીઠું-સ્વાદ મુજબ, કોર્નફ્લોર-3 ચમચી, છીણેલું આદું-પા ચમચી, મરી પાઉડર-પા ચમચી, લીંબુનો રસ-1 ચમચી

રીત : સૌપ્રથમ એક તપેલીમાં ચાર ગ્લાસ પાણી ગરમ થવા મૂકવું. પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં દરેક સમારેલા શાકભાજી ઉમેરી લેવા. પાલકનાં પાન અને લેમનગ્રાસના ટુકડા અત્યારે ઉમેરવાના નથી. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર અને છીણેલું આદું ઉમેરવું. જો લસણ ભાવતું હોય તો બે કળી લસણ બારીક સમારીને ઉમેરી શકાય. પાંચથી સાત મિનિટ ઉકળવા દેવું. હવે તેની ઉપર ફીણ વળશે તેને ચમચા વડે કાઢી લેવા. એક વાડકીમાં કોર્નફલોરને ઠંડાં પાણીમાં મિક્સ કરીને સૂપમાં ઉમેરવું. હવે તેમાં સમારેલી પાલક, કોથમીર અને લેમનગ્રાસના ટુકડા ઉમેરી દેવા. બધું શાક ચડી જાય એટલે ગેસ બંધ કરી લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ સુપની મજા માણો.

પોમોગ્રેનેટ આઈસ ટી

સામગ્રી : બુરું ખાંડ-1 ચમચી, એપલ જ્યુસ-અડધો ગ્લાસ, દાડમ જ્યુસ-અડધો ગ્લાસ, લીંબુનો રસ-અડધી ચમચી, દાડમના દાણા-4 ચમચી, ચા-અડધી ચમચી, લેમનગ્રાસ-3થી 4 ટુકડા

રીત : સૌપ્રથમ એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે ચા અને લેમનગ્રાસ ઉમેરો. 7થી 8 મિનિટ સુધી ઉકળે એટલે ગેસ બંધ કરી પાણી ઠંડું થવા દો. એકદમ ઠંડું થઈ જાય એટલે તેને ગાળી લેવું. હવે તેમાં એપલ જ્યુસ, દાડમ જ્યુસ, બુરું ખાંડ, લીંબુનો રસ અને ક્રશ આઈસ ક્યુબ ઉમેરી ચમચી વડે સારી રીતે મિક્સ કરો. દાડમના દાણા સાથે બોટલમાં ભરી રિફ્રેશિંગ આઈસ ટીની ગરબા સમયે તરસ લાગે ત્યારે મજા માણો.

સત્તુ ડ્રિન્ક

​​​​​​​સામગ્રી : સત્તુ પાઉડર-4 ચમચી, મીઠું-પા ચમચી, લીંબુનો રસ-2 ચમચી, ફૂદીનાના પાન-8થી 10 નંગ, તુલસીનાં પાન-8થી 10 નંગ, ઝીણી સમારેલી કોથમીર ડાળી સાથે-2 ચમચી, મરી પાઉડર-પા ચમચી, શેકેલા જીરાનો પાઉડર-અડધી ચમચી, સંચળ પાઉડર-પા ચમચી, માટલાંનું ઠંડુ પાણી-1 ગ્લાસ

રીત : એક મિક્સર જારમાં માટલાનું ઠંડું પાણી, સત્તુ પાઉડર, ફૂદીના અને તુલસીનાં પાન તથા કોથમીરને ક્રશ કરીને ગરણી વડે ગાળી લેવું. તેની અંદર મીઠું, લીંબુનો રસ, મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર મિક્સ કરો. સારી રીતે હલાવો. હવે ફ્રિજમાં ઠંડું થવા માટે મૂકી દો.

સનસેટ ડ્રિન્ક

​​​​​​​સામગ્રી : ઓરેન્જ ક્રશ-2 ચમચી, પાઈનેપલ ક્રશ-2 ચમચી, ગુલાબ શરબત-1 ચમચી, શેકેલા જીરાનો પાઉડર-પા ચમચી, મરી પાઉડર-ચપટી, સંચળ-પા ચમચી, મધ-2 ચમચી, બરફના ટુકડા-5થી 6 નંગ, લીંબુનો રસ-અડધી ચમચી,પ્લેન સોડા-અડધો ગ્લાસ, પાણી-અડધો ગ્લાસ

રીત : સૌપ્રથમ એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી, મધ, શેકેલા જીરાનો પાઉડર, સંચળ પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ, ઓરેન્જ ક્રશ અને પાઈનેપલ ક્રશને હેન્ડબીટર વડે બીટ કરી લો. હવે તેની અંદર ગુલાબનું શરબત, પ્લેન સોડા અને ક્રશ આઈસ ઉમેરી બોટલમાં ભરી લો.

કોકોનટ મોહિતો
સામગ્રી : લીલાં નાળિયેરનું પાણી-1 ગ્લાસ, લીંબુનો રસ-1 ચમચી, પલાળેલાં તકમરીયાં-1 ચમચી, ફૂદીનાનાં પાન-4થી 5 નંગ, બરફના ટુકડા-5થી 6 નંગ

રીત : સૌપ્રથમ દરેક સામગ્રી તૈયાર કરી લો. હવે એક મિક્સર જારમાં લીલા નાળિયેરનું પાણી, લીંબુનો રસ, ફૂદીનાનાં પાન અને બરફના ટુકડા લઈ મિક્સરમાં 1 મિનિટ માટે ચર્ન કરી લો. હવે બોટલમાં પલાળેલાં તકમરીયાં, લીંબુની સ્લાઈસ, થોડા ફૂદીનાના પાન અને ઈચ્છા અનુસાર બરફના ટુકડા ઉમેરો. તેની ઉપર તૈયાર કરેલું કોકોનટ ડ્રિન્ક રેડો. તૈયાર છે હેલ્ધી અને રેફ્રેશિંગ કોકોનટ મોહિતો. નાળિયેરનું પાણી તમારી એનર્જી ટકાવી રાખશે અને લીંબુ-ફૂદીનાનો સ્વાદ ગરબા રમતી વખતે થાક દૂર કરશે.

અન્ય સમાચારો પણ છે...